ભીડના વ્યવસ્થાપનને લઈને ફડણવીસનું મોટું નિવેદન વિધાન ભવન ‘બજાર’ ન બનવું જોઈએ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે વિધાન ભવનમાં ભીડના વ્યવસ્થાપનની આવશ્યકતા પર જોર આપતાં કહ્યું હતું કે વિધાનભવન પરિસર ‘બજાર’ ના બનવો જોઈએ.
વિધાનસભામાં બોલતા મુખ્ય પ્રધાને એવો પ્રશ્ર્ન કર્યો હતો કે જો વિધાન ભવન ખીચોખીચ ભરેલું રહે તો ગૃહ કેવી રીતે યોગ્ય રીતે ચાલી શકે.
‘હવે હું જે કહેવા જઈ રહ્યો છું, તેનાથી કેટલાક વિધાનસભ્યો નારાજ થઈ શકે છે, પરંતુ અમારે વિધાન ભવન પરિસરમાં ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવાની જરૂર છે. હું આવા શબ્દોનો ઉપયોગ કરવા માંગતો નથી. જોકે, હું પરિસ્થિતિનું વર્ણન કરવા માટે વધુ સારો વિકલ્પ શોધી શકતો નથી, પરંતુ આ પરિસર ‘બજાર’ ન બનવું જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો : એનસીપી (એસપી)ના નેતા જયંત પાટીલ, અન્ય ત્રણે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિધાનસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા
‘જો વિધાન ભવન આટલું ગીચ રહેશે તો આ ગૃહનું સંચાલન કેવી રીતે યોગ્ય રીતે થશે?’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે ઘણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ માટે તેમના સમર્થકો સાથે વિધાન ભવનની અંદર વિવિધ ચેમ્બરની મુલાકાત લે છે, ત્યારે કેટલીકવાર આ ચેમ્બરમાં ઘણા બધા લોકો એકઠા થઈ જાય છે, અને અન્ય કોઈ પ્રવેશી શકતું નથી.
ફડણવીસે ગૃહમાં રાજકીય સંવાદમાં ઘટાડો થવા અંગે પણ નિરાશા વ્યક્ત કરી હતી.
‘વિધાનસભામાં સંવાદ લુપ્ત થઈ ગયો છે. હું એમ નથી કહેતો કે તે સમાપ્ત થઈ ગયો છે, પરંતુ તેમાં ચોક્કસપણે ઘટાડો આવ્યો છે. આપણે બધાએ તેના પર કામ કરવાની જરૂર છે,’ એમ તેમણે કહ્યું હતું.