ફેડરલ રિઝર્વની ભાવિ નાણાનીતિની અવઢવ વચ્ચે બેતરફી વધઘટે અથડાયેલું સોનું
રોકાણકારોની નજર આગામી ૧૭-૧૮ ડિસેમ્બરની ફેડરલની નીતિવિષયક બેઠક પર
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી પ્રબળ શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા હોવા છતાં આગામી વર્ષ ૨૦૨૫માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની બાબતમાં કેવું વલણ અપનાવે તેની અવઢવ વચ્ચે વિતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનું બેતરફી વધઘટે અથડાઈ જતાં સાધારણ નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. જોકે, વિશ્લેષકો વર્તમાન ડિસેમ્બર મહિનામાં વૈશ્વિક સોનાના ભાવ માટે ઔંસદીઠ ૨૫૫૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૭૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરવાની સાથે જણાવે છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨૭ ટકા જેટલો ઉછાળો આવી ગયો હોવાથી એકાદ-બે સપ્તાહ સુધી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે. એકંદરે સ્થાનિકમાં ગત સપ્તાહે વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિકમાં પણ સપ્તાહ દરમિયાન બેતરફી વધઘટ જોવા મળી હતી. આમ એકંદરે નરમાઈના અન્ડરટોન સાથે પ્રવર્તમાન લગ્નસરાની મોસમની માગનો ટેકો મળ્યો હતો. જોકે, ડૉલર સામે રૂપિયો નબળો પડવાને કારણે જ્વેલરી ઉત્પાદકોની માગ અત્યંત પાંખી રહી હતી.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભમાં હાજરમાં ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૯મી નવેમ્બરના રૂ. ૭૬,૭૪૦ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. ૭૫,૮૬૭ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૫,૮૬૭ અને ઉપરમાં રૂ. ૭૬,૫૩૮ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૩ અથવા તો ૦.૭૨ ટકા ઘટીને રૂ. ૭૬,૧૮૭ના મથાળે બંધ રહ્યા હતા. વધુમાં ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક ૮૪.૭૫ની સપાટી સુધી ગબડ્યો હોવાથી આયાત પડતરો વધવાને કારણે જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહી હતી.
આમ જ્વેલરી ઉત્પાદકોની માગ નબળી રહેવાને કારણે સ્થાનિક ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ બે ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા.નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ભાવ ઔંસદીઠ ત્રણ ડૉલરના પ્રીમિયમ સાથે ઓફર કરી રહ્યા હતા. જોકે, ગત સપ્તાહે સ્થાનિક સ્તરે પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હતી, જ્યારે દિલ્હી ખાતે વધુ ભાવઘટાડાના આશાવાદને ધ્યાનમાં લેતા ગ્રાહકોએ ખરીદી મોકૂફ રાખી હોય તેમ અપેક્ષિત માગનો વસવસો હોવાનું એક જ્વેલરે જણાવ્યું હતું.
વધુમાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ ગ્રાહકોએ નવી ખરીદીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહી હોવાથી ચીનમાં ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૧થી ૧૫ ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઓફર કરી રહ્યા હતા. જોકે, ચીન ખાતે આગામી જાન્યુઆરી મહિનામાં માગ ખૂલવાનો આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે. ચીન સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે અતિરિક્ત પુરવઠો અને નિરસ માગની સ્થિત જોવા મળી છે. વધુમાં રેનેમ્બિના મૂલ્યમાં સોનાના ભાવ ઊંચા રહેતા આવું વલણ જળવાઈ રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. તાજેતરમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર વર્ષ ૨૦૨૪માં ચીનમાં જ્વેલરી માટેની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જ્યારે રોકાણલક્ષી માગ મજબૂત રહી હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટા અથવા તો રોજગાર વૃદ્ધિના ડેટા અપેક્ષા કરતાં પ્રોત્સાહક આવતા ૨,૨૭,૦૦૦ની રોજગાર વૃદ્ધિ જોવા મળી હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૮૭ ટકા શક્યતા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. આમ વ્યાજદરમાં કપાતની શક્યતા બળવત્તર બનતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૬૩૬.૩૧ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૬૫૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
Also read: અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે સોના-ચાંદીમાં નરમાઈ
વાસ્તવમાં અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટા અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા એલિગન્સ ગોલ્ડના ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબાકરિમે વ્યક્ત કરી હતી, જ્યારે કિટકો મેટલ્સના બજાર વિશ્લેષકો જીમ વાઈકોફે જણાવ્યું હતું કે અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટા સારા પણ નથી તેમ જ ખરાબ પણ નથી આવ્યા આથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નકારી ન શકાય.
ગત સપ્તાહે ફેડરલ રિઝર્વની નાણાનીતિની સમીક્ષાની બેઠકના પૂર્વ સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. વધુમાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત અંગે સાવચેતીનું વલણ અપનાવવાના સંકેત ઉપરાંત અમેરિકી અર્થતંત્રમાં મજબૂત વલણ જળવાઈ રહ્યું હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા, પરંતુ સર્વિસીસ ક્ષેત્રમાં મંદીની ભીતિ, બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીની સંખ્યામાં વધારા જેવાં પરિબળોને કારણે અમુક અંશે સોનાને ટેકો મળતો રહ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષક જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ આગામી બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી શક્યતા હોવા છતાં રોકાણકારોની નજર બેઠકના અંતે ભવિષ્યમાં અર્થાત્ વર્ષ ૨૦૨૫માં નાણાનીતિમાં કેવું વલણ અપનાવવામાં આવશે તેના સંકેતો પર મંડાયેલી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર આગામી સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૭૦થી ૨૬૯૦ આસપાસની રેન્જમાં અને સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૫,૧૦૦થી ૭૭,૯૦૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય.