Philippines માં કનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ, 87,000 લોકોને રેસ્ક્યુ કર્યા, જુઓ Video
નેગ્રોસ : ફિલિપાઈન્સ (Philippines) કનલાઓન જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પછી ધુમાડાના ગોટેગોટા આકાશમાં હજારો મીટર સુધી ફેલાયા હતા. જેના પગલે વહીવટીતંત્રે નજીકના ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ફિલિપાઈન્સના સિવિલ ડિફેન્સ ઓફિસે જણાવ્યું હતું કે કનલાઓન જ્વાળામુખી ફાટવાને કારણે લગભગ 87,000 લોકોને રેસ્ક્યુ કરી તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં આવ્યા છે.
અગાઉ પણ વિસ્ફોટ થયા હતા
નેગ્રોસ ટાપુ પર સ્થિત કનલાઓન જ્વાળામુખી સમુદ્ર સપાટીથી 2,400 મીટર (આશરે 8,000 ફૂટ) ઊંચે છે. તે ફિલિપાઈન્સમાં 24 સક્રિય જ્વાળામુખીમાંથી એક છે. આ જ્વાળામુખી ભૂતકાળમાં ઘણી વખત ફાટ્યો છે અને તેની નજીક આવેલા ગામો માટે તે હંમેશા ખતરો બની રહે છે.
કનલાઓન એક સક્રિય જ્વાળામુખી
ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજીએ એલર્ટ લેવલ વધાર્યું છે. સંસ્થાએ ચેતવણી આપી છે કે વિસ્ફોટ શરૂ થઈ ગયો છે જે વધુ મોટા વિસ્ફોટોમાં ફેરવાઈ શકે છે. કનલાઓન જ્વાળામુખી છેલ્લે આ વર્ષે જૂનમાં ફાટી નીકળ્યો હતો. જ્વાળામુખી નેગ્રોસ ટાપુ પર નેગ્રોસ ઓરિએન્ટલ અને નેગ્રોસ ઓક્સિડેન્ટલના પ્રાંતોમાં ફેલાયેલો છે અને તે દેશના સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે.
Also Read – સાઉથ કોરિયા પોલીસે રાષ્ટ્રપતિ સામે કડક કાર્યવાહી કરી! આ મામલે થઇ રહી છે તપાસ
ફિલિપાઈન્સ ‘રિંગ ઓફ ફાયર’માં સ્થિત
ઉલ્લેખનીય છે કે, ફિલિપાઈન્સ પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’માં આવેલું છે. જે ધરતીકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ છે. દેશમાં 24 સક્રિય જ્વાળામુખી છે. જેમાંથી કનલાઓન એક છે. જ્વાળામુખી ફાટવા અને ધરતીકંપની ગતિવિધિઓ અહીં વારંવાર જોવા મળે છે. જે સ્થાનિક રહેવાસીઓ માટે મોટો ખતરો છે.