ICUમાં દાખલ સુભાષ ઘાઈની તબિયતના લેટેસ્ટ અપડેટ
મુંબઇઃ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈનીતબિયત ખરાબ હોવાને કારણે ગઈકાલે મોડી રાત્રે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. એમ જણાવવામાં આવ્યું હતું કે અચાનક તેમને ચક્કર આવવા લાગ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. સારવાર બાદ હવે નિર્માતાના સ્વાસ્થ્યને લઈને નવી માહિતી સામે આવી છે.
તેમની નજીકની વ્યક્તિએ કહ્યું છે કે સુભાષ ઘાઈની હાલત પહેલાથી સારી છે અને સુધારા પર છે. ટૂંક સમયમાં જ તેમને આઈસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે.
સુભાષ ઘાઇના પ્રવક્તાએ કહ્યું હતું કે સુભાષ ઘાઈને નિયમિત તપાસ માટે બાંદ્રાની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તેમણે લોકોના પ્રેમ અને ચિંતા માટે દરેકનો આભાર પણ માન્યો હતો. અગાઉ, હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સુભાષ ઘાઈ ઇસ્કેમિક હાર્ટ ડિસીઝના દર્દી છે અને તાજેતરમાં જ તેમને હાઈપોથાઈરોડિઝમનું પણ નિદાન થયું હતું. તેમને ડો. રોહિત દેશપાંડેની દેખરેખ હેઠળ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો…Box Office: ‘પુષ્પા 2’ એ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ વાઈડ આટલા કરોડનું કલેક્શન કર્યું
તેમની તબિયતના અપડેટ બહાર આવ્યા બાદ તેમના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સુભાષ ઘાઈએ 1967માં હિન્દી સિનેમામાં અભિનેતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ‘તકદીર’ અને ‘આરાધના’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. આ પછી, તેઓ ‘ઓમંગ’ અને ‘ગુમરાહ’ જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા, પરંતુ એક અભિનેતા તરીકે તેઓ વધુ સફળતા મેળવી શક્યા નહોતા. તેમણે નિર્દેશનની દુનિયામાં પ્રવેશ કર્યો અને ઘણી સફળતા મેળવી. તેમણે અત્યાર સુધીમાં ડઝનેક ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. જેમાંથી 13 ફિલ્મો બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી છે. તેમની પ્રખ્યાત ફિલ્મોમાં ‘કાલીચરણ’ (1976), ‘કર્જ’ (1980), ‘હીરો’ (1983), ‘રામ લખન’ (1989), ‘સૌદાગર’ (1991), ‘ખલનાયક’ (1993), ‘પરદેશ’ (1997), અને ‘તાલ’ (1999)નો સમાવેશ થાય છે. તેમને 2006માં નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. તેમણે હાલમાં જ ગોવા ખાતે યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં તેમનું પુસ્તક ‘કર્મ કા બલક’ રિલીઝ કર્યું હતું.