ભજનનો પ્રસાદ: બ્રહ્માનંદસ્વામી: શકવર્તી સાંસ્કૃતિક સંપદાના અર્થપૂર્ણ ઉદ્ગાતા-૧૩
‘બંદે બહુત ન કીજીએ… પદમાં મનુષ્યે બહુ અભિમાન કરવું જોઈએ નહીં એમ કવિ કહે છે. અને આગળ ઉપર ગાય છે કે પરમાત્માની ઇચ્છા વિના પાંદડું પણ હલી શકતું નથી. મૂર્ખ માણસ અભિમાન કરે છે, પરંતુ કાળદેવતા તેને ક્યારે ઝડપી લેશે? એની ખબર નથી.
પરમાત્મા સર્જન અને વિસર્જન કરે છે. તે જ રંક્ધો શ્રીમંત બનાવે છે અને શ્રીમંતને રંક બનાવે છે. સંસાર તો સ્વપ્ના જેવો છે. આથી જ પરમાત્માની ભક્તિ કરી લેવી જોઈએ. કોઈની સાથે દગો કર્યા વિના પરમાત્માને જ સ્વજન માનવાનું કહે છે.
આ દુનિયામાં પ્રપંચ ત્યજી દઈને ઈશ્વરની ભક્તિ કરવાનું કહે છે. અહીં માનવજીવન કેવું નિર્દંભ અને સદાચારી હોવું જોઈએ, એનો ભાવ તારસ્વરે ગાયો છે.
‘દાટયો રહે ને ચોર’ પદમાં પણ મનુષ્યને પ્રભુભક્તિમાં લીન થવાનું અને સાંસારિક પ્રપંચો છોડવાનું કહે છે. બોધ -ઉપદેશ લય-નાદ દ્વારા ભારે અસરકારક રીતે બ્રહ્માનંદે મૂક્યા છે. ‘આ તન રંગ પતંગ સરીખાં’ નામના પદમાં કવિએ જે લય હિલ્લોળ અને નાદસૌંદર્ય ખડું કરેલ છે એ બ્રહ્માનંદની કવિપ્રતિભાનું પરિચાયક છે. આ શરીર ક્ષણભંગુર છે. આ જગતમાં આવનજાવન ચાલતી જ રહી છે. અસંખ્ય લોકો સંપત્તિ મૂકીને ચાલ્યા ગયા છે. પરલોકમાં કંઈ સાથે આવતું નથી. લોકો પોતાનાં શરીરને શણગારે છે.
યૌવન અને ધનના અભિમાનથી છાતી કાઢીને ચાલે છે એને એટલું બધું અભિમાન આવી જાય છે જાણે કે ઉંદર દારૂ પીને મસ્તીમાં ડોલતો ન હોય! અભિમાનથી જેમતેમ બોલે અને મનમાં વિચારે છે કે મારા જેવો રસિક કોઈ નથી. એને ખબર નથી કે કાળરૂપી બિલાડી એનો ક્યારે શિકાર કરી લેશે.
આથી બ્રહ્માનંદ કહે છે કે હે અજ્ઞાની મારું-તારું કરવાનું છોડી દે. યમરાજા તને પકડીને લઈ જશે, એનો ખ્યાલ રાખ. બ્રહ્માનંદ સાદાં દૃષ્ટાંતો દ્વારા પણ ભારે ઝટકાથી ભાવને આલેખે છે. મૂળ આશય તો બોધ-ઉપદેશનો છે.
દયારામના પુરોગામી અને વૈષ્ણવધારાથી પૂરા અભિજ્ઞ કૃષ્ણભક્તિની અને તત્ત્વદર્શન તથા બોધ ઉપદેશાત્મક ભાવની કવિતાના કવિ તરીકે બ્રહ્માનંદનો વિગતે અભ્યાસ બહુ ઓછો થયો છે. અહીં તો માત્ર નિષ્કર્ષરૂપ વિધાનો જ કર્યાં છે. કયારેક નિરાંતે બ્રહ્માનંદના પ્રદાનને વિશદરૂપનાં સ્વાધ્યાય સાથે પ્રસ્તુત કરવાની ઇચ્છા છે,
પણ એ પહેલાં કોઈ અભ્યાસી સ્વાધ્યાય પ્રસ્તુત કરશે તો પરમ આનંદ થશે. સમગ્ર બ્રહ્માનંદ સાહિત્ય આકર્ષક છટાથી સ્વામિનારાયણ સંપ્રદાના સંતો દ્વારા સુરેન્દ્રનગરના સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક પરમ શ્રદ્ધેય સાધુશ્રી નારાયણસેવાદાસજી અને નાનાસ્વામીની સંગાથે પ્રોફે. અંબાદાન રોહડિયા અને સનદી અધિકારી શ્રી બોક્ષાસાહેબ સાથે એક વખત મેં જળઝીલણી એકાદશીની રાત્રીએ મૂળી મંદિરમાં રજૂ થતું સાંભળ્યું છે.
બ્રહ્માનંદે સ્વયં જ્યારે અપૂર્વ છટાથી પોતાના સાહિત્યને પોતે નિર્માણ કરેલા ઊંચી પગથી અને ભારે ઊંચાઈવાળા મૂળી મંદિરમાં પ્રસ્તુત કર્યું હશે ત્યારે કેવું વાતાવરણ રચાયું હશે એની કલ્પના મંદિરમાંની ભવ્ય હવેલીમાં ઊભા રહીને અવશ્ય કરી શકાય. ક્યારેક મૂળી જજો, એકાદશીની સત્સંગસભામાં ભાવથી ઉપસ્થિત થઈને બ્રહ્માનંદ પદગાનનું શ્રવણપાન કરજો. બ્રહ્માનંદની ખરી કવિ પ્રતિભા અને પ્રતિમાનું દર્શન થશે.
બ્રહ્માનંદ મારા પ્રિય મધ્યકાલીન કવિઓમાંના એક છે. પૂ. દાદાશ્રી સાથે પાંચ વરસનો હતો ત્યારથી આઠ-દશનો થયો ત્યાં સુધી નિયમિત અમારે ગામ કમળાપુરમાંના સ્વામિનારાયણ મંદિરમાં નિત્ય રાત્રિ આરતીમાં સામેલ થતો પછી સ્વયં પૂજારી થયો, અને બ્રહ્માનંદનાં પદો નાગદાન ભગતના કંઠે ખૂબ ખૂબ સાંભળેલાં તે લય અને ‘વચનામૃત’નું કથન પણ તીવ્ર રીતે સ્મરણમાં અકબંધ છે. ભારે કામણગારા લાગ્યા છે બ્રહ્માનંદ.
Also Read – ગીતા મહિમા : પરભાવના શબ્દોમાં વિશ્વાસ
જ્યારે અક્ષર પાડતાં શીખ્યો ત્યારે નોટબુકમાં પ્રથમ પાને ‘જય શ્રી સ્વામિનારાયણ’ અને પછી નીચે ‘રે સગપણ હરિવરનું સાચું’ એમ લખેલું. એ જૂની નોટબુક મારી માએ હમણાં બતાવી ત્યારે પરમ આશ્ર્ચર્ય અનુભવ્યું. કેટલા વહેલા, કેટલી સાચી રીતે ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્માનંદ સ્વામી મારા નાનકુકડા હૃદયમાં બિરાજ્યા હતા. વાહ, બ્રહ્માનંદ, વાહ…