લાડકી

વિદ્રોહની કિંમત: કર્મનું ફળ કે વેરની વસૂલાત?

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

નામ: ફૂલનદેવી
સ્થળ: ૪૪ અશોક રોડ, નવી દિલ્હી
સમય: બપોરે ૧.૩૦ વાગ્યે, ૨૫ જુલાઈ, ૨૦૦૧
ઉંમર: ૩૭ વર્ષ

(ભાગ: ૫)
(ગતાંકથી ચાલુ)
દેશમાં જેટલા ડાકુએ આત્મસમર્પણ કર્યું એમાંથી કોઈને દસ વર્ષની સજા નથી થઈ, જ્યારે આત્મસમર્પણ કરવાની વાત હતી ત્યારે એવું વચન આપવામાં આવ્યું હતું કે, મારા કોઈપણ સાથીને આઠ વર્ષથી વધારે જેલમાં રાખવામાં નહીં આવે, પરંતુ અમને સૌને અગિયાર વર્ષ સુધી મુકદમો ચલાવ્યા વગર જેલમાં રાખવામાં આવ્યાં. એવી પણ શર્ત હતી કે, અમારા બધાના મુકદમા મધ્યપ્રદેશમાં એક જ જગ્યાએ ચલાવવામાં આવશે, પણ એવું થયું નહીં. પહેલાં મને ગ્વાલિયર જેલમાં રાખવામાં આવી, પછી કેન્સર છે એવા બહાના હેઠળ તિહાડ જેલમાં લાવવામાં આવી. જેલમાં મેં ઓછી તકલીફ નથી સહી. ઉત્તરપ્રદેશની સરકારે અમારી વિરુધ્ધના બધા કેસ ફરી પાછા શરૂ કરી દીધા… મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની વચ્ચે ધક્કા ખાતાં ખાતાં મેં અગિયાર વર્ષ વીતાવ્યાં, પણ મારો કેસ ટ્રાયલમાં જ ન આવ્યો. અંતે, મેં વારંવાર અરજીઓ કરી, અનેક ઈન્ટરવ્યૂઝ આપ્યા, મારો કેસ નથી ચાલતો એ વિશે મીડિયાએ અવાજ ઉઠાવ્યો ત્યારે અગિયાર વર્ષ પછી મારો કેસ બોર્ડ પર આવ્યો. એ અગિયાર વર્ષ તો એમણે ગણ્યા જ નહીં, પરંતુ ૧૩ વર્ષ જેલમાં રહ્યા પછી ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટે મને પેરોલ પર છોડી. મેં પહેલી વાર જેલની બહાર પગ મૂક્યો. અંતે ૧૯૯૦માં બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ કાશીરામ રાણાએ મને રાજનીતિમાં આવવાનું આમંત્રણ આપ્યું. એ વખતે મેં ના પાડી. ૧૯૯૪માં હું જેલમાંથી છૂટી ત્યાર પછી મુલાયમસિંહ યાદવે મને સ.પા.માં સામિલ થવાનું આમંત્રણ આપ્યું. હું એ વખતે પણ એમની સાથે જોડાવા માનસિક રીતે તૈયાર નહોતી કારણ કે, મારા જેલના અગિયાર વર્ષ દરમિયાન મને એક વાત સમજાઈ ગઈ હતી કે, કોઈ રાજકારણી વિશ્ર્વાસને લાયક તો નથી જ. મેં મારી મલ્લાહ-નિષાદ જાતિના લોકોને ભેગાં કરીને ‘એકલવ્ય સેના’ બનાવી. ત્યારે સૌને સમજાયું કે, મારી પાસે કેટલું પીઠબળ છે. મુલાયમસિંહે ફરીથી મારી સાથે મિટિંગ કરી, ત્યારે હું સ.પા.માં સામિલ થઈ ગઈ.

૧૯૯૪નું વર્ષ ડો. બાબાસાહેબ આંબેડકરની શતાબ્દીનું વર્ષ હતું. એ વર્ષે મેં બૌધ્ધ ધર્મની દિક્ષા લીધી. નવાઈની વાત એ છે કે, એક અંગ્રેજ લેખકે મારા જીવન પર પુસ્તક લખ્યું હતું, એમણે મને હજારો ડોલર રોયલ્ટીનું વચન આપ્યું હતું, પરંતુ જ્યારે રોયલ્ટી આપવાની વાત આવી ત્યારે એમણે મારા પત્રોના જવાબ આપવાનું બંધ કરી દીધું. એ વખતે હું ભંતે ધર્મબોધીજીના સંપર્કમાં આવી. એમના પ્રયાસોને કારણે મને મારી રોયલ્ટી મળી, પરંતુ એમની સાથેના સંપર્ક દરમિયાન મને સમજાયું કે, વેર-ઝેર, બદલો બધું નકામું છે. એમને મળ્યા પછી પહેલીવાર મને એ ૨૨ લોકોના પરિવારની દયા આવી જેમની મેં હિંસા કરી હતી!

આપને જાણીને નવાઈ લાગશે કે, મારા જીવન પર અનેક પુસ્તકો લખાયાં, જેમાં માલા સેનનું પુસ્તક ’ઈન્ડિયાઝ બેન્ડિટ ક્વિન’ છે. રોય મોક્સહેમ નામના લેખકે ’આઉટ લો’ નામનું પુસ્તક લખ્યું. મીના નામના ફ્રેન્ચ પત્રકારે ‘ફૂલનદેવી’ નામનું પુસ્તક લખ્યું. એ સિવાય ‘આઈ, ફૂલનદેવી’ના અનેક ભાષામાં
અનુવાદો થયા. શેખર કપૂર નામના એક જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને અભિનેતાએ માલા સેનના પુસ્તક ઉપરથી ફિલ્મ બનાવી, ‘બેન્ડિટ ક્વિન’ જેને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક ઈનામો મળ્યા, એવોર્ડ મળ્યા, એ ફિલ્મમાં મારું પાત્ર ભજવનાર સીમા બિશ્વાસ
સાચે જ મારી સાથે રહી, મને મળી, મારા જીવનની અનેક વાતો જાણી. એ પછી જ્યારે એણે ફિલ્મમાં અભિનય કર્યો ત્યારે એ એક સાચી ’બેન્ડિટ ક્વિન’ લાગી. અમેરિકાના મેગેઝિન, જે દુનિયાનું સૌથી મોટું મેગેઝિન માનવામાં આવે છે એ ‘ટાઈમ મેગેઝિન’માં ૧૬ વિદ્રોહી મહિલાઓની સૂચિ જાહેર કરવામાં આવી. એમાં ચોથા નંબરે મારા વિશે વિગતો પ્રકાશિત કરવામાં આવી. એમાં લખ્યું હતું, ‘ફૂલનદેવીને ભારતીય દલિત લોકોના સંઘર્ષને અવાજ આપનારી આધુનિક રાષ્ટ્રની સૌથી ભયાનક ડકૈતના સ્વરૂપે યાદ રાખવામાં આવશે.’

મુખ્યમંત્રી અર્જુનસિંહે પોતાની આત્મકથા ’એ ગ્રેઈન ઓફ સેન્ડ ઈન ઓવર ગ્લાસ ઓફ ટાઈમ’માં મારા આત્મસમર્પણનો કિસ્સો ટાંક્યો છે, ‘ખૂંખાર ડકૈત ફૂલનદેવીને મેં પહેલીવાર જોઈ ત્યારે હું ચોંકી ગયેલો. એની ઊંચાઈ પાંચ ફૂટ હતી. એ સાવ પાતળી અને કોઈપણ ૨૫ વર્ષની છોકરી જેવી નાજુક હતી. એ ઓટોમેટિક રાયફલ હાથમાં પકડીને મંચ પર ચડી. મને પગે લાગી અને હથિયાર ભગવાનની મૂર્તિ સામે મૂકીને સૌની સામે હાથ જોડ્યા. આજે યાદ કરું છું તો સમજાય છે કે, એ છોકરીનું શારીરિક બળ કંઈ ખાસ નહીં હોય, એણે જે કંઈ કર્યું એ ફક્ત પોતાના મનોબળ અને પોતાની જાતિ-પોતાની સાથે થયેલા અપમાનનો બદલો લેવાના ઝનૂનથી કર્યું.’

એમની વાત સાચી છે. મને જો સારો પતિ મળ્યો હોત કે, થોડુંક પણ સુખી-સન્માનપૂર્વક જીવી શકાય એવું જીવન મળ્યું હોત તો મને હત્યા કરવાનો વિચાર સુધ્ધાં ન આવ્યો હોત. દુનિયાની દરેક સ્ત્રીને એક સુખી, શાંત અને પારિવારિક જીવન જીવવું હોય છે. મારો ગુનો એટલો જ હતો કે, હું અન્યાય સહન કરી શકતી નહોતી.

લોકો જેને નીચી જાતિ કહે છે એવા, મારા પોતાના લોકોને ક્યારેય એ અધિકાર કે સન્માન મળ્યું નહીં જે હું એમને અપાવવા ઈચ્છતી હતી. મારો પ્રયાસ કદી અટક્યો નહીં. મને લાગ્યું કે, રાજકારણમાં પ્રવેશ કરવાથી હું સરકારનો હિસ્સો બનીને મારા લોકો માટે કંઈક કરી શકીશ. અંતે, મેં મુલાયમસિંહની દરખાસ્ત સ્વીકારી લીધી, હું સ.પા.માં જોડાઈ.

મિર્ઝાપુરની લોકસભા સીટ પર ૧૯૯૬માં હું પહેલીવાર ચૂંટણી લડી, જીતી અને સાંસદ બની ગઈ. સાંસદ બન્યા પછી મેં ગામમાં આવવાનું કે લોકોને મળવાનું છોડ્યું નહીં. બીજા લોકો જેમ ચૂંટણી જીત્યા પછી પોતાના લોકોને ભૂલી જાય છે, એવું મેં ક્યારેય કર્યું નહીં. કદાચ એટલે જ, ૧૯૯૯માં બીજી વાર મિર્ઝાપુરની સીટથી હું જીતી. હું દરેક વખતે ગામ જતી, લોકોને મળતી. ગામમાં કારખાના, નાના ઉદ્યોગો અને શાળા ખોલવાનું કામ કર્યું. કોલેજ માટે પણ ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યે એ સફળ ન થયો. ૧૯૯૯માં બીજી વાર જીતીને મારે ગામ ગઈ ત્યારે મારા કાકાના દીકરાને ઘેર બોલાવીને મેં એને ક્ષમા કર્યા. એ લોકોએ મને દસ વીઘા જમીન પાછી આપી જે મેં એમના જ નામે કરી દીધી.

એ પછી હું વારંવાર મારા ગામમાં જતી, આસપાસના વિસ્તારોમાં મલ્લાહ લોકોને એકઠા કરીને એમને પોતાના અધિકાર માટે જાગૃત કરવાનું કામ મેં કર્યું. દરમિયાનમાં ફ્રાંસ, જાપાન, મલેશિયા, સ્પેન, તુર્કસ્તાન જેવા દેશોનો પ્રવાસ કર્યો. મારે ત્યાં આવનાર દરેક વ્યક્તિને સીધા મને મળવાની છૂટ હતી. હું સૌને મદદ કરવાનો પૂરો પ્રયાસ કરતી હતી. મેં ક્યારેય હાઈસિક્યોરિટી કે બીજી કોઈ સગવડોનો દુરાગ્રહ રાખ્યો નહીં. સાંસદ તરીકે હું જે ક્વાર્ટરમાં રહેતી હતી ત્યાં મારે ગામથી અનેક લોકો દિલ્હી દર્શન આવતા. હું સૌને મારે ત્યાં રહેવાની સગવડ કરી આપતી…
૨૫ જુલાઈ, ૨૦૦૧, સંસદનું સત્ર ચાલી રહ્યું હતું. હું બપોરના લંચ માટે મારા ૪૪, અશોક રોડ પર આવેલા સંસદ ક્વાર્ટર પર લંચ માટે આવી હતી. હું જ્યારે બહાર નીકળી ત્યારે બંગલાની બહાર સીઆઈપી ૯૦૭ નંબરની લીલા નંબરની મારૂતિ કાર પહેલેથી જ ઊભી હતી. જેવી હું મારા ઘરની બહાર નીકળી કે મારી રાહ જોઈ રહેલા બુકાની બાંધેલા ત્રણ જણાંએ મારા શરીરમાં પાંચ ગોળી ઉતારી દીધી. આ અંધાધૂંધ ગોળીબારમાં મારો એક ગાર્ડ પણ ઘાયલ થઈ ગયો. એ પછી હત્યારા એ જ ગાડીમાં બેસીને ભાગી ગયા. મને તરત જ લોહિયા હોસ્પિટલ લઈ આવવામાં આવી, પરંતુ લોહી ખૂબ વહી જવાને કારણે મારું મૃત્યુ થઈ ચૂક્યું હતું.

કોઈએ મારી તરફ ધ્યાન ન આપ્યું. લોહિયા હોસ્પિટલના એક ખૂણામાં મારી લાશ કલાકો સુધી લાવારિસની જેમ પડી રહી, પરંતુ રડતાં-કકળતાં મારા ભાઈ-બહેનોને એ લાશ સોંપવામાં પોણા બે દિવસ લગાડી દીધા…
આજે હું નથી, પણ મારી કથા એક વિદ્રોહી, અન્યાય ન સહન કરનારી અને મજબૂત સ્ત્રીની કથા બનીને સૌને યાદ રહેશે એનો મને વિશ્વાસ છે.

નોંધ: ૨૭ જુલાઈ, ૨૦૦૧ને દિવસે શેરસિંહ રાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કબૂલ કર્યું કે, ફૂલનને મેં મારી નાખી છે… લગભગ અઢી વર્ષ તિહાડ જેલમાં વિતાવ્યા પછી તિહાડ જેલના ગેટ નંબર ૧ ઉપરથી સવારે ૬.૫૫ વાગ્યે શેરસિંહ રાણા ભાગી ગયા. તિહાડ જેવી જેલ તોડીને ભાગેલા શેરસિંહ રાણા પછીથી છેક અફઘાનિસ્તાન જઈને ત્યાં રહેલા મહારાજ પૃથ્વીરાજ ચૌહાણના અસ્થિ લાવનાર ક્ષત્રિય કુલભૂષણ અને હિન્દુ હૃદય સમ્રાટ તરીકે સન્માનિત કરવામાં આવ્યા.(સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button