ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન કાર્લસન કેમ ગુકેશ અને લિરેન, બન્નેની ગેમથી નારાજ છે
નોર્વેના ચેસ સમ્રાટે ખાસ કરીને ગુકેશ વિશે કહ્યું કે “તે જે રીતે રમી રહ્યો છે એના પરથી લાગે છે કે… "
સિંગાપોરઃ વિશ્વનાથન આનંદ બાદ પાંચ વખત વર્લ્ડ ચેસ ચૅમ્પિયન બનનાર નોર્વેના મૅગ્નસ કાર્લસને સિંગાપોરમાં ચાલી રહેલી વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ટાઇટલ માટેના બે દાવેદાર ભારતના ડી. ગુકેશ અને ચીનના વર્તમાન વિશ્વવિજેતા ડિન્ગ લિરેનની ગેમને વખોડી છે. કાર્લસનના મતે ગુકેશ અને લિરેન આ સર્વોચ્ચ સ્પર્ધામાં જે રીતે રમી રહ્યા છે એનાથી તે નારાજ છે.
કાર્લસનના મતે ગુકેશ અને લિરેનની ગેમમાં સર્વોત્તમ સ્તરની ચેસ સ્પર્ધામાં હોવી જોઈએ એવી ગુણવત્તા દેખાતી જ નથી. કાર્લસને એક પૉડકાસ્ટ પરની મુલાકાતમાં કહ્યું, “વર્લ્ડ ચૅમ્પિયનશિપના ટાઇટલ માટેના બે દાવેદાર વચ્ચેની ગેમ જેવું મને કંઈ લાગતું જ નથી. મને તો આ કોઈ ઓપન ટૂર્નામેન્ટના બીજા કે ત્રીજા રાઉન્ડ જેવી સામાન્ય ગેમ લાગી રહી છે.’
32 વર્ષીય લિરેન સોમવારે 12મી ગેમ જીત્યો અને એ સાથે ગુકેશ અને લિરેન, બન્નેના 6-6 પૉઇન્ટ થયા છે. 7.5 પૉઇન્ટ પર સૌથી પહેલાં પહોંચનાર ખેલાડી વર્લ્ડ ચૅમ્પિયન કહેવાશે. હજી બે ગેમ રમાવાની બાકી છે જે અનુક્રમે બુધવાર અને ગુરુવારે રમાશે. હવે વધુ દોઢ પૉઇન્ટ મેળવનાર ખેલાડી વિજેતા ગણાશે અને તેને અંદાજે 21.17 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.
આ પણ વાંચો : વિશ્વ ચેસ સ્પર્ધામાં ગુકેશે સાત મિનિટમાં 15 ચાલ ચાલવાની હતી અને પછી…
કાર્લસને ખાસ કરીને ભારતના 18 વર્ષીંય ડી. ગુકેશની ગેમ જોયા પછી પ્રતિક્રિયામાં કહ્યું, `ગુકેશની ગેમ જોતાં મને લાગે છે કે લિરેન માટે રસ્તો આસાન બનતો ગયો છે. ખેલાડીએ હંમેશાં હરીફની ગેમ મુશ્કેલ બનાવવાની હોય. સોમવારની ગેમ પરથી મને થયું કે લિરેન માટે રસ્તો આસાન થઈ રહ્યો છે. મનોવૈજ્ઞાનિક રીતે હજી બન્ને પર દબાણ છે, પરંતુ મને તો હવે લિરેન જ ટાઇટલ માટે ફેવરિટ જણાઈ રહ્યો છે.’