કચ્છમાં તસ્કરોનો ત્રાસઃ એક સાથે નવ મકાનના તાળા તોડ્યા ને…
ભુજઃ સીમાવર્તી કચ્છ પર તસ્કરોએ રીતસરનો હુમલો જ કર્યો હોય તેમ છાશવારે ચોરીના બનાવો બનતા રહે છે. જોકે તસ્કરોએ માત્ર ઘરનો સામાન નહીં પણ એક પરિવારની ભેંસની પણ ચોરી કરી છે.
આ પણ વાંચો : કચ્છનું નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીનો ધીમો પગપેસારો
ભચાઉના સામખિયાળીના રેલવે ક્વાર્ટર્સ અને બંદરીય માંડવીના રહેણાંક વિસ્તારમાં આવેલા એક સાથે છ મકાનોને નિશાન બનાવીને જયારે રાપરમાં વાડામાં બાંધેલી ભેંસની તસ્કરી કરી જતાં લોકો ફફડી ઉઠ્યા છે
સામખિયાળી ખાતે આવેલાં રેલવે સ્ટાફ ક્વાર્ટરમાં એકીસાથે ત્રણ મકાનમાં તસ્કરોએ હાથ માર્યો હતો. અહીં રેલવે માસ્તર તરીકે ફરજ બજાવતા ફરિયાદી સાક્ષીબેન નિખિલરાજ કાયસ્તે પોલીસને જણાવ્યું હતું કે, તેઓ ગત ૩-૧૨થી ૭-૧૨ સુધી વતન ગયા હતા. પરત ફર્યા ત્યારે તેમના ૩૭-બી નંબરના રૂમના પાછળના દરવાજાના નકુચા તૂટેલા જણાયા હતા.
અંદર તપાસ કરતાં કબાટના લોકરમાંથી સોનાની ચેઇન, કાનમાં પહેરવાની સોનાની બાલી નંગ-બે, ગલ્લામાં રાખેલ રોકડ રૂા. ૫૦૦૦, સ્માર્ટવોચ,વાયરલેસ ઇયર બડ્સ વગેરે મળીને ૭૧,૫૦૦ની મતા ચોરાઈ ગઈ હતી. ચોરીના બનાવ અંગે પાડોશમાં તપાસ કરાતાં રેલવે ક્વાર્ટરમાં રહેતા ટ્રેકમેન મોનુકુમાર રામપાલજી ધાકળના રૂમ નંબર ૨૪-એના પણ નકુચા તોડાયા હોવાનું બહાર આવ્યું હતું.
આ કર્મચારીના રૂમમાંથી કોલેજ બેગ તથા બેડશીટ ઉપર રાખેલા રોકડ રૂા. ૨૫૦૦, ઘડિયાળની ચોરી થઇ હતી તેમજ રૂમ નંબર ૨૪-ડીમાં રહેતા અંશુકુમાર ઉદયકુમાર ઠાકુરના મકાનમાંથી તસ્કરોએ રોકડ રૂા.૧૨,૦૦૦,ઘડિયાળ એમ કુલ રૂા. ૧૨,૨૦૦ની મતાનો હાથ મારવાની સાથે આ ત્રણેય ક્વાર્ટરમાંથી તસ્કરોએ રૂા.૮૮,૨૦૦ની મતાની તસ્કરીને અંજામ આપી પોલીસને પડકાર ફેંક્યો હતો.
બીજી તરફ, બંદરીય માંડવીની ઓક્સવૂડ સોસાયટીમાં ત્રલટકેલાં તસ્કરોએ એકીસાથે છ ઘરના તાળાં તોડયા હતા. એક ફરિયાદીએ તેમના ઘરમાંથી ૪૫ હજારના દાગીના અને રૂા.૩૫૦૦ રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. માંડવી પોલીસ મથકે, ઓક્સવૂડ સોસાયટીમાં મકાન નં.૧૨૪ માં રહેતા મૂળ ભુજના વશિષ્ટ જગદીશ ગોરે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા.૬/૧૨ની રાતે ઘર બંધ કરી પરિવાર સાથે ભુજના બીજા ઘરે ગયા હતા અને બીજા દિવસે સવારે પરત જતાં તાળા તૂટેલા જોવા મળ્યાં હતાં.
આ પણ વાંચો : નવા વર્ષે ગુજરાતને મળશે નવી નવ મહાનગરપાલિકા અને સાથે ચૂંટણીઓ પણ
દરમ્યાન, રાપરના માણાબા ગામના રાઉમાવાસમાં રહેતા ફરિયાદી અલીમામદ દાઉદ રાઉમાની ચરાવવા માટે દેવા ભરવાડને આપેલી ભેંસો ચરાવી ગામની સીમમાં આવેલા વાડામાં મૂકી રાખી હતી. આ વાડામાંથી ફરિયાદીની રૂા. ૪૦,૦૦૦ની ભેંસની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.