‘તો પહેલેથી જતા રહેતા હોય તો…’ સોનુ નિગમે રાજસ્થાનના મુખ્ય પ્રધાન સામે રોષ ઠાલવ્યો, જાણો શું છે ઘટના…
મુંબઈ: કોઈ કલાકર પરફોર્મ કરી રહ્યો હોય ત્યારે તેની સામેથી કોઈ દર્શક ઉભો થઇને જતો રહે એ નિરાશાજનક બાબત હોય છે. બોલિવૂડના જાણીતા ગાયક સોનુ નિગમે (Sonu Nigam) હાલમાં જ આવી એક ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હતી. સોનુએ રાજસ્થાનના મુખ્ય પ્રધાન પર રોષ ઠાલવ્યો. તેણે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે.
જયપુરમાં હતો કાર્યક્રમ:
રાજસ્થાનમાં આયોજિત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2024માં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા, નાયબ મુખ્ય પ્રધાન અને રાજ્ય સરકારના ઘણા પ્રધાનોએ હાજરી આપીહતી. પરંતુ જ્યારે સોનુ નીગમ પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનો શો અધવચ્ચે છોડીને જતા રહ્યા, આ બાબતે સોનું નારાજ થઇ ગયો.
આ પણ વાંચો : આ કેસમાં ફસાયા ધરમ પાજી, દિલ્હીની કોર્ટે સમન્સ પાઠવ્યું
વિડીયો શેર કરી નારાજગી જાહેર કરી:
વિડીયોમાં સોનુ નિગમે જયપુરમાં આયોજિત આ કાર્યક્રમ વિશે વાત કરતા કહ્યું કે ‘હેલો, હું હમણાં જ જયપુર કોન્સર્ટમાંથી આવું છું. હું ‘રાઇઝિંગ રાજસ્થાન’ પૂરી કરીને પાછો આવી રહ્યો છું. ખૂબ સારા લોકો આવ્યા હતા. તે એક મોટો શો હતો.
રાજસ્થાનનું ગૌરવ વધારવા માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો આવ્યા હતા. સીએમ સાહેબ અને રાજસ્થાનના ઘણા પ્રખ્યાત લોકોએ ભાગ લીધો હતો. પરંતુ, મેં જોયું કે શોની વચ્ચે સીએમ સાહેબ અને બીજા ઘણા મોટા લોકો ઉભા થઈને ચાલ્યા ગયા અને તેઓ જતાની સાથે જ મોટા ડેલિગેટ્સ પણ ચાલ્યા ગયા. તો દેશના રાજનેતાઓને મારી અપીલ છે કે તમે તમારા કલાકારોને માન નહીં આપો તો બહારના લોકો શું કરશે?’
સોનુએ આગળ કહ્યું – ‘મેં આવું બીજે ક્યાંય જોયું નથી. મેં જોયું નથી કે જો કોઈ અમેરિકામાં પરફોર્મ કરી રહ્યું હોય અને ત્યાં પ્રેસિડેન્ટ બેઠા હોય તો તેઓ અધવચ્ચેથી જતા રહે. જો તેમને જવું જ હોય તેઓ જાણ કરીને જશે, તેથી મારી વિનંતી છે કે જો તમારે ઉઠીને જવું જ હોય તો… તો શો શરૂ થાય તે પહેલાં જ જતાં રહો. કોઈ કલાકારનો શો અધવચ્ચે જ છોડી દેવો એ ખૂબ જ અનાદર અને દેવી સરસ્વતી અને કલાનું અપમાન છે. હું જાણું છું કે તમે બધા વ્યસ્ત છો, ઘણું કામ હોય છે, તેથી મહેરબાની કરીને પહેલેથી જ જતા રહો.’