Canada માં ગુંડારાજ? 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા; CCTV માં કેદ ઘટના…

ઓટાવા: કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનું નામ હર્ષદીપ સિંહ છે. હર્ષદીપને શુક્રવારે કેનેડાના એડમોન્ટનમાં તેના એપાર્ટમેન્ટમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે 2 શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી છે. આ હત્યાકાંડથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : Russia Ukraine War: ટ્રમ્પે ઝેલેંસ્કી સાથે કરી મુલાકાત, યુદ્ધ ખતમ કરવાનો કર્યો વાયદો
પોલીસે શું કહ્યું ઘટના વિશે?
એડમોન્ટન પોલીસના જણાવ્યા અનુસાર, એક એપાર્ટમેન્ટમાં ગોળીબાર થયાના અહેવાલ મળ્યા હતા. ત્યારબાદ 107 એવન્યુ વિસ્તારમાં જ્યારે પોલીસ પહોંચી ત્યારે હર્ષદીપ સિંહને બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી વીડિયોમાં ત્રણ વ્યક્તિની ટોળકીમાંથી એક હુમલાખોરે મૃતકને સીડી પરથી નીચે ફેંકતો અને પાછળથી ગોળી મારતો જોવા મળી રહ્યો છે.
ઘટનાના CCTV આવ્યા સામે
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક પુરુષ અને એક મહિલા લોબીમાંથી દેખાઈ રહ્યા છે. જેમાંથી પુરુષ જોરજોરથી બોલી રહ્યો છે, તેના હાથમાં હથિયાર પણ છે. બાદમાં તે કેમેરાની નીચે આવી બહાર કોઈ વ્યક્તિ પર હથિયાર વડે ઘણી વખત હુમલો કરતો જોવા મળે છે, જ્યારે મહિલા અને બીજો પુરુષ નજીકમાં ઉભા છે. ફૂટેજના અન્ય ભાગમાં સીડી પરથી નીચે ઉતરી રહેલા એક વ્યક્તિને શૂટર પાછળથી તેના પર ગોળી મારે છે. જો કે પોલીસે આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચો : Bangladesh માં હિંદુઓ પરના હુમલા અંગે ચીફ ઈમામની આકરી પ્રતિક્રિયા, હુમલા બંધ કરવાની કરી માંગ
સિક્યોરિટીની નોકરી કરતો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના શુક્રવારે રાત્રે 12.30 વાગ્યે બની હતી. અભ્યાસની સાથે હર્ષદીપ સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. પરંતુ શુક્રવારે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે શનિવારે બે શકમંદોની અટકાયત કરવામાં આવી છે. બંનેની ઉંમર 30 વર્ષની આસપાસ છે. બંને પર ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ છે.