ટ્રેવિસને ચાર-પાંચ રનમાં આઉટ કર્યો હોત તો ઠીક છે, 140 રન બનાવનારને જોશમાં `સૅન્ડ-ઑફ’ આપવાનો શું મતલબ: ગાવસકર…
મેં સિરાજને એટલું જ કહેલું કે વેલ બૉલ્ડ, પણ તે સમજ્યો નહીં અને મિજાજ ગુમાવી બેઠોઃ ટ્રેવિસ હેડ
ઍડિલેઇડઃ ભારતને અહીં પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ-મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)માં શનિવારના બીજા દિવસે પાંચમા નંબરનો બૅટર ટ્રેવિસ હેડ (140 રન, 141 બૉલ, ચાર સિક્સર, સત્તર ફોર) સૌથી વધુ ભારે પડ્યો હતો, પરંતુ તેને ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની 82મી ઓવરમાં ક્લીન બોલ્ડ કર્યા પછી મોહમ્મદ સિરાજે તેની સામે જે ઉગ્ર વલણ અપનાવ્યું એ ભારે ચર્ચાસ્પદ થયું છે. પીઢ ખેલાડી અને સિરીઝના કૉમેન્ટેટર સુનીલ ગાવસકરે સિરાજના ચેનચાળા વિશે કહ્યું કે તેણે આવું નહોતું કરવું જોઈતું.
આ પણ વાંચો : સિરાજે ટ્રેવિસ હેડ નામનું હેડેક ઉતારી આપ્યા પછી આક્રમક અંદાજમાં તેને સેન્ડ-ઑફ આપી…
શનિવારે એક તો ટ્રેવિસ 76 રન પર હતો ત્યારે મોહમ્મદ સિરાજે તેનો કૅચ છોડ્યો હતો, પણ પછી તેને તેના 140 રને આઉટ કર્યો ત્યાર બાદ ઉગ્ર મિજાજમાં તેને સેન્ડ-ઑફ’નો ઇશારો કર્યો હતો. ખુદ ટ્રેવિસ હેડે મૅચ પછી એક ચૅનલને કહ્યું કેહું તો એટલું જ બોલ્યો કે વેલ બોલ્ડ, પરંતુ તે (સિરાજ) બીજું કંઈક સમજ્યો અને મને પૅવિલિયનનો રસ્તો બતાવવા લાગ્યો. મને એ ગમ્યું તો નહીં, પણ પછી મને વિચાર આવ્યો કે (હું આટલું બધુ સારું રમ્યો ત્યાર પછી) તેમના તરફથી આવી કંઈક પ્રતિક્રિયા આવવાની જ હતી.
આ પણ વાંચો : ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસ ઇંગ્લેન્ડની ટીમે સુવર્ણ અક્ષરે નામ નોંધાવ્યું, આ ઐતિહાસિક રેકોર્ડ નોંધાવ્યો
ગાવસકરે બીજી એક જાણીતી ચૅનલને કહ્યું, `સિરાજે ટ્રેવિસ હેડને એવો કોઈ સંકેત આપવાની જરૂર જ નહોતી. તેણે (સિરાજે) તેને ચાર-પાંચ રનમાં તો આઉટ કર્યો નહોતો. તેણે (ટ્રેવિસ હેડે) 140 રન બનાવ્યા અને તેને આ રીતે શું કામ સેન્ડ-ઑફ આપ્યો! તેણે (સિરાજે) એવું કરવું જ નહોતું જોઈતું. સિરાજના આ વર્તનથી પ્રેક્ષકોએ તેનો હુરિયો બોલાવ્યો એમાં કંઈ ન નવાઈ નથી. હેડ ઍડિલેઇડનો જ છે અને લોકોમાં બેહદ પ્રિય છે. તે સેન્ચુરી ફટકારીને પાછો જઈ રહ્યો હતો ત્યારે સિરાજે તેની ઇનિંગ્સ બદલ તાળી પાડી હોત તો પ્રેક્ષકોમાં હીરો બની ગયો હોત. જોકે તેને સેન્ડ-ઑફ આપીને લોકોમાં તે હીરો બનવાને બદલે વિલન બની ગયો.’