નવા વર્ષે ગુજરાતને મળશે નવી નવ મહાનગરપાલિકા અને સાથે ચૂંટણીઓ પણ

ભુજઃ સૌ કોઈ 2025ને વધાવવા થનગની રહ્યા છે અને કેલેન્ડરમાં હવે જાન્યુઆરી મહિનો દેખાવાને બહુ ઓછો સમય બાકી છે. આવનારું વર્ષ પોતાની સાથે ઘણું લાવશે ત્યારે ગુજરાતના નવ શહેરો માટે નવું વર્ષ ખરેખર મહત્વનું સાબિત થશે. આ સાથે રાજકીય માહોલ પણ ગરમ રહશે. એક તો જો ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર નહીં થાય તો જાન્યુઆરી મહિના પર ઠેલાશે અને બીજું આ વર્ષમાં નવી નવ મહાનગરપાલિકાઓની ચૂંટણી થવાની પણ સંભાવના છે.
ગાંધીધામ સહિત આ આઠ બનશે મહાનગરપાલિકા
ગુજરાતમાં આગામી દિવસોમાં કચ્છની આર્થિક રાજધાની એવા ગાંધીધામ સહિત વધુ નવ મહાનગર પાલિકાઓનો ઉદય થાય તેવા ઉજળા સંકેતો રાજયના શહેરી વિકાસ વિભાગ તરફથી મળી રહ્યા છે. ગુજરાત સરકારે નવ મહાનગર પાલિકાઓની સુચિ આગામી બે સપ્તાહની અંદર બહાર પાડશે અને નગરપાલિકા વિસર્જિત થઈ જશે અને આ તમામ સૂચિત મહાનગર-પાલિકાઓની ચૂંટણી ન યોજાય ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે.
આ પણ વાંચો: રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને સરકારે આપી 255 કરોડની ભેટ…
જે ૧૭ જેટલી નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પેારેશનનો દરજ્જો મળશે તેમાં ગાંધીધામ, સુરેન્દ્રનગર, પોરબંદર, વાપી, નવસારી, મહેસાણા, મોરબી, નડિયાદ અને આણંદનો સમાવેશ થાય છે. રાજયના શહેરી વિકાસ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે નવ નગરપાલિકાઓ સિવાય, વધુ ત્રણ પાલિકાઓને મ્યુનિસિપલ તરીકે સૂચિત કરવામાં આવે તેવી શકયતા છે. આ માટેની કાર્યવાહી પૂર્ણ કરવા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે અને ઔપચારિકતા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે. નવી અસ્તિત્વમા આવનારી મ.ન.પા.જે હાલની નગરપાલિકાઓનું વિસર્જન કરવામાં આવશે, સરકાર દ્વારા નિયુકત વહીવટકર્તાઓ આગામી ચૂંટણીઓ સુધી કામગીરીનું સંચાલન કરશે. ટૂંકમાં મહાનગરપાલિકાનું જાહેરનામું બહાર પડતાંની સાથે જ નગરપાલિકાઓનું વિસર્જન થશે અને ત્યાં વહીવટદારોનું રાજ આવશે.
નવા વર્ષના અંતે ચૂંટણીઓની શક્યતા
ગુજરાતના શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર પાલિકાની આસપાસના વિસ્તારોને મહાનગરપાલિકામાં ભેળવવા માટેની પ્રક્રિયાઓ પૂર્ણ કરાશે અને સરકાર તમામ આઉટગ્રોથ વિસ્તારો અને હાલની નગરપાલિકાઓના નજીકના ગામોને નવી મ્યુનિસિપલ કોર્પેારેશનોની મર્યાદામાં સામેલ કરવાની પ્રક્રિયા પણ કરે તેવી અપેક્ષા છે.
દરમ્યાન,નવી મ્યુનિસિપલ કોર્પેારેશનો માટે આગામી બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ નવી મ્યુનિસિપલ કોર્પેારેશનોની ચૂંટણી અન્ય મ્યુનિસિપલ કોર્પેારેશનો સાથે એકસાથે ૨૦૨૫ના અંતમાં થવાની ધારણા હોવાનું જાણવા મળી રહ્યું છે.