નખત્રાણાના નિરોણા પંથકમાં દીપડાનો આંતકઃ માલધારીઓની માગણી તંત્ર કાને ધરશે?
ભુજ : કચ્છના માલધારીઓ પોતાના પશુધનને ચરાવવા માટે સીમાડાઓ તરફ વળ્યા છે એ વચ્ચે સરહદી કચ્છના પાવરપટ્ટી વિસ્તારના નિરોણા ખાતેની ડુંગરોની કોતરોમાં છેલ્લા લાંબા સમયથી દીપડાઓ દ્વારા પશુઓનું મારણ કરાતું હોવાથી ભયભીત માલધારીઓ દ્વારા આ રાની પશુને પિંજરે પૂરવાની માગ કરાઇ રહી છે. સાતથી આઠ દિપડાઓના આંતકથી ડુંગર વિસ્તારમાં ચરિયાણ કરાવતા પશુ પાલકોમાં ભય ફેલાયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ભુકંપના આંચકાનો સિલસિલો રોકાતો નથીઃ ત્રણ મહિનામાં દસ વાર ધરતી ધણધણી
અત્યારસુધી અહીં વિચરનારા દિપડાઓએ રવજી વાઘજી આયરની ૪ ગાય, નસીબસા હાસમસા સૈયદ માલિકની ૧૦ બકરીઓ, અલીઅસગર સૈયદની ૧૭ બકરીઓ, અલીની ૫ બકરીઓ, ઓસ્માણ સમેજાની ૪ બકરીઓ તથા પાડા સહિત છેલ્લા બે મહિનામાં ૩૦થી વધારે પશુઓનું મારણ કર્યું છે.
સુરલાઈ તરાવી અને ગઢી વાળી તળાવની બાજુમાં આ દિપડાઓનો પરિવાર રહે છે, જેમાં મુખ્યત્વે બે મોટા દિપડા વધારે હિંસક હોતાં પશુપાલકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ દ્વારા મોટા બે નર અને માદા દિપડાને પાંજરામાં પૂરી અને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તેવી નિરોણાના સરપંચ નરોત્તમ આહીરે નખત્રાણાની રેંજ ફોરેસ્ટ ઓફિસ સમક્ષ રજૂઆતમાં કરી હતી. થોડા સમય પહેલાં અબડાસાના રાયધણજર ગામની સીમમાં પણ દિપડો દેખાયો હતો. આ દિપડાએ પણ પશુઓનું મારણ કર્યું હતું.
શું કહ્યું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ઓફિસરે
દરમ્યાન, ખુંખાર પશુની હાજરી અંગે નલિયા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કનકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, ગત વર્ષ ૨૦૨૨માં થયેલી વન્ય પ્રાણી ગણતરી દરમિયાન અબડાસાના ચિયાસર, રાધણઝર, ખારુવા વચ્ચેના જંગલ વિસ્તારમાં ત્રણ દીપડાની સંખ્યા હોવાનું નોંધાયું હતું, જયારે નખત્રાણા, ભુજ તાલુકાના વિવિધ વિસ્તારોમાં દસથી વધુ ખૂંખાર દીપડા જોવા મળ્યા હતા.
અલબત્ત વધતી જતી માનવ વસ્તીથી આવા જંગલી પશુઓ અંતર બનાવી રાખે છે, પણ તાજેતરના સમયમાં તેમના કુદરતી આવાસોની સંખ્યા ઘટી જતાં તેઓ માનવ વસાહતોમાં શિકાર માટે ઘુસી આવે છે.
આ પણ વાંચો : કૌભાંડની બૂ? મોરબીમાં PMJAY અંતર્ગત સૌથી વધુ ઓપરેશન કરનારી હોસ્પિટલ સામે તપાસના આદેશ
બે વર્ષ પૂર્વે બે અલગ-અલગ હુમલામાં દીપડાએ છ જેટલા ઊંટનું મારણ કર્યું હતું, આ ઉપરાંત થોડા દિવસો અગાઉ ભુજની ભાગોળે આવેલા એરફોર્સ સ્ટેશનમાં પણ દીપડો ઘુસી આવ્યો હતો જેની આજ દિન સુધી કોઈ ભાળ મળી નથી.