1,031 બૉલના આંકડાને કારણે ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ ખરાબ રેકૉર્ડ-બુકમાં આવી ગઈ
બૅટિંગમાં રોહિતનો સતત ફ્લૉપ-શોઃ તેની કૅપ્ટન્સી વિશે મીડિયામાં નારાજગી, નિવૃત્તિની માગણી
ઍડિલેઇડઃ રોહિત શર્માની કૅપ્ટન્સીને વખોડવાનો કોઈ ઇરાદો નથી, પરંતુ પર્થમાં જસપ્રીત બુમરાહના સુકાનમાં ભારતીય ટીમે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પહેલી ટેસ્ટ જીતીને સિરીઝમાં શ્રીગણેશ કર્યા ત્યાં તો રોહિતના નેતૃત્વમાં ભારતે ઍડિલેઇડમાં એવો ખરાબ પરાજય જોયો જે બન્ને દેશ વચ્ચેના ટેસ્ટ ઇતિહાસમાં કદી નહોતો જોવા મળ્યો. આ ટેસ્ટ ફક્ત 1,031 બૉલમાં પૂરી થઈ ગઈ હતી.
રવિવારે બીજા દાવમાં ભારતીય ટીમ 175 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ અને કાંગારૂઓને ફક્ત 19 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેમણે વિના વિકેટે મેળવી લીધો. ભારત 10 વિકેટે હાર્યું અને રોહિતની કૅપ્ટન્સીમાં ભારતની આ સતત ચોથી હાર છે. આ પહેલાં, ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે રોહિતના સુકાનમાં ભારતીયો સિરીઝ 0-3થી હાર્યા હતા.
ઍડિલેઇડમાં પિન્ક બૉલ ડે/નાઇટ ટેસ્ટમાં હંમેશાં જીતવાની પરંપરા ઑસ્ટ્રેલિયનોએ જાળવી છે. તેઓ ઍડિલેઇડમાં લાગલગાટ આવી આઠમી ટેસ્ટ જીત્યા છે.
ખરી વાત એ છે કે ઑસ્ટ્રેલિયા સામેની આ હાર ભારત માટે ભૂલવા જેવી છે, કારણકે આ ટેસ્ટ ફક્ત 1,031 બૉલમાં પૂરી થઈ ગઈ હતી અને બન્ને વચ્ચેની આ સૌથી ટૂંકી ટેસ્ટ તરીકે રેકૉર્ડ-બુકમાં આવી ગઈ છે.
આ પહેલાંનો રેકૉર્ડ ઇન્દોરમાં બન્યો હતો. 2023માં ઇન્દોરમાં ભારત-ઑસ્ટ્રેલિયા ટેસ્ટ 1,135 બૉલમાં પૂરી થઈ ગઈ હતી.
શુક્રવારે પ્રથમ દિવસે ભારત 44.1 ઓવરમાં 180 રન બનાવીને આઉટ થઈ ગયું હતું. શનિવારે ઑસ્ટ્રેલિયાએ જવાબમાં 87.3 ઓવરમાં 337 રન બનાવીને 157 રનની સરસાઈ લીધી હતી. રવિવારે ત્રીજા દિવસે ભારતીય ટીમ 36.5 ઓવરમાં બનેલા 175 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ અને કાંગારૂઓએ 3.2 ઓવરમાં 19 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો.
કૅપ્ટન તરીકે ઉપરાઉપરી ચાર ટેસ્ટમાં પરાજય જોનાર રોહિત ચોથો ભારતીય કૅપ્ટન છે. દત્તા ગાયકવાડના સુકાનમાં ભારત 1959માં, એમએસ ધોનીના સુકાનમાં 2011માં તથા 2014માં તેમ જ વિરાટ કોહલીના નેતૃત્વમાં 2020-’21માં સતત ચાર ટેસ્ટ હાર્યું હતું. જોકે કૅપ્ટન તરીકે સતતપણે સૌથી વધુ ટેસ્ટમાં પરાજય જોનાર ભારતીય કૅપ્ટનોમાં મન્સૂર અલી ખાન પટૌડીનું નામ સૌથી પહેલાં છે. તેમના સુકાનમાં ભારત લાગલગાટ છ ટેસ્ટ હાર્યું હતું. 1999માં સચિન તેન્ડુલકરના નેતૃત્વમાં ભારત સતત પાંચ ટેસ્ટમાં પરાજિત થયું હતું.
આ પણ વાંચો : ઍડિલેઇડમાં પહેલા દિવસે રસાકસી વચ્ચે ગરમાગરમી, કોહલી-બુમરાહે લાબુશેનને નિશાન બનાવ્યો…
રોહિત અને વિરાટ ભારતના માત્ર એવા બે કૅપ્ટન છે જેમના સુકાનમાં ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફૉર્મેટમાં 10 વિકેટથી હાર્યું છે.
રોહિતની બૅટિંગ-ઍવરેજ અને રન છેલ્લી 12 ટેસ્ટ ઇનિંગ્સમાં ખૂબ કંગાળ છે. 12 ઇનિંગ્સમાં તે માત્ર 11.83ની બૅટિંગ-સરેરાશ બતાવી શક્યો છે અને આ 12 દાવમાં તેના રન આ મુજબ રહ્યા છેઃ 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3 અને 6.
ટીમ-મૅનેજમેન્ટ કે પછી ભારતીય ક્રિકેટના મોવડીઓ રોહિતને ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી ત્રણ ટેસ્ટમાંથી કૅપ્ટન તરીકે હટાવશે એની સંભાવના નથી જણાતી, પરંતુ ખુદ રોહિત સુકાનની જવાબદારી બુમરાહને સોંપી દેશે તો નવાઈ નહીં લાગે. જોકે સોશિયલ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓમાં ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન રોહિતની ટેસ્ટની કૅપ્ટન્સી બાબતમાં ખૂબ નારાજગી છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે રોહિતે (ટી-20 ઇન્ટરનૅશનલ બાદ) હવે ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લઈ લેવી જોઈએ.