સગાઈ તૂટતાં સગીરાને અશ્ર્લીલ મેસેજ મોકલનારો ગુજરાતમાં પકડાયો
થાણે: મીરા રોડમાં રહેતી સગીરા સાથેની સગાઈ તૂટી જતાં રોષે ભરાયેલા યુવકે બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી સગીરાને અશ્ર્લીલ તસવીર અને મેસેજ મોકલાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ પ્રકરણે પોલીસે ગુજરાતના અંકલેશ્ર્વરથી આરોપીની ધરપકડ કરી હતી.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ દીપ વિજયભાઈ સોલંકી (20) તરીકે થઈ હતી. અંકલેશ્ર્વરના ગળખોળ પાટિયા ખાતે રહેતા સોલંકીને વધુ તપાસ માટે મીરા રોડ પોલીસના તાબામાં સોંપાયો હતો.
અધિકારીના જણાવ્યા મુજબ મીરા રોડમાં રહેતી સગીરા સાથે ઑક્ટોબરમાં આરોપીની સગાઈ નક્કી કરાઈ હતી, પરંતુ આરોપીનું વર્તન યોગ્ય ન હોવાની માહિતી સગીરાના વડીલોને મળી હતી. અયોગ્ય વર્તનને કારણે જ આરોપીનાં અગાઉ ત્રણ વખત લગ્ન તૂટ્યાં હતાં. પરિણામે સગીરાના વડીલોએ પણ સગાઈ તોડી નાખી હતી.
આ પણ વાંચો :થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
કહેવાય છે કે સગાઈ તૂટતાં આરોપી ગિન્નાયો હતો. નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં તેણે કાકાના મોબાઈલ પરથી બોગસ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ પરથી તેણે સગીરાને અશ્ર્લીલ તસવીર અને મેસેજ મોકલાવ્યા હતા. આ પ્રકરણે સગીરાના વડીલોએ ફરિયાદ નોંધાવતાં મીરા રોડ પોલીસે ગુનો નોંધ્યો હતો, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને ટ્રેસ કરતાં તે અંકલેશ્ર્વરમાં હોવાનું માલૂમ પડ્યું હતું. અંકલેશ્ર્વર પહોંચેલી પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદથી આરોપીને તાબામાં લીધો હતો.