ટ્રાવેલ પ્લસ : કુદરતની ખુલ્લી સ્લેટ પર લખાતી કવિ મનોરમ્ય કવિતાઓ માણવાનું શ્રેષ્ઠ સ્થળ – જીભી
ક્રિસ્મસ કે પછી કોઈ પણ વાર-તહેવારને આપણે બહાનું બનાવી દેતા હોઈએ છીએ કે આપણે ઘરથી દૂર ક્યાંક જઈએ, પણ સારા સૂર્યોદય કે સૂર્યાસ્તના કોઈ વાર-તહેવાર નથી હોતા, તેઓ તો નિયત સમયે ઊગે અને આથમે જ છે. હું સમય જોયા વિના કુદરતને ઘૂંટડા ભરીને પીઉં છું અને અઢળક વાર્તાઓને જીવું છું અને સતત જીવતો રહીશ. હિમાચલના બરશેની ગામની એક ઘાટીમાં શિયાળાની સવારની રોનક જાણે લટાર મારવા નીકળી હોય એમ મને હાઈ હેલ્લો કરવા નીકળી પડીને મને પૂછે છે જાણે, ક્યાં હતો હમણાં સુધી?
મારે પહાડોની ટોચ પર ચઢીને ચિલ્લાઈને કુદરતને કહેવું છે, “લવ યુ યાર
ઈમ્તિયાઝ અલીની હાઇવે ફિલ્મનાં દૃશ્યો યાદ હોય તો, આલિયા ભટ્ટ કંટાળેલા વૈભવી જીવનથી દૂર જઈને કુદરતી માહોલમાં જીવનનો મર્મ શોધી લે છે એ જ જીભીનો ખરો પરિચય કહી શકાય. નવરાશના સમયમાં ગૂગલ પર જઈને એક વાર જીભી હિમાચલ પ્રદેશ એવું સર્ચ જરૂરથી કરજો.
આમ તો સ્ક્રિન ટાઈમ ઘટાડવો જોઈ પણ અહીં તમારી નજર નહીં હટે. સર્ચ કરતાં જ તમારી સામે નાનાં નાનાં, લાકડાનાં સુંદર ઘર અને બેકગ્રાઉન્ડમાં સુંદર વૉલપેપર જેવાં દૃશ્યો જોવા મળશે. ઘણી વાર આપણે માત્ર વૉલપેપર જોઈને જ પોતાને મનાવી લેતાં હોઈએ છીએ, પણ ક્યારેક હિમ્મત કરી નીકળી જવું જોઈએ. નીકળ્યા પછી પૈસા, સમય બધું એડજસ્ટ થઈ જાય, બસ નીકળી પડવાની જ જરૂર છે.
આસપાસ જોઈશું તો ખ્યાલ આવશે માણસ જેટલી ઝડપથી આધુનિકતાની દોડમાં ભાગતો જાય છે એટલી જ હદે તેના પ્રકૃતિ અને સ્વ સાથેના જોડાણને પાછળ છોડતો જાય છે. નર્સરીથી માંડીને કૉલેજના કેમ્પસ સુધી એક બીબાંઢાળ જીવનમાં જ ઢાળતા થયા છીએ. સંપત્તિનો મોહ અને સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયાની લાઈક અને ડીસલાઈકની દુનિયામાં ડૂબતાં જઈએ છીએ.
જીવંતતાની ખોજ કરતાં સંપત્તિના સંગ્રહ પાછળ ભાગતા આપણે જીવનને લકવાગ્રસ્ત બનાવી દીધું છે. જિંદગીની ઘડિયાળના કાંટા ફરતા બંધ થઈ જાય તે પહેલાં થોડી હળવાશની પળો માણી લેવી જોઈએ. કુદરતે જે પાઠશાળા માંડી છે એના પણ થોડા ઘણા પાઠ ભણી લેવા જોઈએ.
ચાલો તો આજે આપણે જીભીની સફર પર નીકળી પડીએ, યશ ચોપરાની મૂવીઝ ખાસ કરીને દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે એ ભારતીયોને સ્વિત્ઝરલૅન્ડનું ઘેલું લગાવ્યું હતું, પણ આપણે ત્યાં પણ એવાં ઘણાં સ્થળો છે જે આ બધી જગ્યાઓથી પણ ચડિયાતાં છે કારણ કે તેમાં ભારતીયતાની મહેક છે.
હિમાચલ પ્રદેશના તીર્થંન વેલીમાં આવેલું જીભી શહેરીકરણથી પરે છે. અહીંના લોકોની જીવનશૈલી ખૂબ સાદગીપૂર્ણ છે છતાં પણ જાણે કુદરતનો વૈભવી ઠાઠ ન માણતા હોય એવું જીવન. જીભીમાં સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે. ક્યારેક વ્યસ્તતા અને ભીડવાળા માહોલમાંથી બ્રેક લેવો હોય તો આ સ્થળ બેસ્ટ રહે.
અહીંના રસ્તાઓ પર તમને વાહનોની લાઈન નહીં, પણ ઘેટાંબકરાંની લાઈનો ચોક્કસથી જોવા મળશે. સંપૂર્ણ વાતાવરણ જ બદલાઈ જશે. અહીં તમને ક્યાંક પક્ષીઓના મધુર અવાજો સંભળાશે તો ક્યાંક ઘેટાંબકરાં જેવાં પાલતુ પ્રાણીઓનો અવાજ જેમાં એમના ગળામાં બાંધેલી ઘંટડીઓ રણકતી હશે.. તો વળી ક્યાંક ઝરણાઓનો ખળખળ વહેવાનો અવાજ, પહાડીઓ પરથી વાતા પવનોના સુસવાટાઓનો અવાજ, આસપાસની ટેકરીઓ પર ક્યાંક મંદિરની ઘંટડીઓનો અવાજ કંઈક અલગ જ અનુભવ કરાવે છે.
જીભીમાં રહેવા માટે ખૂબ જ સુંદર હોમસ્ટે આવેલા છે. અહીં તમે ઓથેન્ટિક પહાડી ઘરમાં રહીને પહાડી ખાણીપીણી ચોક્કસથી માણી શકો. અહીંનાં લાકડાનાં ઘરો લોકો ખૂબ જ પસંદ કરે છે. ખાસ કરીને ટ્રી હાઉસ પણ અહીં ઉપલબ્ધ છે. જેમાં સુંદર બાલ્કની હોય, બહારની બાજુ નજર કરતાં દૂર દૂર સુધી પહાડીઓની હારમાળા દેખાતી હોય, ક્યાંક રસ્તા પરના વળાંકો દેખાતા હોય, તો પહાડો ઉપરથી પસાર થતાં વાદળોની હારમાળા હોય, લીલાંછમ વૃક્ષોનું સાંનિધ્ય હોય અને આ બધાંમાં સાથે મનગમતી વ્યક્તિનો સાથ હોય તો શું જોઈએ બીજું? જીવનનો બધો જ થાક-તણાવ આપોઆપ દૂર ક્યાંય વાદળોને પેલે પાર જતો રહે. અહીં આસપાસનો વિસ્તાર તીર્થંન વેલી અને બંજારા વેલી કહેવાય છે.
ઉનાળામાં અહીં વાતાવરણ ખૂબ જ આહ્લાદક હોય છે, પરંતુ શિયાળામાં ખૂબ ઠંડી સાથે બરફવર્ષા પણ થાય છે. અહીં લોકો શિયાળા માટે ઘરમાં અગાઉથી જ લાકડા વગેરે સ્ટોર કરી દે છે. અહીં દરેક ઘર અને કેફેમાં ઠંડીથી બચવા માટે તંદુર લગાવેલા હોય છે. અહીં આપણને રોજિંદા જીવનમાં સામાન્ય લાગતી વસ્તુઓની કિંમત સમજાય છે. ઘણી વિપરીત પરિસ્થિતિમાં જીવતા અહીંના લોકોના ચહેરા પર હંમેશાં સ્મિત ખીલેલું જ હોય છે.
આ દરેક બાબતો પર ધ્યાન આપીએ તો મનમાં જરૂરથી સવાલ ઉદ્ભવશે કે ખરેખર ખુશ રહેવા શુ જરૂરી છે અને આપણે શા માટે આટલા ભાગીએ છીએ. અહીંનું પહાડી ભોજન સાદું છતાં ખૂબ જ સ્વાદિષ્ટ. મીઠા અને નમકીન સિડડુ દેશી ઘી અને પથ્થર પર પીસીને બનાવેલી લીલી ચટણીનો સ્વાદ યાદ કરીને પણ મોમાં પાણી આવી જાય એવો. ગ્રામીણ જીવનશૈલી જોવાની અને માણવાની અલગ જ મજા છે એમાં પણ ખાસ કરીને હિમાલયનાં ગામડાઓની વાત જ નિરાળી છે.
હસતાં હસતાં પીઠ પર લગાવેલી બાસ્કેટમાં લાકડા વીણીને લાવતી મહિલા સુંદરતાની, સહજતાની કંઈક અલગ જ પરિભાષા આપી જાય છે. તો ક્યાંક કોઈ પશુપાલક પોતાનાં ઘેટાંને વહાલ કરતો જોવા મળશે. બાળકો પાસે મોંઘાં રમકડાં કે ઇલેક્ટ્રૉનિક ગેજેટ્સ નથી છતાં મોજ-મસ્તી કરતાં બાળપણ વિતાવી રહ્યાં છે. તો ક્યાંક ઘરનાં ઝરોખા પર બેસેલી બોખા દાંતવાળી વૃદ્ધ મહિલા ગરમ કપડાં બનાવતી નજરે પડશે. જીભીની આસપાસ ઘણાં જોવાલાયક સ્થળો છે જેને તમે નાના ટ્રેક કરીને જોઈ શકો.
અહીં ટ્રેકિંગને પસંદગી આપવી જોઈએ કેમકે ચાલતા ચાલતા આસપાસના નજારાઓ અને માહોલ સારી રીતે જોઈ શકાય. ઊંચાં ઊંચાં વૃક્ષો વચ્ચેથી પસાર થતાં આવતા પક્ષીઓના અવાજો, જંગલની મહેક બધાનો અનુભવ કરી એમ લાગે કે આવો અનુભવ બહુ લાંબા સમયે થયો. જીભીથી સૌથી નજીક જીભી વોટરફોલ છે ત્યાં ખૂબ જ ઓછી ભીડ હોય છે તેથી એ અનુભવ લેવા જરૂરથી જવું જોઈએ.
Also Read – હેં… ખરેખર?!: ચૌરાસી મંદિર પાસે જવામાં ફફડાટ, દૂરથી જ નમસ્કાર
જીભીમાંથી પુષ્પભદ્ર નદી વહે છે જે આગળ જતાં તીર્થંન રીવરમાં મળી જાય છે.
અહીં ઘોંઘાટ નથી એટલે વોટરફોલના પાણીનો અવાજ પક્ષીઓનો અવાજ જાણે લાઈવ મેડિટેશન મ્યુઝિક પ્લે થતું હોય એવો માહોલ. વોટરફોલ એટલો સુંદર છે કે તેનું શબ્દોમાં વર્ણન ઓછું પડે. ડબલ રેન્બો વોટરફોલ પાસે જોઈ શકાય. અહીં નજીક શ્રુંગા ઋષિનું મંદિર છે. સંપૂર્ણ રીતે ટ્રેડિશનલ આર્કિટેક્ચરમાં બાંધકામ થયેલા આ મંદિરમાં સમગ્ર કુલ્લુ જિલ્લાના લોકોની શ્રદ્ધા રહેલી છે.
લાકડાના બાંધકામ અને સુંદર ઝરોખા મંદિરના વાઇબ્રન્ટ કલર્સ મનને પ્રફુલ્લિત કરી દે છે. અહીં નજીકમાં ચહેની કોઠી તરીકે ઓળખાતું એક સ્થાપત્ય છે જે ચહેની ગામમાં આવેલું છે. એવું કહેવાય છે કે તે અંદાજે ૧૫૦૦ વર્ષ જૂનું છે અને પશ્ર્ચિમ હિમાલયનું જૂની શૈલીના બાંધકામનું સૌથી જૂનું બાંધકામ. આ પાંચ માળનું એક ટાવર જેવું બાંધકામ છે જ્યાં હાલમાં મંદિર છે જેની નીચે એક ટનલ પણ છે. સામે ચહેની ફોર્ટ આવેલો છે.
આ ઉપરાંત ઝલોરી પાસ, રઘુપુર ફોર્ટ, નાનાં નાનાં તળાવો, તેમ જ ક્યાંક ક્યાંક કોલોનિયલ આર્કિટેક્ચર, એંશીએન્ટ મોન્યુમેટ વગેરે વગેરે ઘણું બધું એક્સપલોર કરવા માટે છે. કોઈ સ્થળને કઈ રીતે એક્સપ્લોર કરવું તે મુસાફર પર જ નિર્ભર કરે છે અને એ મુસાફરીનો પ્રકાર જ નક્કી કરે છે કે તમે મુસાફર છો કે પ્રવાસી.
આ બધાં સ્થળો એવાં છે જ્યાં કમ્ફર્ટ ઝોનને ઘરે મૂકીને આવવું પડે અને કુદરતી પરિસ્થિતિઓને સાનુકૂળ થઈને નિસર્ગના સંસર્ગમાં જાતને ઓગાળવી પડે. જો કંઈ એક્સપ્લોર ન કરવું હોય અને એમ જ સમય વિતાવવો હોય તોપણ આ જગ્યા બેસ્ટ છે.
અહીંના હોમસ્ટેમાં તમે કલાકો સુધી બેસીને કુદરતની લાઈવ પેઇન્ટિંગ જોઈ શકો છો. બારીની બહારથી જ હિમાલયની વિવિધરંગી ચક્લીઓનું ગાન સાંભળી શકો છો. હિમાલયમાં હોઈએ અને આવું કોઈ નાનું ગામડું મળી જાય જ્યાં પથ્થરનું ઘર હોય અને નિયત સમયે સવાર ઊઘડે કે આપણે કંઈ કામ હોય કે ન હોય પહાડમાં મહાલવા નીકળી જ પડીએ.
અહીંનાં બાળકોની કેળવણી નિસર્ગ જાતે જ કરે છે અને એટલે જ તેઓ સોનાનું નસીબ લઈને જ જન્મ્યા છે. કુદરત એ જ આપણું ભવિષ્ય છે, જેઓ કુદરતની સોડમાં રહે છે તેઓ જ ધનવાન છે દોસ્ત. ચલો વિચારો અને વાંચનથી તો જીભી ફરી લીધું, હવે એકવાર નીકળી પડવાની હિંમત કરી લઈએ.