ટ્રાન્સજેન્ડરોનો દબદબો બોલીવુડ પર પણ છવાઇ ગયો છે…
મુંબઈ: 20મી સદીના મધ્યમાં 1950-60 વચ્ચે ટ્રાન્સજેન્ડરોને સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. જ્યારથી માનવ સંસ્કૃતિનું ઉત્પત્તિ થઇ છે ત્યારથી ટ્રાન્સજેન્ડર પણ પૃથ્વી પર છે પરંતુ તેમને ક્યારેય ઓળખ મળી નથી. જો કે 20મી સદીના વિકસિત માનવીઓએ ત્રીજા લિંગ માટે પણ ઘણા નક્કર પગલાં લીધા છે. ત્યારે લોકો હવે ટ્રાન્સ જેન્ડરને સરળતાથી અપનાવી પણ રહ્યા છે. અત્યારના સમયમાં ટ્રાન્સજેન્ડરોએ પોતાની એક અલગ ઓળખ પણ બનાવી છે. સમાજ બદલાયો અને લોકોએ હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. આજે સરકારોએ પણ થર્ડ જેન્ડર માટે વિવિધ સુવિધાઓની જોગવાઈઓ કરી છે. એટલું જ નહી હવે તો ટ્રાન્સજેન્ડરોનો દબદબો બોલીવુડ પર પણ જોવા મળે છે.
90ના દાયકામાં ફિલ્મોમાં થર્ડ જેન્ડરને અલગ રીતે રજૂ કરવામાં આવતા હતા. પરંતુ હવે આ ટ્રાન્સજેન્ડરો OTT શ્રેણીમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ રહ્યા છે. સુપરહિટ વેબસિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં વાર્તાના એક મહત્વપૂર્ણ પાત્રે છેક છેલ્લે તેનું લિંગ જાહેર કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. અત્યારે ઘણી સુપરહિટ સિરીઝમાં ટ્રાન્સજેન્ડરોએ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. સુષ્મિતા સેન સ્ટારર સિરીઝ ‘તાલી’ સંપૂર્ણપણે ટ્રાન્સજેન્ડરની વાર્તા પર આધારિત છે.
આ સિરીઝમાં ગૌરી સાવંત નામની વાસ્તવિક ટ્રાન્સજેન્ડરની વાર્તા જોવા મળે છે. હવે ટ્રાન્સજેન્ડર્સને માત્ર સેક્સ સિમ્બોલ અને ટોર્ચર કરનારા લોકો તરીકે જ બતાવવામાં આવતા નથી. હવે 21મી સદીમાં ટ્રાન્સજેન્ડરો માટે સમય બદલાઈ રહ્યો છે. અનુરાગ કશ્યપ નિર્દેશિત સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં ટ્રાન્સજેન્ડર ‘કુકુ’નું પાત્ર પણ ઘણા લોકોને પસંદ આવ્યું હતું. આ સીરિઝમાં ટ્રાન્સજેન્ડરના કેરેક્ટરનું જે મહત્વ બતાવવામાં આવ્યું છે તે ખરેખર એકદમ અલગ જ છે.
નવાઝુદ્દીન સિદ્દીકી હડ્ડીમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સુપરહિટ સીરિઝ ‘પાતાલ લોક’માં ટ્રાન્સજેન્ડરનું પાત્ર પણ ખૂબ મહત્વનું હતું. અક્ષય કુમારે પણ મોટા પડદા પર ટ્રાન્સજેન્ડરનું પાત્ર નિભાવવાનો પ્રયાસ ‘લક્ષ્મી’માં કર્યો હતો. આમ જોઇએ તો હવે ફિલ્મોની વાર્તાઓમાં ટ્રાન્સજેન્ડર પ્રત્યે લોકોનો અભિગમ પણ બદલાઈ ગયો છે.