રોહિત શર્માએ કહ્યું, `શમી માટે ટીમનો દરવાજો ખુલ્લો છે, પરંતુ તેના ઘૂંટણ પર…’
ઍડિલેઇડઃ ભારત ઍડિલેઇડમાં બીજી ટેસ્ટ હારી ગયું અને જસપ્રીત બુમરાહને શનિવારે બોલિંગ દરમ્યાન પગમાં કળતર થઈ હોવાથી તેના વિશે ટીમ ઇન્ડિયા થોડી ચિંતિત થઈ છે એટલે મોહમ્મદ શમી જેવા અનુભવી બોલરની ઑસ્ટ્રેલિયામાં ટીમને ખાસ જરૂર છે. જોકે કૅપ્ટન રોહિત શર્માએ શમીની ફિટનેસ વિશે રવિવારે મોટું નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : એડિલેડ ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા X પર ટ્રોલ થઈ; રોહિત-કોહલી મીમર્સના ટાર્ગેટ પર, જુઓ મજેદાર મીમ્સ
શમી ફુલ્લી ફિટ લગભગ થઈ જ ગયો છે અને બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માંથી તેનું ફિટનેસ સર્ટિફિકેટ આવવાની તૈયારીમાં જ છે એવો અહેવાલ શનિવારે મળ્યો હતો. જોકે રોહિતે રવિવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે `સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શમી સાત મૅચ રમ્યો હોવાથી તેના ઘૂંટણમાં ફરી થોડો સોજો થઈ ગયો છે. ટીમમાં તેના માટે દરવાજો ખુલ્લો છે, પરંતુ તેના ઘૂંટણ પર હજી થોડો સોજો છે. એને કારણે જ ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટેની તેની તૈયારીમાં અડચણ આવી રહી છે. અમારે શમીની બાબતમાં ખૂબ સાવચેત રહેવું પડશે.’
રોહિતની આ કમેન્ટ પાછળનો ભાવાર્થ એ હતો કે શમી ફુલ્લી ફિટ ન હોવા છતાં તેને રમાડવામાં આવશે તો તેની ઈજા વધી શકે.
રોહિતની આ કમેન્ટને પગલે હવે શમી થોડા દિવસમાં ઑસ્ટ્રેલિયા જશે કે કેમ એમાં શંકા છે.
આ પણ વાંચો : IND vs AUS 2nd Test: ‘અમે ઘણી ભૂલો કરી…’ હાર બાદ રોહિત શર્માએ નિરાશા વ્યક્ત કરી
શમી બ્રિસ્બેનમાં 14મી ડિસેમ્બરે શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં નહીં રમે, પરંતુ 26મી ડિસેમ્બરે મેલબર્નમાં શરૂ થનારી બૉક્સિંગ-ડેમાં રમશે એવું માનવામાં આવે છે. જોકે હવે રોહિતની ટિપ્પણી આવ્યા પછી શમી ક્યારે ઑસ્ટ્રેલિયા જશે એ નક્કી ન કહી શકાય.