રાજ ઠાકરેને આવજો કરી કાર્યકર્તાઓનો ઉદ્ધવ સેનામાં પ્રવેશ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનએ જનતાને આળસ મરડી બેઠી થવા કહ્યું
મુંબઈ: ઘાટકોપરના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કેટલાક કાર્યકરો ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેના (યુબીટી)માં જોડાયા છે. આ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘હું તમારી સાથે ખભે ખભો મિલાવીને ઊભો રહીશ અને તમને સહકાર આપીશ. મહારાષ્ટ્રમાં ચોર – લૂંટારાઓનું રાજ આવ્યું છે એવી ટીકા પણ તેમણે કરી હતી.
વર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરતા માજી મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘વિજય મેળવનારામાં હરખ – આનંદનું વાતાવરણ નથી, કારણ કે તેમને પોતાના વિજય પર વિશ્વાસ નથી બેસતો. વિજય મળ્યા પછી તો બધા વટથી ફરે. જેમને હારનો પસ્તાવો થાય છે તે જ ઇતિહાસ રચે છે. અમે ઇતિહાસ રચવા માંગીએ છીએ.’
પોતાના વક્તવ્યમાં ભાજપ અને રાજ ઠાકરેની ટીકા કરતા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે ‘આમણે (ભાજપએ) સમગ્ર મુંબઈ હાલત બગાડી નાખી છે. ‘એક હૈ તો સલામત હૈ’ની વાતો એ લોકો કરે છે. હવે હું મરાઠી માણસને પૂછવા માગું છું કે શું આવતીકાલનું મુંબઈ તમારું રહેશે ખરું? કારણ કે ઘણા હાઉસિંગ પ્રોજેક્ટ આપણી નજર સામે સરકી રહ્યા છે. આ અવસ્થામાં નપુંસક બની આપણે જોતા રહીશું? તમે કયા પક્ષમાંથી આવો છો તે વિશે મારે કંઈ નથી કહેવું. પણ પક્ષ બનાવ્યા પછી એક હેતુ, દિશા હોવા જોઈએ. એ પક્ષમાં (મનસે)માં એવું બિલકુલ નથી. પરિણામે સખ્ત કામ કરતા કાર્યકર્તાની કોઈ કિંમત નથી થતી. હવે તમે બધા શિવસેનામાં આવી ગયા છો, હા શિવસેના જ કારણ કે હું શિવસેનાને એક માનું છું. મેં ઘણી વખત ખુલ્લેઆમ કહ્યું છે કે, શિવસેનાનું નામ બીજા કોઈને આપવાનો અધિકાર ચૂંટણી પંચને નથી. માત્ર અમારું ચૂંટણી ચિહ્ન બદલાયું છે.’
આ પણ વાંચો : સપાએ એમવીએ સાથે છેડો ફાડ્યો; તો આદિત્ય ઠાકરેએ કહ્યું સપા તો ભાજપની બી ટીમ છે…
વધુમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘ચૂંટણી ચિહ્ન બદલાઈ ગયું હોવા છતાં લોકો એમ જ કહેતા હતા કે ઉદ્ધવજી, જીત તમારી જ થવાની છે. મને રમૂજ એ વાતની થાય છે કે જે પણ સર્વેક્ષણો ચાલી રહ્યા હતા તેમાં લોકો મુખ્ય પ્રધાન હું જ બનીશ એવું કહી રહ્યા હતા. તો પછી એ લોકો ખોટા કેમ પડ્યા? કારણ કે આ ચોર અને લૂંટારાઓનું સામ્રાજ્ય છે. આપણે હવે આ અવસ્થાને ઉથલાવવી પડશે. આળસ મરડી ઊભા થાઓ. આ મુંબઈની મરાઠી પ્રજાનો, મહારાષ્ટ્રના સ્વાભિમાન અને અસ્તિત્વનો પ્રશ્ન છે. યોગ્ય સમયે તમે મશાલ હાથમાં લીધી છે, તમે શિવસેનાનો કેસરિયો ધારણ કરી લીધો છે. તમારી જે પણ સમસ્યા છે, જ્યાં પણ તમને મદદની જરૂર છે, હું તમને ખાતરી આપું છું કે હું તમારી સાથે ખભાથી ખભો મિલાવીને ઊભો રહીશ.’