ભારતીય સિનેમાની પ્રથમ સ્વપ્નસુંદરી: દેવિકા રાણી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
રૂપેરી પરદા પર સૌંદર્ય અને કલાનાં કામણ પાથરનારી એવી અભિનેત્રી જેણે યુસુફ ખાનને દિલીપકુમારનું નામ આપેલું, જેણે લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ની પરિકલ્પનાને પ્રથમ વાર ફિલ્મી પરદે સાકાર કરી, જેણે ભારતીય સિનેમાને પહેલો એન્ટી હીરો આપેલો, જે કચકડાની દુનિયામાં સ્વપ્નસુંદરી તરીકે પણ ઓળખાઈ અને ડ્રેગન લેડી તરીકે પણ...
હા, એ જ… એનું નામ દેવિકા રાણી. દાદાસાહેબ ફાળકે એવોર્ડ મેળવનાર ભારતીય સિનેજગતની સર્વપ્રથમ અભિનેત્રી. નાટકો અને સિનેમામાં પુરુષો જ નટીનાં પાત્રો ભજવતાં એવા સમયમાં ફિલ્મમાં અભિનયનાં અજવાળાં પાથરનારી અભિનેત્રી દેવિકા રાણી હતી ! ભારતીય સિનેમાની પ્રથમ સ્વપ્નસુંદરી હતી દેવિકા રાણી..!
આ દેવિકા રાણીનો જન્મ વિશાખાપટ્ટનમના પ્રતિષ્ઠિત પરિવારમાં ૩૦ માર્ચ ૧૯૦૮ના થયો. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના વંશ સાથે એનો સંબંધ હતો. દેવિકા રાણીના પિતા કર્નલ એમ.એન. ચૌધરી ચેન્નાઈના પહેલા સર્જન જનરલ હતા. માતા લીલા ચૌધરી ઘર અને દેવિકાને સંભાળતી. દેવિકાએ શાળાનું શિક્ષણ પૂરું કર્યું. પછી દેવિકા રાણીએ અભિનેત્રી બનવાનું સ્વપ્ન જોયું !
સ્વપ્ન સાકાર કરવા દેવિકા રાણી ૧૯૨૦ના આરંભે નાટ્યશિક્ષણ મેળવવા લંડન પહોંચી. રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ અને રોયલ એકેડેમી ઓફ મ્યુઝિકમાં પ્રવેશ મેળવ્યો. અભિનય અને સંગીતની તાલીમ લેવાની સાથે દેવિકા રાણીએ આર્કિટેક્ચર, ટેક્સટાઈલ અને ડેકોર ડિઝાઈનનો અભ્યાસ પણ કર્યો. પછી એલિઝાબેથ આર્ડન નામની બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગી.
આ જ અરસામાં દેવિકા રાણીની મુલાકાત ફિલ્મનિર્માતા હિમાંશુ રાય સાથે થઈ. હિમાંશુ રાય મેથ્યુ અર્નાલ્ડની કવિતા લાઈટ ઓફ એશિયાના આધારે આ જ નામથી ફિલ્મ બનાવીને આગવી ઓળખ મેળવી ચૂકેલા. આ હિમાંશુ રાય દેવિકા રાણીનું સૌંદર્ય નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા. એમણે દેવિકા રાણી સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો. દેવિકા રાણીએ પ્રસ્તાવ સ્વીકારી લીધો. બન્નેએ ૧૯૨૯માં પ્રભુતામાં પગલાં પાડ્યાં.
લગ્ન પછી હિમાંશુ રાયે કર્મા નામની ફિલ્મ પર કામ કરવાનું શરૂ કર્યું. દેવિકા રાણી સમક્ષ કર્મા’માં અભિનય કરવાનો પ્રસ્તાવ મૂક્યો. એણે તરત પ્રસ્તાવ સ્વીકારી લીધો. ૧૯૩૩માં કર્મા’ રિલીઝ થઈ. નાયક હિમાંશુ રાય અને નાયિકા દેવિકા રાણી. યુરોપમાં પ્રદર્શિત થયેલી આ ફિલ્મ અંગ્રેજી ભાષામાં બનેલી પહેલી ભારતીય ફિલ્મ હતી. ફિલ્મના એક દ્રશ્યમાં હિમાંશુ રાય અને દેવિકા રાણીનું દીર્ઘ ચુંબન દર્શાવવામાં આવેલું. એથી કર્મા ફિલ્મમાં દેવિકા રાણીની ખૂબ ટીકા થયેલી. જોકે દેવિકા રાણી પર એની અસર થઈ નહોતી. કારણ દેવિકા રાણીને અભિનય ક્ષેત્રે પ્રથમ પગલું પાડવાની તક મળેલી.
દરમિયાન ભારતમાં બોલતી ફિલ્મોનો દોર શરૂ થયેલો. હિમાંશુ રાય અને દેવિકા રાણી ભારત પાછા ફર્યાં. બન્નેએ મળીને બોમ્બે ટોકીઝ બેનરની સ્થાપના કરી. અને ફિલ્મ નિર્માણનું કામ હાથમાં લીધું. બોમ્બે ટોકીઝે ૧૯૩૫માં દેવિકા રાણી અભિનીત ‘જવાની કી હવા’ ફિલ્મનું નિર્માણ કર્યું. ફિલ્મને સફળતા મળી. એ પછી તો દેવિકા રાણી ફિલ્મોમાં લગાતાર કલાનાં કામણ પાથરતી રહી. મમતા ઔર મિલન, જીવન નૈયા અને જન્મભૂમિ. દરેક ફિલ્મ સફળ થઈ, પણ ૧૯૩૬માં આવેલી અછૂત ક્ધયા ફિલ્મની જ્વલંત સફળતાએ દેવિકા રાણીને અભિનેત્રીમાંથી અભિનયનો સિતારો બનાવી દીધી !
એમાં નાયક હતા અશોક કુમાર. અછૂત ક્ધયાએ દેવિકા રાણીને ‘ફર્સ્ટ લેડી ઓફ ઇન્ડિયન સ્ક્રીન- પટરાણી’ અને ડ્રીમ ગર્લ’ બનાવી દીધી. રૂપેરી પરદાની પહેલી સ્વપ્નસુંદરી !
દેવિકા રાણી સાચા અર્થમાં સ્વપ્નસુંદરી હતી. બ્રિટનનાં અખબારો તો દેવિકા રાણી પર પ્રશંસાનાં પુષ્પો વરસાવતાં. લંડનના અખબાર ધ સ્ટાર’માં દેવિકાના અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વને વખાણવા ઉપરાંત એવું પ્રકાશિત થયેલું કે, દેવિકા રાણી જેવો ખૂબસૂરત ચહેરો કોઈએ ભાગ્યે જ જોયો હશે !’
દેવિકા રાણી દેખાવે જેટલી મોહક હતી એટલી જ સ્વભાવે દાહક હતી. એના તેજ મિજાજને પગલે રાજ કપૂર બોમ્બે ટોકીઝની નોકરી છોડીને ચાલ્યા ગયેલા. બન્યું એવું કે દિલીપ કુમાર ડોક્ટર મસાણી સાથે બોમ્બે ટોકીઝ ગયેલા. દેવિકા રાણીએ દિલીપ કુમારને પૂછ્યું કે અભિનેતા બનવું છે ? મહિને બારસો પચાસ રૂપિયાનો પગાર મળશે. એ વખતે દિલીપ કુમારનું નામ યુસુફ ખાન હતું. દેવિકા રાણીએ નામ બદલીને દિલીપ કુમાર રાખ્યું. એ દિવસોમાં રાજ કપૂર પણ ત્યાં નોકરી કરતા હતા. એક વાર વાતવાતમાં દિલીપ કુમારે પોતાના પગાર વિશે રાજ કપૂરને જણાવ્યું. રાજ કપૂરનો પગાર માત્ર એકસો સિત્તેર રૂપિયા હતો. એથી એ દેવિકા રાણી પાસે ગયા. દેવિકા રાણીએ કહ્યું, તમે બન્ને શિખાઉ છો. અને નવા નિશાળિયાઓની કિંમત ક્યારેય એકસરખી હોતી નથી…’ આ સાંભળીને રાજ કપૂરને માઠું લાગ્યું. એ કામ છોડીને ચાલ્યા ગયા.
આ ઘટના પછી દિલીપ કુમાર પણ દેવિકા રાણીના ઝપાટામાં આવેલા. એક વાર દિલીપ કુમારે સિગારેટ સળગાવી. દેવિકા રાણીએ પૂછ્યું કે, શું તમને સિગારેટ પીવાની આદત છે ?’ દિલીપકુમારે કહ્યું, ના. મેં તો અમસ્તી જ સિગારેટ સળગાવેલી.’ દેવિકા રાણીએ તત્ક્ષણ દંડ વસૂલવાનું નક્કી કર્યું. દિલીપ કુમારને મહિનાને અંતે સો રૂપિયા કાપીને પગાર ચૂકવવામાં આવ્યો. દંડની જોગવાઈ અન્યો માટે પણ હતી. દેવિકા રાણીએ કેટલાક કડક નિયમ બનાવેલા. એનું ઉલ્લંઘન કરનારને દંડ થતો. એમાંના એક નિયમ મુજબ ચળકતાં અને ભડકતાં વસ્ત્રો પહેરીને આવનારને સો રૂપિયાનો દંડ કરાતો. એના આવા સ્વભાવને પગલે એ ડ્રેગન લેડી
- ફૂંફાડા મારતી સ્ત્રી કે આગ ઓકતી સ્ત્રી તરીકે જાણીતી થયેલી.
કોઈ પોતાને માટે શું કહે છે એની પરવા કર્યા વિના દેવિકા રાણી કામ કરતી રહી. સાવિત્રી, જીવન પ્રભાત, ઈજ્જત,પ્રેમ કહાની, નિર્મલા, વચન અને દુર્ગા…. દેવિકા રાણીની ફિલ્મો પ્રદર્શિત થતી રહી અને એ અભિનયનાં શિખર સર કરતી રહી. પણ ટોચે જઈને એનું ગબડવાનું શરૂ થયું. રૂપેરી કારકિર્દીની સોનેરી સફરને કાળું ટપકું કરવાનું રહી ગયું હશે. જાણે કોઈકની નજર લાગી હોય એમ હિમાંશુ રાયનું અવસાન થયું. દેવિકા રાણીને આઘાત તો લાગ્યો, પણ એણે સ્વસ્થતા ધારણ કરી. બોમ્બે ટોકીઝનો કાર્યભાર સંપૂર્ણપણે સંભાળી લીધો. કામનું ભારણ બેવડાઈ ગયું છતાં દેવિકા રાણીએ પોતાની કોઈ પણ ફિલ્મની ગુણવત્તામાં બાંધછોડ ન કરી.
આ જ અરસામાં દેવિકા રાણી દિલીપ કુમાર અભિનીત પહેલી ફિલ્મ જ્વાર ભાટાના પ્રોડક્શન પર કામ કરી રહેલી. ત્યારે એની મુલાકાત રશિયન ચિત્રકાર સ્વેતોસ્લાવ રોરિક સાથે થઈ. દેવિકા પોતાની ફિલ્મના સેટની ડિઝાઈન માટે સ્વેતોસ્લાવના સ્ટુડિયોએ ગયેલી. આ પહેલી મુલાકાતે દેવિકાનું જીવનવહેણ બદલી નાખ્યું. એક વર્ષ પછી, ૧૯૪૫માં બન્ને વિવાહના બંધનમાં બંધાયાં. દેવિકાએ બોમ્બે ટોકીઝ બંધ કરી દીધી. પતિ સાથે કુલ્લુ અને ચાર વર્ષ પછી બેંગલોર રહેવા ચાલી ગઈ. ૯ માર્ચ ૧૯૯૪ના દેવિકા રાણીનું મૃત્યુ થયું. એ સાથે સિનેજગતના એક યુગનો અસ્ત થયો.
દેવિકા રાણીનું નિધન થયું એ પહેલાં એને વિવિધ સન્માનોથી પુરસ્કૃત કરાયેલી. ભારત સરકારે ૧૯૫૮માં દેવિકા રાણીને દેશના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી પુરસ્કૃત કરી. ૧૯૭૦માં ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત પ્રથમ અભિનેત્રી એ બની. સિનેમાની સોનેરી દુનિયામાં અનેક પ્રથમ દેવિકા રાણીનાં નામ સાથે જોડાયાં. ડ્રીમ ગર્લ પણ હોય અને ડ્રેગન લેડી પણ હોય એવી પણ એ પ્રથમ જ હતી!