નવી દિલ્હી: એક દેશ એક ચૂંટણીના (One Nation One Election) રિપોર્ટને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, સરકાર સંસદના ચાલુ સત્રમાં આ બિલને રજૂ કરી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિએ એક દેશ એક ચૂંટણી પર વિસ્તૃત ચર્ચા કરી છે, તેને પોતાનો અહેવાલ પણ સરકારને સોંપી દીધો છે. સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સરકાર આગળની પ્રક્રિયા પર કામ કરવાની તૈયારીઓ કરી રહી છે.
આ પણ વાંચો : લોકસભામાં ગુંજ્યો સોનિયા ગાંધી સાથે સોરોસ કનેક્શન મુદ્દો, ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઇ
શિયાળુ સત્રમાં રજૂ થઈ શકે છે બિલ
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્ર અથવા બજેટ સત્ર દરમિયાન ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ રજૂ કરી શકે છે. સરકાર આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલી શકે છે. એક દેશ, એક ચૂંટણી અંગેની રામનાથ કોવિંદ સમિતિના અહેવાલને મોદી કેબિનેટ દ્વારા પહેલા જ મંજૂરી આપવામાં આવી છે. સરકાર આ બિલ પર સર્વસંમતિ ઈચ્છે છે તેથી તમામ પક્ષધારકો સાથે ચર્ચા થવી જોઈએ તે બાબત પર ભાર મૂકી રહી છે. તેથી JPC તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વન નેશન વન ઇલેક્શન બિલ પર ચર્ચા કરશે. સરકારને આશા છે કે આ બિલ પર સર્વસંમતિ સધાઈ જશે.
સરકાર માટે છે પ્રાથમિકતા
‘એક દેશ, એક ચૂંટણી’ મોદી સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે. મોદી કેબિનેટે 18 સપ્ટેમ્બરે ‘વન નેશન વન ઇલેક્શન’ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકાર છેલ્લા કેટલાક સમયથી એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર મૂકી રહી છે. આ બિલ અંગે સરકારનો તર્ક છે કે વર્તમાન ચૂંટણી પ્રણાલીમાં સમય, નાણાં અને શ્રમનો વ્યય થાય છે. ચૂંટણી પહેલા જાહેર કરાયેલી આદર્શ આચારસંહિતા વિકાસના કામો પર બ્રેક લગાવે છે. એકસાથે ચૂંટણી યોજવાથી સમય, નાણાં અને શ્રમની બચત થશે. વિકાસના કામો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે છે.
સપ્ટેમ્બરમાં ગઠન થઈ સમિતિ
વન નેશન વન ઇલેક્શનની પ્રક્રિયા નક્કી કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રામનાથ કોવિંદ સમિતિની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સોંપ્યો હતો. સમિતિએ તમામ સંસદનો કાર્યકાળ 2029 સુધી લંબાવવાનું સૂચન કર્યું છે.
આ પણ વાંચો : Mahakumbh 2025: મહાકુંભની તૈયારીઓ પુરજોશમાં, 13000 ટ્રેન દોડશે, રેલવેમંત્રીએ કર્યું નિરીક્ષણ
રિપોર્ટ કેવી રીતે તૈયાર થયો?
અહેવાલ તૈયાર કરવા માટે સમિતિએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો હતો. જેમાંથી 32 પાર્ટીઓએ વન નેશન વન ઈલેક્શનને સમર્થન આપ્યું હતું. તો 15 રાજકીય પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. જ્યારે 15 એવી પાર્ટીઓ હતી જેણે કોઈ જવાબ આપ્યો ન હતો. 191 દિવસના સંશોધન પછી, સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો. સમિતિનો રિપોર્ટ 18 હજાર 626 પાનાનો છે.