વિશેષ ઃ 2025 માં આવેો હશે જોબનો સિનારિયો…
નરેન્દ્ર કુમાર
ભારતના યુવાન બેકારો માટે સાલ 2025 ખાસ કરીને ડિજિટલ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં મોટા પાયે નોકરી આવવાની છે. આવું અનુમાન લિંક્ડ ઈન અને રોજગાર સંબંધિત વેબસાઈટોનું છે. નિષ્ણાતો કહે છે કે 2025માં પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિંવ (પીએલઆઈ) યોજના હેઠળ ભારતમાં રોજગારની નવી તકો ઊભી થશે. ગલ્ફ દેશોમાં હાલમાં જે તંગદિલી છે એમાં વધારો ન થાય તો વિવિધ પ્રોડકશન સેક્ટરમાં 10થી 12 લાખ રોજગાર મળવાની આશા છે.
જો ઈઝરાયલ, હમાસ અને હિજબુલ્લાહ વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બને તો આ પ્રોજેક્ટ પર ખતરો આવી શકે. આ ક્ષેત્રમાં કામદારોની ડિમાન્ડ છે, પરંતુ યુદ્ધ ફેલાવાની આશંકાને લીધે કામદારોએ નોકરી માટે જાનને જોખમમાં મૂકવાનું યોગ્ય માન્યું નથી.
યુરોપ અને અમેરિકામાં મોટે પાયે હેલ્થ કેર સેક્ટરનું પુર્નઘડતર કરવામાં આવી રહ્યું છે. આમાં આવનારા સમયમાં આઈટી પ્રોફેશનલની ડિમાન્ડની સાથે પેરામેડિકલમાં તાલીમબદ્ધ લોકોની ડિમાન્ડ રહેશે. આથી જે લોકો ભારતની બહાર તબીબી ક્ષેત્રમાં નોકરી મળવાની આશા રાખીને બેઠા છે તેમને માટે 2025 ઉત્સાહવર્ધક વર્ષ રહેશે. કોરોના બાદ મેડિકલ ક્ષેત્રમાં મોટા ફેરફારો થયા છે. આ ક્ષેત્રને મજબૂત કરવા એને વ્યવસ્થિત કરવામાં આવી રહ્યો છે.
યુરોપ અને અમેરિકામાં ભારતીયો માટે આ ક્ષેત્રમાં બધા પ્રકારની નોકરીની તકો છે. જે લોકો ફ્રીલાન્સિંગ જોબથી સંતુષ્ટ છે તેમને માટે સારા દિવસોની શરૂઆત 2025માં થઈ શકે.
ભારતના અર્થતંત્રનો વિકાસ થઈ રહ્યો છે. આગામી 25 વર્ષોમાં વિકસિત ભારતનું સપનું લઈને આગળ વધી રહેલી સરકાર ઈન્ફ્રાસ્ટ્રકચર અને રેલવેના ક્ષેત્રમાં રોકાણ કરી રહી છે. હવે આ રોકાણનો ફાયદો મળશે. માલ માટે તૈયાર કરાયેલા ફ્રેટ કોરિડોરને લીધે નૂરના દરમાં ઘટાડો થશે. રેલવેએ અનેક ફ્રેટ કોરિડોર શરૂ કર્યા છે અને આ કાર્યાન્વિત થતાં દેશના આંતરિક વિસ્તારોમાં ફ્રેટનું પ્રમાણ દોઢથી બે ગણું વધશે.
નોકરીઓ સર્જાશે
ભારતમાં ગિગ ઈકોનોમીના વિસ્તારની ઘણી સંભાવના છે. આને લીધે ઓનલાઈન પ્રોજેક્ટ અને રિમોટ વર્કની તકો વધશે. ગિગ ઈકોનોમી એક એવુ આર્થિક મોડેલ છે જેમાં અસ્થાયી નાના સમય માટે પ્રોજેક્ટ આધારિત કામ મળે છે.
આ માટે લોકો ફ્રીલાન્સિંગ અને કૉન્ટ્રાક્ટ પર કામ કરે છે. આમાં થોડા સમય માટે હંગામી નોકરી મળે છે. હાલમાં ભારતમાં ગિગ ઈકોનોમીમાં જે મોટા ક્ષેત્ર ઉભર્યા છે એમાં સ્વિગી અને જોમાટો જેવા ફૂડ ડિલિવરી ક્ષેત્ર, ઉબેર અને ઓલા જેવા રાઈડ શેરિંગ ક્ષેત્ર, ઘરેલુ સેવા, અને વિવિધ પ્રકારના ફ્રીલાન્સિંગ કામનો સમાવેશ થાય છે. 2023માં 77 લાખ લોકો ગિગ વર્ક સાથે સંકળાયેલા હતા. 2025માં આ આંકડો 85થી 95 લાખ પર પહોંચે એવી સંભાવના છે.
જોકે ભારતના કુલ વર્કફોર્સનો આ બે ટકા જેટલો પણ નથી. આ ક્ષેત્રનું વિસ્તરણ થવાની ઉજ્જવળ સંભાવના છે.
2025માં જે ગિગ ક્ષેત્રના વિસ્તાર અને નવી નોકરીની સંભાવના છે એમાં ડિલિવરી અને લોજિસ્ટિક્સનું ક્ષેત્ર આગળ છે. એક અનુમાન પ્રમાણે જોમાટો, સ્વિગી, ફ્લિપકાર્ટ અને એમોઝોન જેવી કંપનીઓ આ વર્ષે વધારે લોકોને નોકરીમાં લેશે. આની સાથે ક્નટેટ રાઈટિંગ, ડિજિટલ માર્કેટિંગ જેવા ફ્રીલાન્સિંગ ક્ષેત્રનો વિસ્તાર થશે.
બીજી બાજુ પ્લંબર, ઈલેક્ટ્રિશિયન અને બ્યુટીશિયન જેવી ઘરેલુ સેવાઓની ડિમાન્ડ વધશે. આથી આમાં મોટી સંખ્યામાં નવી નોકરીઓ આવશે. એક અનુમાન પ્રમાણે 2026ના અંતમાં ભારત ગિગ ક્ષેત્રમાં 2.35 કરોડ વર્કફોર્સ હશે. આની ભાગીદારી કુલ વર્કફોર્સમાં ચારથી પાંચ ટકા થશે.
આ સાલમાં જે ક્ષેત્રોમાં નોકરીની અપેક્ષા છે એમાં મુખ્ય ક્ષેત્રો છે …
-સ્ટાર્ટઅપની બીજી બૂમ આવશે. ખાસ કરીને ગિગ ક્ષેત્રને વૃદ્ધિ દેવા.
-ડિજિટલ ફિલ્ડનો વિસ્તાર 2025માં થવાની સંભાવના છે. સ્માર્ટફોન અને ઈન્ટરનેટની ભૂમિકા વધશે.
-2025માં ટીયર-2, ટીયર-3 શહેરોમાં ગિગ ક્ષેત્રનો વિસ્તાર થશે.
-ડિજિટલ પ્લેટફોર્મનો વિસ્તાર થશે.
આ રીતે વિવિધ ઈન્ડસ્ટ્રી અને કારોબારી ટે્રન્ડને જોતા અનુમાન કરી શકાય છે કે સાલ 2025માં ભારતીયો માટે નોકરીની તકો બહેતર હશે.