ભારતીય ક્રિકેટ માટે બૅડ સન્ડેઃ પુરુષો, મહિલાઓ અને ટીનેજરો ત્રણેયની મોટી મૅચમાં પરાજય
ઍડિલેઇડ/બ્રિસ્બેન/દુબઈઃ ભારતીય ક્રિકેટ માટે અગાઉ એવા કેટલાક રવિવાર થઈ ગયા જ્યારે મહત્ત્વની ક્રિકેટ મૅચોમાં ટીમ ઇન્ડિયાએ વિજય માણ્યા હતા, પરંતુ આજનો સન્ડે પુરુષો, મહિલાઓ અને ટીનેજરો ત્રણેયના પરાજય સાથે ભારત માટે કમનસીબ સાબિત થયો.
ઍડિલેઇડમાં રોહિત શર્માના સુકાનમાં ભારતીય ખેલાડીઓ ઑસ્ટ્રેલિયા સામે પિન્ક બૉલ ડે/નાઇટમાં (સિરીઝની બીજી ટેસ્ટમાં) પરાજિત થયા, બ્રિસ્બેનમાં હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમ ઑસ્ટ્રેલિયા સામે સતત બીજી વન-ડે પણ હારી જતાં સિરીઝમાં પરાજિત થઈ અને દુબઈમાં જુનિયર ક્રિકેટરો માટેના અન્ડર-19 એશિયા કપની ફાઇનલમાં મોહમ્મદ અમાનની કૅપ્ટન્સીમાં ભારતનો બાંગ્લાદેશ સામે ફાઇનલમાં પરાજય થયો.
આ પણ વાંચો: 1,031 બૉલના આંકડાને કારણે ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ ખરાબ રેકૉર્ડ-બુકમાં આવી ગઈ
રવિવાર, આઠમી ડિસેમ્બરનો દિવસ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ભૂલી જવા જેવો બન્યો છે. ઍડિલેઇડમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતની બીજી ટેસ્ટ-મૅચ રવિવારના ત્રીજા જ દિવસે પૂરી થઈ જશે એની કલ્પના નહોતી, પરંતુ 10 વિકેટના માર્જિનવાળા કારમા પરાજયને કારણે આ દિવસ ટીમ ઇન્ડિયા માટે અનલકી નીવડ્યો છે. બ્રિસ્બેનમાં ભારતની મહિલાઓ ઑસ્ટ્રેલિયા સામે બીજી વન-ડે રમશે એ નક્કી હતું અને આ મૅચ જીતીને સિરીઝ 1-1ની બરાબરીમાં લાવશે એવી પણ અપેક્ષા હતી, પરંતુ ભારતીય મહિલા ટીમ 122 રનથી હારી ગઈ અને તાહલિયા મૅકગ્રાની કૅપ્ટન્સીમાં ઑસ્ટ્રેલિયાની ટીમે ત્રણ મૅચની શ્રેણીમાં 2-0ની સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો.
આ પણ વાંચો: IND vs AUS: એડિલેડ ટેસ્ટમાં હાર છતાં ભારત WTC ફાઇનલમાં પહોંચી શકે? આ છે સમીકરણ…
અધૂરામાં પૂરું, દુબઈમાં જુનિયર એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ભારતનો 59 રનથી પરાજય થયો હતો.