કચ્છનું નલિયા ઠુઠવાયુંઃ ગુજરાતમાં ઠંડીનો ધીમો પગપેસારો
ભુજ: ઘણી રાહ જોયા બાદ ઠંડી હવે ગુજરાતની લટારે નીકળી હોય તેમ લાગી રહ્યું છે. જોકે હજુ વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગુજરાતમાં સૌથી ઠંડુ રહેતું નલિયા પણ પહેલીવાર 7.6 ડિગ્રીએ થીજ્યું છે.
કચ્છના કાશ્મીર ગણાતા નલિયામાં આજે ૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે તે રાજયનું સૌથી ઠંડુ મથક બન્યું છે.
બર્ફીલા ઠાર સાથે ઉત્તરીય પવનોની તીવ્રતા વધુ રહેવાથી નલિયાવાસીઓ ઠુઠવાયા હતા.
આ પણ વાંચો : ભુજના લોરીયા પાસે કેમિકલ ભરેલું પલટ્યું; લોકોની આંખો-ત્વચામાં બળતરાથી ભય…
જિલ્લામથક ભુજમાં આજે લઘુતમ પારો ૧૨ ડિગ્રી પર આવી જતાં આ કિલ્લેબંધ શહેરમાં કામ વગર લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા વાયરાઓને લીધે કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચહલપહલનો મોડો પ્રારંભ થયો હતો. ન્યુ કંડલામાં ૧૪ અને કંડલા એરપોર્ટ પર ૧૫ ડિગ્રી સે. લઘુતમ તાપમાન નોંધાયું હતું.
દરમ્યાન, જમ્મુ-કાશ્મીર બાજુ ઉભી થયેલી અપર-એર સાયક્લોનિક સિસ્ટમને કારણે સમગ્ર ઉત્તર ભારતની સાથે સાથે રણપ્રદેશ કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો સતત નીચો ગગડી રહ્યો છે. અધુરામાં પૂરું હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમ્યાન કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તેની કચ્છમાં સૌથી વધુ અસર વર્તાવવાની પણ ચેતવણી હોઈ આજે જ તેનો અનુભવ જિલ્લાભરના લોકોએ કર્યો છે.