નેશનલસ્પોર્ટસ

આનંદો! ભારતનો ડી. ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં એક મોટું ડગલું આગળ વધ્યો…

સિંગાપોરઃ ભારત માટે ક્રિકેટમાં આજનો રવિવાર અપશુકનિયાળ નીવડ્યો, પણ ચેસમાં સુપર સન્ડે સાબિત થયો. 18 વર્ષનો ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં ચીનના ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયનને 11મી ગેમમાં હરાવીને વર્લ્ડ ચૅમ્પિયન બનવાની દિશામાં મોટું પગલું ભર્યું હતું.

ગુકેશ-લિરેન વચ્ચેનો આ મુકાબલો કુલ 14 ગેમનો છે. 11 ગેમ થઈ ગઈ છે. પૉઇન્ટ્સની ગણતરીએ ગુકેશ 6-5થી આગળ છે. હજી ત્રણ ગેમ બાકી છે. બેમાંથી જે ખેલાડી 7.5 પૉઇન્ટ ઉપર પહોંચશે તે વર્લ્ડ ચૅમ્પિયન બન્યો કહેવાશે. ગુકેશ હવે ત્રણેય ગેમ ડ્રૉ કરાવશે તો પણ ચાલશે.

આ પણ વાંચો : 14 માંથી 10 ગેમ પૂરી, ગુકેશ-લિરેન હજી પણ સરખેસરખા…

ગુકેશ-લિરેન વચ્ચેની કુલ 11માંથી આઠ ગેમ ડ્રૉ નીવડી છે, ગુકેશ બે ગેમ (ત્રીજી અને અગિયારમી) જીત્યો છે અને લિરેને એક ગેમ (પ્રથમ)માં જીત મેળવી છે.

ઉપરાઉપરી સાત ગેમ ડ્રૉમાં ગયા બાદ છેક હવે ગુકેશને જીતવામાં સફળતા મળી છે.

ડ્રૉ થયેલી આ છેલ્લી સાતેય ગેમમાં ગુકેશે લિરેનને જોરદાર લડત આપી હતી અને લિરેન (જે ડિફેન્ડિંગ વર્લ્ડ ચૅમ્પિયન છે) ઘણી વાર ગુકેશની નાગચૂડમાંથી બચ્યો હતો. જોકે 11મી ગેમમાં ગુકેશ સામે તેનું કંઈ ન ચાલ્યું અને તેણે હાર સ્વીકારી લેવી પડી હતી.

ગુકેશે આજે નાઇટ (અશ્વ)થી શરૂઆત કરીને લિરેનને ચોંકાવી દીધો હતો. ત્યાર બાદ લિરેને ગુકેશની બુદ્ધિમત્તાને ઓછી આંકી હતી અને કેટલીક ભૂલ કરતો ગયો હતો. 28મી ચાલમાં લિરેનથી મોટી ભૂલ થઈ ગઈ અને તેણે હાર સ્વીકારી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button