કોમેડિયન સુનીલ પાલનો અપહરણ-ખંડણીનો કેસ ઉત્તર પ્રદેશ ટ્રાન્સફર કરાયો
મુંબઈ: કોમેડિયન સુનીલ પાલની ફરિયાદને આધારે મુંબઈ પોલીસે અપહરણ અને ખંડણીનો કેસ દાખલ કર્યો હતો અને બાદમાં આ કેસ ઉત્તર પ્રદેશ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.
સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ ઉત્તર પ્રદેશના મેરઠના લાલ કુર્તી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયો હતો, કારણ કે સુનીલ પાલે દાવો કર્યો હતો કે અપહરણકારોએ તેને ત્યાં છોડી દીધો હતો.
સુનીલ પાલનું ગુરુવારે નિવેદન નોંધવામાં આવ્યું હતું. પાલે દાવો કર્યો હતો કે તે શૉ માટે ઉત્તરાખંડ ગયો હતો ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તે નાસ્તો કરવા માટે ઢાબા પાસે રોકાયો ત્યારે ચાહકના સ્વાંગમાં એક વ્યક્તિએ તેને કારમાં જબરજસ્તી બેસાડી દીધો હતો અને તેની આંખ પર પટ્ટી બાંધી દેવામાં આવી હતી.
આ પણ વાંચો : કોમેડિયન સુનીલ પાલના અપહરણનાચાર દિવસ પછી એફઆઈઆર નોંધાયો…
સુનીલ પાલે જણાવ્યું હતું કે કારમાં તેને નિર્જન સ્થળે લઇ જવામાં આવ્યો હતો અને એક રૂમમાં તેને બંધક બનાવાયો હતો. અપહરણકારોએ બાદમાં રૂ. 20 લાખની માગણી કરી હતી ત્યારે તેણે પત્ની, મિત્રો અને સંબંધીઓને મેસેજ કરીને પોતાના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. તેના મિત્રોએ ટ્રાન્સફર કરેલા રૂ. આઠ લાખ તેણે અપહરણકારોને ચૂકવ્યા હતા. બાદમાં તેને છોડી દેવાયો હતો.
પાલે દાવો કર્યો હતો કે તેને મેરઠમાં રસ્તાને કિનારે છોડી દેવાયો હતો. ત્યાંથી તે દિલ્હી એરપોર્ટ પહોંચ્યો હતો અને ફ્લાઇટ પકડીને મુંબઈ આવી પહોંચ્યો હતો.
દરમિયાન પાલનો સંપર્ક ન થતાં મંગળવારે તેની પત્ની સરિતાએ સાંતાક્રુઝ પોલીસનો સંપર્ક સાધી પાલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. જોકે આ પ્રકરણે ફરિયાદ નોંધાય તે પહેલાં પોલીસનો પાલ સાથે સંપર્ક થયો હતો.