આખરે કચ્છ ઠર્યુઃ નલિયામાં તાપમાનનો પારો સિંગલ ડિજટમાં
ભુજઃ જમ્મુ-કાશ્મીર, કેદારનાથ-બદ્રીનાથ,લેહ લદાખ અને શિમલા સહિતના પહાડી વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષાની અસર હેઠળ ફરી એકવખત સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ હાલ ધીરે-ધીરે શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે.
ઠંડીમાં સતત વર્તાઈ રહેલા ચઢાવ-ઉતાર વચ્ચે મહત્તમ અને લઘુતમ તાપમાનનો આંક ગત સાંજ પછી ગણતરીના કલાકોમાં જ ત્રણથી ચાર ડિગ્રી જેટલો એકાએક ઘટી જતાં ઠંડીના ઓચિંતા આક્રમણથી જનજીવન ઊંઘતું ઝડપાયું છે.
ભુજમાં આજે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સે.સાથે ૫૩ ટકા જેટલા ઊંચા ભેજના કારણે નોંધપાત્ર ઠંડી પડી રહી છે. અધુરામાંપુરું ૩૦થી ૩૩ ડિગ્રી વચ્ચે રહેલું મહત્તમ તાપમાન આજે ૨૯ ડિગ્રી સે. જેટલું નીચું આવી જતાં ભરબપોરે પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો.
ગુજરાતના સિમલા તરીકે ઓળખાતાં નલિયા ખાતે ચાલુ શિયાળામાં પહેલી વાર ૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું સિંગલ ડિજિટ લઘુતમ તાપમાન નોંધાતાં તીવ્ર બની રહેલા ઠારના ટોર્ચરથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો…Ahmedabad 12 મર્ડરના આરોપી કથિત તાંત્રિક નવલસિંહ પરમારનું પોલીસ કસ્ટડીમાં મોત
પૂર્વ કચ્છના રાપર અને ભારત પાકિસ્તાનની અંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો જેવાં કે,બાલાસર, લોદ્રાણી,બેલા ,લાકડા વાંઢ, વૃજવાણીમાં તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું રહેવા પામતા જનજીવનને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે મહત્તમ તાપમાનનો આંક પ્રમાણમાં નીચો હોઈ, ભરબપોરે પણ લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો અને બપોરે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રહેલાં વેધર એપ્લિકેશનમાં કરન્ટ એટલે કે અત્યારનું તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું બતાવતું હતું.
મોડી સાંજ પછી લોકોની અવરજવર પાંખી થઇ જવા પામી છે. હિમવર્ષાને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં પવનોના સુસવાટા સાથે ઠંડી હજુ વધવાની આગાહી કરી છે.