યોગના સર્વોચ્ચ શિખરોથી પદ્મશ્રી સુધીની સફર ખેડનાર ‘યોગ અમ્મા’ વી. નાનમ્મલ
વિશેષ -કવિતા યાજ્ઞિક
અંગ્રેજીમાં કહેવાય છે કે ’એજ ઇસ જસ્ટ અ નંબર’. અર્થાત ઉંમર માત્ર એક આંકડો માત્ર છે, તેને મનુષ્યની ક્ષમતા સાથે કંઈ લેવાદેવા નથી. કેટલાક લોકો આ ઉક્તિને સાક્ષાત મૂર્તિમંત કરે છે. અને તેમાંથી પણ કેટલાક એવા છે જે આયુષ્યના અસ્તાચળે પણ અવિરત કર્મ કરતા રહે છે. શ્રીમદ ભગવદ્દ ગીતામાં શ્રી કૃષ્ણએ યોગની પણ વાત કરી છે અને કર્મયોગની પણ વાત કરી છે. આ બંનેનો સંગમ એટલે પદ્મશ્રી વી. નાનમ્મલ.
કોઈમ્બતુરમાં રહેતી ૯૯ વર્ષની દાદી અમ્મા યોગમાં લગભગ બધાને માત આપતા હતા. જી હા, ૯૯ વર્ષ! નાનમ્મલ ૯૯ વર્ષની ઉંમરે પણ દરરોજ યોગાસન કરતા હતા. તેઓ માત્ર પોતે યોગ નહોતા કરતા, પણ સાથેસાથે તેઓ દરરોજ ૧૦૦ બાળકોને યોગ શીખવતા પણ હતા. કહેવાય છે કે તેમણે તેમના આયુષ્યમાં ૧૦ લાખ લોકોને યોગની તાલીમ આપી હતી. તેમના દ્વારા શીખવવામાં આવેલા લગભગ ૬૦૦ વિદ્યાર્થીઓ સમગ્ર વિશ્વમાં યોગ પ્રશિક્ષક તરીકે કામ કરી રહ્યા છે. તેમણે તેમના ઉદાહરણ દ્વારા સાબિત કર્યું કે યોગ આપણા શરીર માટે કેટલો ફાયદાકારક છે.
તેઓ ૯૯ વર્ષની ઉંમરે પણ યોગના તમામ પ્રકારના મુશ્કેલમાં મુશ્કેલ આસનો પણ કોઈ યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ અને શક્તિ સાથે કરી શકતા હતા. તેમની યોગ મુદ્રાઓ જોઈને કોઈ પણ તેમની ઉંમરનો અંદાજો લગાવી શકતું નહીં. તેમણે જીતેલી ટ્રોફીઓ તેમની યોગ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
નાનમ્મલનો જન્મ ૨૪ ફેબ્રુઆરી ૧૯૨૦ ના રોજ તામિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના કલિયાપુરમ,ખાતે ખેડૂત પરિવારમાં થયો હતો. આઠ વર્ષની ઉંમરે,તેમણે તેમના પિતા પાસેથી યોગ શીખવાનું શરૂ કર્યું હતું અને આખરે ૫૦ થી વધુ આસનોમાં નિપુણતા મેળવી હતી.
નાનમ્મલના પિતા અને દાદા બંને ’રજિસ્ટર્ડ ઈન્ડિયન મેડિસિન પ્રેક્ટિશનર્સ’ હતા. તેમનો પરિવાર પેઢીઓથી યોગ કરવાની પરંપરા નિભાવતો આવ્યો છે. પરંતુ તેઓ પરિવારની બહાર કોઈને પણ યોગ શીખવતા નહોતા અને તેમનો યોગ પ્રેમ પોતાના પરિવાર પૂરતો સીમિત હતો. તે દિવસો દરમિયાન, પરિવારનો મુખ્ય વ્યવસાય પરંપરાગત સિદ્ધ દવાઓ અને કૃષિ હતો . તેમના પરિવાર પાસે કેરળ રાજ્યમાં નાળિયેર અને કાજુના ખેતરો હતા.નાનમ્મલના જણાવ્યા મુજબ, તેમના પિતા માર્શલ આર્ટ જાણતા હતા અને તેમને યોગ શીખવતા હતા. તેમના પિતાના શિષ્યા બનીને કરેલી યોગ સાધના તેમણે આજીવન ચાલુ રાખી અને હજારો લોકો સુધી પહોંચાડી, એ નાનીસૂની સિદ્ધિ નથી જ.
નાનમ્મલના પતિ એક સિદ્ધ સાધક હતા અને ખેતીકામ સાથે પણ સંકળાયેલા હતા. નાનમ્મલ પતિની સાથે પહેલા નેગામમ અને બાદમાં ગણપતિમાં સ્થળાંતર થયા. લગ્ન પછી તેઓ તેમને ગમતા કામ નેચરોપેથી તરફ વળ્યાં. તેમને પાંચ બાળકો, ૧૨ પૌત્ર અને ૧૧ પ્રપૌત્રો છે.
વર્ષ ૧૯૭૨ માં તેમણે કોઈમ્બતુરમાં ‘ઓઝોન યોગ કેન્દ્ર’ ની સ્થાપના કરી. નાનમ્મલ અને તેનો પરિવારે , પેઢીઓથી ચાલતી તેમની પરંપરાઓનું પાલન પણ કર્યું અને યોગનો પ્રચાર પણ કર્યો. નાનમ્મલ કેન્દ્રમાં તેમની પરંપરાગત યોગ શૈલી શીખવતા, જ્યાં પ્રાણાયામના આધારે યોગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. ઓઝોન યોગ શાળા’ ની તેમના દ્વારા સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી, નાનમ્મલ અને તેના પરિવારે લાખોની સંખ્યામાં લોકોને યોગ સાથે જોડ્યા છે.
છેલ્લા પાંચ દાયકામાં, નાનમ્મલે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી અને તેમના બાકીના જીવન દરમ્યાન દરરોજ ૧૦૦ વિદ્યાર્થીઓને ‘ઓઝોન યોગ કેન્દ્ર’માં ભણાવવાનું ચાલુ રાખ્યું . તેમના પરિવારના ૩૬ સભ્યો સહિત ૬૦૦ જેટલા તેમના વિદ્યાર્થીઓ ’યોગ પ્રશિક્ષક’ બન્યા છે અને વિશ્વભરના વિદ્યાર્થીઓને યોગ શીખવી રહ્યા છે. તેમના પુત્ર બાલક્રિષ્નનના કહેવા અનુસાર,તેમણે તેમના જીવનકાળ દરમ્યાન ૬૦ થી વધુ પરિવારના સભ્યોને યોગ શિક્ષક તરીકે તાલીમ આપી હતી.
જીવનની સંધ્યા અને મૃત્યુ
નાનમ્મલે કોઇમ્બતુરમાં ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓને યોગ શીખવીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો ઉદ્દેશ્ય લોકોમાં મુખ્યત્વે વિદ્યાર્થિનીઓ, અને મહિલાઓમાં ખાસ કરીને લગ્ન પછી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉકેલવા માટે જાગૃતિ લાવવાનો હતો. તે માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને વિદ્યાર્થીઓને યોગ તકનીકો શીખવતા. તેમણે ભારતીય રિયાલિટી શો ‘ઈન્ડિયા’સ ગોટ ટેલેન્ટ’માં
સ્પર્ધક તરીકે પણ મોટી ઉંમરે ભાગ લીધો હતો. સ્પર્ધા જીતવા નહીં, પણ તેના દ્વારા યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા. યુટ્યુબ પર તેમના કાયમી પોશાક, ગુલાબી સાડીમાં યોગના મુશ્કેલ આસનો કરતા વીડિયોએ ઘણી લોકપ્રિયતા મેળવી છે.
૨૦૧૯ ની પાનખરમાં નાનમ્મલ પલંગ પરથી પડી ગયા હતા અને ત્યાર પછી તેઓ પથારીવશ રહ્યા. ૨૬ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ કોઈમ્બતુરમાં તેમનું અવસાન થયું હતું.
તેમને તેમના વિદ્યાર્થીઓ યોગ અમ્મા કહીને બોલાવતા હતા. તેઓ દેશમાં સૌથી વૃદ્ધ મહિલા યોગ પ્રશિક્ષક હતા. નાનમ્મલના પરિવારે કહ્યું કે તેમણે તેમના મૃત્યુની ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે ૪૮ દિવસોમાં એમનું મૃત્યુ થશે અને એવું જ થયું. પરિવારના કહેવા પ્રમાણે નાનમ્મલે કહેલી તારીખના ૮ દિવસ પહેલા જ એમનું મૃત્યુ થયું હતું. તેમના યોગ પ્રત્યેના સમર્પણ અને પ્રેમે તેમને અનેક સન્માનો પણ અપાવ્યા. ૨૦૧૬માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે તેમને રાષ્ટ્રીય નારી શક્તિ પુરસ્કાર મળ્યો, એ જ વર્ષે તેમને શ્વાસા યોગ સંસ્થાનો યોગ રત્ન પુરસ્કાર અને ભારત સરકારે ૨૦૧૮માં ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી આપીને આ યોગીનીનું યથાયોગ્ય સન્માન કર્યું. કદાચ આ સન્માન તેમને તેમના જીવનમાં ઘણું વહેલું મળી જવું જોઈતું હતું. પ્રાપ્ત અહેવાલ પ્રમાણે જયારે તેઓને આ બહુમાન એનાયત થયું ત્યારે તેઓ પદ્મ પુરસ્કાર મેળવનાર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ હતા.