વિદ્યાર્થીઓની સલામતી માટે રાજ્યમાં કાઉન્સેલરોની નિમણુંક ફરજીયાત
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના શાળા શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓને એક નિર્દેશ જારી કરીને વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે કાઉન્સેલરની નિમણૂક ફરજિયાત કરી છે. બદલાપુરની એક શાળામાં જાતીય સતામણીની ઘટના બાદ નિવૃત્ત ન્યાયમૂર્તિ સાધના જાધવની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠક શાળા સુરક્ષા પગલાંમાં રહેલી ખામીઓ દૂર કરવા માટે બોલાવવામાં આવી હતી.
પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા ત્રીજી ડિસેમ્બરે બહાર પાડવામાં આવેલા 11 મુદ્દાના પરિપત્રના ભાગરૂપે આ નિર્દેશ કરવામાં આવ્યો છે. નિર્દેશમાં શાળાઓ માટે કડક સલામતીનાં પગલાંની રૂપરેખા આપવામાં આવી છે. પરિપત્રમાં સલામતી સમિતિઓની રચના, વ્યવસ્થિત સીસીટીવી ફૂટેજ સ્ટોરેજ પોલીસી લાગુ કરવા અને પ્રશિક્ષિત કાઉન્સેલર્સની નિમણૂક કરવા માટેના આદેશનો સમાવેશ થાય છે. વિભાગ શિક્ષકોને તાલીમ આપશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ પણ વાંચો :મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી મધુકર પિચડનું નિધન
2017માં વ્યાપક સ્તરે બંધ કરવામાં આવેલી કાઉન્સેલર સિસ્ટમની પુન:સ્થાપના અંગેના મુદ્દા પર પરિપત્રમાં ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં, શાળાઓમાં કાઉન્સેલરોની નોંધપાત્ર અછત છે – ઉપલબ્ધ છેલ્લા ડેટા મુજબ, સમગ્ર રાજ્યમાં માત્ર 426 કાઉન્સેલર છે. પ્રશિક્ષિત કાઉન્સેલર્સ 12 મહત્ત્વપૂર્ણ ક્ષેત્રનું સંચાલન કરે તેવી અપેક્ષા છે. એમાં વિવાદોનું નિરાકરણ, છોકરીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ વિદ્યાર્થીઓને શાળા છોડી દેવાથી અટકાવવા અને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવાનો સમાવેશ થાય છે.