રાહુલ નાર્વેકરે અગાઉ પણ ગેરબંધારણીય સરકાર ચલાવવામાં મદદ કરી હતી: આદિત્ય ઠાકરે
પુણે: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે પાર્ટીએ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાહુલ નાર્વેકરની ચૂંટણીનો ‘બહિષ્કાર’ કર્યો હતો, કારણ કે તેમણે તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન ગેરબંધારણીય સરકાર ચલાવવામાં મદદ કરી હતી.
આ પહેલાં વિપક્ષ મહા વિકાસ આઘાડી (એમવીએ) એ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધા પછી નાર્વેકર બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન, નાર્વેકરે ચુકાદો આપ્યો હતો કે અવિભાજિત શિવસેનાના વિભાજન પછી એકનાથ શિંદેની આગેવાની હેઠળની પાર્ટી કાયદેસર અને વાસ્તવિક શિવસેના છે. તેમણે એમ પણ કહ્યું કે અજિત પવારની આગેવાની હેઠળનો જૂથ વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) છે.
આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, શિવસેના (યુબીટી)એ વિધાનસભાના ત્રણ દિવસીય વિશેષ સત્ર દરમિયાન નાર્વેકરની ચૂંટણી અને નવા વિધાનસભ્યોને સામેલ કરવાનો બહિષ્કાર કર્યો હતો.
આ પણ વાંચો…વર્ષા બંગલે સીએમ ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે થયેલી એક કલાકની બેઠકમાં શું નક્કી થયું?
શિવસેના (યુબીટી)ના નેતાએ કહ્યું હતું કે, દરેક વ્યક્તિ તેમના વિશે જાણે છે જેઓ સુરત અને પછી ગુવાહાટી (2022માં શિવસેનાના ભાગલા પડ્યા પછી) ભાગી ગયા હતા. બધાએ જોયું છે કે વિધાનસભાના અધ્યક્ષ (નાર્વેકર) તરીકે ચૂંટાયેલા આ વ્યક્તિએ છેલ્લા અઢી વર્ષમાં ગેરબંધારણીય સરકાર ચલાવવામાં કેવી રીતે મદદ કરી.
તેમણે એમ પણ કહ્યું હતું કે, અમને આશા છે કે આગામી પાંચ વર્ષમાં નાર્વેકરને વિધાનસભા અધ્યક્ષ બનાવવાથી વિધાનસભ્યોને અન્યાય નહીં થાય.