નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં જોવા મળેલો ઘટાડો મૂળભૂત નથી. ત્રીજા ત્રિમાસિકગાળામાં જાહેર ખર્ચમાં થયેલા વધારાને કારણે આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થતાં ત્રીજા ત્રિમાસિકગાળામાં બીજા ત્રિમાસિકગાળાનો ઘટાડો સરભર થાય તેવી શક્યતા નણાં પ્રધાન નિર્મલા સીતારમણે વ્યક્ત કરી હતી.
નોંધનીય બાબત એ છે કે ગત સપ્ટેમ્બર અંતના બીજા ત્રિમાસિકગાળામાં જીડીપી આગલા (પહેલા) ત્રિમાસિકગાળાના ૬.૭ ટકા સામે ઘટીને ૫.૪ ટકા એટલે સાત ત્રિમાસિકગાળાની નીચી સપાટીએ રહ્યો હતો. આ ઘટાડો મૂળભૂત નથી.
ખાસ કરીને જાહેર ખર્ચ, મૂડીગત્ ખર્ચના અભાવ જેવાં કારણોસર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ તેમાં સુધારો થતાં ત્રીજા ત્રિમાસિકગાળામાં આ ઘટ સરભર થશે અને એકંદર આર્થિક વૃદ્ધિ પર ખાસ માઠી અસર જોવા નહીં મળે, એમ તેમણે અત્રે એક પ્રસંગમાં જણાવ્યું હતું.
રિઝર્વ બૅન્ક દ્વારા જીડીપી વૃદ્ધિદરના અંદાજ જે અગાઉ ૭.૨ ટકા મૂક્યો હતો તેની સામે તિવ્ર ઘટાડો કરીને ૬.૬ ટકાનો મૂકવામાં આવ્યો હોવા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્ર્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે આપણે ઘણાં પરિબળોને પ્રોત્સાહિત કરવાના છે અને આગામી વર્ષોમાં ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રનું સ્થાન જાળવી રાખવાનું છે.
પહેલા ત્રિમાસિકગાળામાં લોકસભાની ચૂંટણી અને મૂડીગત્ ખર્ચમાં થયેલા ઘટાડાને કારણે વૃદ્ધિ પર માઠી અસર પડી હતી તેમ જ તેની થોડીઘણી અસર ત્રીજા ત્રિમાસિકગાળા પર પણ જોવા મળી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા ત્રિમાસિકગાળામાં સરકારી મૂડીગત્ ખર્ચ રૂ. ૧૧.૧૧ લાખ કરોડના અંદાજપત્રીય લક્ષ્યાંકના માત્ર ૩૭ ટકા જેટલો જ રહ્યો હતો.
આ પણ વાંચો …આજે ખેડૂતો ફરી દિલ્હી તરફ કૂચ કરશે, રસ્તા પર ખીલ્લીઓ સાથે ત્રણ સ્તરીય બેરિકેડીંગ કરાયું
આ સિવાય વૃદ્ધિમાં ઘટાડા અંગેના અન્ય પરિબળોમાં વૈશ્ર્વિક સ્તરે નબળી પડેલી માગ પણ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ભારતીયોની ખરીદશક્તિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ ભારતમાં તમને વેતનની ચિંતા છે, જે અમે સુપેરે જોઈ શકીએ છીએ આથી આપણે સ્થાનિક વપરાશ પર ભાર મૂકવો જોઈએ, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે નાણાં મંત્રાલયે તેના નાણાકીય વર્ષ ૨૦૨૪નાં આર્થિક સર્વેક્ષણમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે ૬.૫થી ૬.૭ ટકાના જીડીપી વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.