ગૃહ ખાતું તો અમારું જ: શિંદે-સેનાએ જીદ પકડી કાલે ફેંસલો
મુંબઈ: મહાયુતિના સાથી પક્ષો ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી વચ્ચે ખાતાઓના વિતરણ અંગે રસાકસી ચાલી રહી છે ત્યારે એકનાથ શિંદે ગૃહ વિભાગ મેળવવા માટે અડીખમ છે. તેમ છતાં પ્રધાનોને કયા ખાતા ફાળવવામાં આવશે એ અંગે સ્પષ્ટતા રવિવારે થશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ગૃહ મંત્રાલયના બદલામાં એકનાથ શિંદેને 3 વિકલ્પ?ભાજપના સૂત્રોનો દાવો…
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની કેબિનેટનું વિસ્તરણ ૧૧મી અથવા ૧૨મી ડિસેમ્બરે થવાની શક્યતા છે.
વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને જબરદસ્ત સફળતા મળ્યાના ૧૨ દિવસ બાદ નવા મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોએ શપથ લીધા હતા. હવે ખાતાની ફાળવણી પર સૌની નજર ટકેલી છે. એકનાથ શિંદેએ ગૃહ વિભાગ માટે આગ્રહ રાખ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે, પરંતુ ભાજપે જળસંપાદન, મહેસૂલ અને શહેરી વિકાસ એમ ત્રણ ખાતામાંથી શિંદેને પસંદગી કરવાનું કહ્યું છે. તેથી કેબિનેટ વિસ્તરણમાં સમય લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનપદ સ્વીકાર્યા બાદ ઉદય સામંત અને સંજય શિરસાટ જેવા નેતાઓએ શિવસેનાને ગૃહ ખાતું આપવા માટેની ખુલ્લેઆમ માગણી કરી છે. ખાતાઓનું વિતરણ અને કેબિનેટ વિસ્તરણ અંગેની ચર્ચા મહાયુતિના સાથી પક્ષો વચ્ચે ચર્ચા થયા બાદ કરવામાં આવશે, એમ ભાજપ અને એનસીપીના સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના ત્રણેય પક્ષોએ સારો દેખાવ કર્યો હોવાને કારણે હવે ખાતાની ફાળવણીમાં દરેક પક્ષ મનપસંદ ખાતાની માગણી કરી રહ્યા છે.
આ પણ વાંચો: ગૃહ વિભાગ માટે શિંદે અને ફડણવીસ વચ્ચે તિરાડ પડી શકે! ફડણવીસે આપ્યા મોટા સંકેત
મહાયુતિએ વિધાનસભાની ૨૮૮ બેઠકમાંથી ૨૩૦ બેઠક પર કબજો મેળવ્યો હતો, જ્યારે મહાવિકાસ આઘાડીને ફક્ત ૪૬ બેઠક જ મળી હતી. ભાજપે કુલ ૧૩૨ બેઠક મેળવી હતી તેથી મુખ્ય પ્રધાન સહિત ૨૧-૨૨ ખાતા તેને મળી શકે છે. શિવસેનાને ૧૧થી ૧૨ અને અજિત પવારની એનસીપીને નવથી ૧૦ ખાતા ફાળવવામાં આવી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. મહારાષ્ટ્ર કેબિનેટમાં મુખ્ય પ્રધાન સહિત વધુમાં વધુ ૪૩ પ્રધાનો હોઇ શકે છે. કેબિનેટ વિસ્તરણમાં કેટલા પ્રધાનો શપથ લેશે તેનો અંતિમ નિર્ણય બે-ત્રણ દિવસમાં લેવાશે, એમ ભાજપના એક નેતાએ કહ્યું હતું.
વિધાનસભાનું શિયાળુ સત્ર ૧૬મી ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થવાનું છે.
(પીટીઆઇ)