એડિલેડ ટેસ્ટ મેચ વિવાદમાં ICCએ મોહમ્મદ સિરાજને ફટકાર્યો દંડ, ટ્રેવિસ હેડને પણ….
એડિલેડ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝ હાલ ચર્ચામાં છે. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડને એકબીજા સાથે અથડામણની કિંમત ચૂકવવી પડી છે. એડિલેડ ટેસ્ટ મેચમાં બંને ખેલાડીઓ વચ્ચેના વિવાદ બાદ ICCએ સોમવારે મોટી કાર્યવાહી કરી અને બંને ખેલાડીઓને દંડ ફટકાર્યો છે.
ICCએ ફટકાર્યો દંડ
મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડને દોષી ગણીને ICCએ મેચ ફીના 20 ટકાનો દંડ ફટકાર્યો છે. ICCએ કહ્યું છે કે આ બંને ખેલાડીઓએ ICCના નિયમ 2.5નું ઉલ્લંઘન કર્યું છે. આટલું જ નહીં, ICC એ પણ સ્વીકાર્યું છે કે ટ્રેવિસ હેડે નિયમ 2.13નું પણ ઉલ્લંઘન કર્યું છે. આ સાથે સિરાજ અને ટ્રેવિસ હેડને પણ એક-એક ડીમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.
સિરાજ અને હેડે મેચ રેફરી રંજન મદુગલેની સામે આરોપોનો સ્વીકાર કરીને પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી, આ કારણે જ સુનાવણીની જરૂર નહોતી પડી. આવી સ્થિતિમાં આઈસીસીએ બંનેને દોષિત માન્યા હતા અને સજા સંભળાવી હતી. જો કે, રાહતની વાત એ છે કે બંને ખેલાડીઓ પર આગળની મેચો રમવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. આઈસીસીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે બંને ખેલાડીઓની ભૂલ હતી અને હવે બંનેને સજા કરવામાં આવી છે.
આ પણ વાંચો : એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા X પર ટ્રોલ થઈ; રોહિત-કોહલી મીમર્સના ટાર્ગેટ પર, જુઓ મજેદાર મીમ્સ
શું કહ્યું બંને ખેલાડીઓએ
આ મામલે સિરાજે કહ્યું હતું કે, ‘પ્રેસ કોન્ફરન્સમાં તેણે જે પણ વાતો કરી તે ખોટું છે. તેણે મને well bowled કહ્યો તે જૂઠ છે. તેણે કહ્યું કે તમે લોકો પોતાને આ રીતે જુઓ છો. અમે દરેકને માન આપીએ છીએ. તેની આ રીત સારી નહોતી. ટ્રેવિસ હેડે બીજા દિવસની રમત બાદ કહ્યું હતું કે તેણે સિરાજને વેલ બોલિંગ કહ્યો હતો. હેડે એમ પણ કહ્યું હતું કે તેઓ આ બાબતને વધુ મહત્વ આપવા માંગતા નથી.