એકસ્ટ્રા અફેર: અજિત પવારની બેનામી સંપત્તિ કયા આધાર પર જપ્ત થયેલી?
-ભરત ભારદ્વાજ
ભાજપ ભ્રષ્ટાચારમુક્ત ભારતની વાતો કરે છે પણ ખરેખર ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવામાં ભાજપને રસ છે ખરો? કે પછી ભાજપ ભ્રષ્ટાચારના મુદ્દાનો ઉપયોગ માત્ર પોતાના રાજકીય હરીફોને દબાવવા માટે અને સત્તા હાંસલ કરવા માટે કરે છે? ભાજપે જેને ભરપેટ ગાળો ભાંડી હોય અને ભ્રષ્ટાચાર શિરોમણી કહીને નવાજ્યા હોય એવા લોકોને ભાજપ લાલ જાજમ પાથરીને આવકારે ને તેમનાં બધાં પાપ, બધા ભ્રષ્ટાચાર અચાનક ધોવાઈ જાય ત્યારે ત્યારે આ સવાલ ઊઠે છે.
ભાજપ જે રીતે ભ્રષ્ટાચારીઓને ગળે લગાડી રહ્યો છે તેના કારણે તો હવે આ સવાલ ઊઠવાનો ગાળો પણ ઘટતો જાય છે.
અત્યારે આ સવાલ પાછો ઊઠ્યો છે કેમ કે મહારાષ્ટ્રમાં અજીત પવારે ભાજપ સરકારના નાયબ મુખ્યપ્રધાનપદે શપથ લીધા એ સાથે જ કેન્દ્ર સરકારનું આવકવેરા વિભાગ તેમના પર મહેરબાન થઈ ગયું છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન તરીકે અજીતદાદાએ છઠ્ઠી વખત શપથ લીધાના બે દિવસમાં જ અજિત પવારની મનાતી ને જપ્ત કરાયેલી ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારાની બેનામી સંપત્તિને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય દિલ્હીની આવકવેરા વિભાગની ટ્રિબ્યુનલે લીધો છે તેથી ભાજપ સરકાર પોતાને તેની સાથે કંઈ લેવાદેવા નથી એવું કહી શકે પણ આ દલીલ સાવ વાહિયાત છે એ કોઈને પણ સમજાય એવી વાત છે.
આવકવેરા વિભાગે આ સંપત્તિ જપ્ત કરી ત્યારે અજીત પવાર અપવિત્ર હતા. મતલબ કે, ભાજપના વોશિંગ મશીનમાં પ્રવેશ્યા નહોતા અને ઉદ્ધવ ઠાકરે તથા કૉંગ્રેસ સાથે હતા. આવકવેરા વિભાગે ૭મી ઓક્ટોબર ૨૦૨૧ના રોજ દરોડા દરમિયાન આ મિલકતો જપ્ત કરી હતી. ઈન્કમટેક્સ દ્વારા ૩૦થી વધુ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમાં અજીતની પત્ની સુનેત્રા પવાર અને પુત્ર પાર્થ પવારની પણ મિલકતો હતી.
આ સિવાય જરાન્દેશ્ર્વર સુગર ફેક્ટરી હતી કે જેની બજાર કિંમત રૂપિયા ૪૦૦ કરોડથી વધુ છે. દક્ષિણ દિલ્હીમાં આવેલો ૨૦ કરોડની કિંમતનો ફ્લેટ હતો. પાર્થ પવારની નિર્મલ ઓફિસ હતી કે જેની કિંમત ૨૫ કરોડ રૂપિયા હતી. ગોવામાં ૨૫૦ કરોડ રૂપિયાનો ‘નિલય’ રિસોર્ટ હતો અને પુણે, મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ ૨૭ સ્થળોએ જમીનો હતી.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચની સામે કરેલા સોગંદનામામાં અજિત પવારે તેમની કુલ સંપત્તિ ૧૨૪ કરોડ રૂપિયા જાહેર કરી હતી. અજિતની એફિડેવિટ પ્રમાણે, તેમના પરિવાર પાસે રોકડ રૂપિયા ૧૪.૧૨ લાખ છે જ્યારે વિવિધ બેંકોના ખાતામાં ૬.૮૧ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા છે.
Also read: એકસ્ટ્રા અફેર: ભાજપ સરકારની નિષ્ફળતા, મણિપુર બીજું કાશ્મીર બની રહ્યું છે
અજિત પવારે પોતાના પાસે પાસે ૩ ટ્રેલર, ટોયોટા કેમરી, હોન્ડા સીઆરવી અને એક ટ્રેક્ટર હોવાની વિગતો આપેલી કે જેની કિંમત લગભગ ૭૫ લાખ રૂપિયા છે. આ ઉપરાંત પત્ની સુનેત્રા પવાર પાસે ૧૦ લાખ રૂપિયાની કાર છે એવું પણ દર્શાવેલું.
આ તો અજીત પવારે હમણાં ૨૦૨૪માં બતાવેલી સંપત્તિ છે પણ ૨૦૨૧માં દરોડા પડ્યા ત્યારે ૧૦૦૦ કરોડની સંપત્તિના દસ્તાવેજો મળેલા. આવકવેરા વિભાગે બેનામી સંપત્તિ નિવારણ કાયદા હેઠળ મુંબઈમાં અજિત પવાર અને તેમના નજીકના સંબંધીઓનાં ઘર અને ઓફિસની તપાસ કરી ત્યારે મળેલા દસ્તાવેજોના આધારે આંકડો માંડ્યો તો ખબર પડી કે, અજીતદાદા તો હજાર કરોડનો માલ દાબીને બેઠા છે. તરત જ આ મિલકતો જપ્ત કરાઈ હતી.
આ તમામ પ્રોપર્ટી અજિત પવારના નામે સીધી રીતે રજિસ્ટર્ડ નહોતી પણ આવકવેરા વિભાગનું કહેવું હતું કે, આ મિલકતો અજીત પવારની જ છે, એ સિવાય તેને લગતા દસ્તાવેજો તેમને ત્યાં શું કરતા હતા? આવકવેરા વિભાગની દલીલ બિલકુલ વાજબી હતી કેમ કે બીજાની સંપત્તિના દસ્તાવેજ અજીત પવારના ઘરમાં ના જ હોવા જોઈએ પણ આવકવેરા ટ્રિબ્યુનલને આ દલીલ ગમી નથી.
અજીત પવારની કહેવાતી મિલકતોને મુક્ત કરવાનો આદેશ આપતી વખતે ટ્રિબ્યુનલે કહ્યું છે કે, આવકવેરા વિભાગ મિલકતોની કોઈપણ ગેરકાયદેસર હેરાફેરીના પુરાવા રજૂ કરી શક્યું નથી. બેનામી ટ્રાન્ઝેક્શનના મામલે પણ સ્પષ્ટતા કરી શક્યું નથી અને તમામ વ્યવહારો બેંકિંગ સિસ્ટમ દ્વારા કરવામાં આવ્યા છે તેથી સબ કુછ ઠીકઠાક હૈ.
આવકવેરા ટ્રિબ્યુનલે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આ ચુકાદો આપી દીધેલો પણ વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર નકારાત્મક ના પડે એટલે આવકવેરા વિભાગે અપીલ કરેલી. ૫મી નવેમ્બર, ૨૦૨૪ ના રોજ આવકવેરા વિભાગ કરેલી પુનર્વિચારની વિનંતી સાથે સમીક્ષા અપીલ પણ ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે એટલે હવે બધી મિલકતો મુક્ત થઈ જશે.
ટ્રિબ્યુનલનો ચુકાદો સાચો છે કે ખોટો તેના પિષ્ટપિંજણમાં આપણે નથી પડતા પણ આ ચુકાદો આવકવેરા વિભાગની કામગીરી સામે શંકા પેદા કરનારો છે તેમાં શંકા નથી.
વાસ્તવમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કેમ કે તેમણે જે સંપત્તિને બેનામી ગણીને જપ્ત કરેલી એ સંપત્તિને બેનામી સાબિત કરી શક્યા નથી. સવાલ એ છે કે, આવકવેરા વિભાગે ક્યા આધાર પર આ સંપત્તિને અજીત પવારની ગણીને બેનામી જાહેર કરેલી? ટ્રિબ્યુનલના ચુકાદા પરથી તો એવું જ લાગે કે, આવકવેરા વિભાગ પાસે કોઈ આધાર જ નહોતો ને બધી સંપત્તિ એકદમ ચોખ્ખા વ્યવહારો કરીને જ લેવાયેલી છતાં આવકવેરા વિભાગે તેને ખોટી રીતે જપ્ત કરી લીધેલી. સંપત્તિની લે-વેચમાં મોટા ભાગનું કામ કાગળ પર જ થતું હોય છે.
બ્લેકના પૈસાની લેવડદેવડ સિવાયનું બધું કાગળ પર જ હોય છે પણ આવકવેરા વિભાગના અધિકારીઓને એ ચોખ્ખા વ્યવહારો ના દેખાયા તેનો અર્થ એ થયો કે, આ વિભાગમાં ડફોળો ભર્યા છે.
ખેર, આ બધી વાતોનો મતલબ નથી કેમ કે આ પ્રકારની ઘટનાઓ આપણે ત્યાં બન્યા જ કરે છે. કોઈ નેતા વિપક્ષમાં હોય ત્યારે તેને ત્યાં કેન્દ્ર સરકારની એજન્સીઓના દરોડા પડે, કેસ થાય, મિલકતો જપ્ત કરાય ને તો પણ ના માને તો જેલમાં પણ જવું પડે એવું બને છે. એ જ નેતા વિપક્ષ છોડીને ભાજપમાં જતો રહે એ સાથે જ બધું માફ થઈ જાય છે.
Also read: એકસ્ટ્રા અફેર: સની ટોરન્ટોને ક્લીન ચિટ, કૅનેડા આતંકીઓને કંઈ નહીં કરે
અજીતદાદાના કેસમાં તો હાલના તેમના બોસ દેવેન્દ્ર ફડણવીસે જ તેમને મહાભ્રષ્ટાચારી ગણાવીને કેસ કરેલા, પત્રકાર પરિષદો કરીને આક્ષેપો કરેલા ને હવે ફડણવીસની યાદદાસ્ત દગો આપી રહી છે. ફડણવીસ સાહેબને પોતે કરેલા આક્ષેપો જ યાદ નથી ને મહાભ્રષ્ટાચારી ગણાવેલ એ દાદા તેમના ડાબો કે જમણો જે પણ હાથ ગણો એ બનીને બેઠા છે.