ગાંધીધામ ફેક ED રેડ કેસમાં પોલીસે ઘટનાસ્થળે કર્યું રિકન્સ્ટ્રક્શન; લોકો આરોપીને જોવા ચડયા…
ભુજ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના નામે ગાંધીધામના જાણીતા જ્વેલર અને તેમના પિતરાઈ ભાઈના ઘરે દરોડો પાડીને 25.25 લાખની કિંમતના ઘરેણાં તફડાવી લેનારા 12 આરોપીઓના નામદાર અદાલતે 11 દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. રાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બનેલા આ ગુનાની તપાસ કરી રહેલી ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પ્રત્યેક કડીને જોડવા માટે આરોપીઓને સાથે રાખીને ગાંધીધામની બજારમાં આવેલી જ્વેલરી શોપ તથા ફરિયાદીના નિવાસસ્થાને જઈને કોણે કેવી ભૂમિકા ભજવેલી તે નક્કી કરવા આરોપીઓ પાસે તે જ ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું હતું. રિકંસ્ટ્રક્શનના સમયે ગાંધીધામની બજારમાં પોલીસના કાફલા સાથે નીકળેલાં આરોપીઓને જોવા લોકો ટોળે વળ્યાં હતાં.
આ પણ વાંચો : Gujarat ફરી વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આ આગાહી
ઘરે જઈને કરાયું રિકંસ્ટ્રક્શન
ઈડીની નકલી ટોળકી ફરિયાદી કનૈયાભાઈને લઈ તેમના ઘરે સર્ચ ઓપરેશન કરવા પહોંચેલી ત્યારે ઈડી ઑફિસર બનેલા શૈલેન્દ્ર દેસાઈએ સૌને તેનું ઈડી ઑફિસર તરીકેનું નકલી આઈકાર્ડ બતાડી ઘરમાં કેટલા નાણાં અને ઘરેણાં છે તેની સાચી માહિતી આપીને બધુ રજૂ કરી દેવા કરડાકી ભર્યા અવાજે સૂચના આપી હતી. સમગ્ર કાર્યવાહીનું શૈલેન્દ્ર સાથે રહેલાં અમિત મહેતાએ તેના મોબાઈલમાં કરેલા રેકોર્ડીંગની ગુનાની તપાસ કરી રહેલા પી.આઈ એમ.ડી. ચૌધરીએ રીકવર કર્યું છે.
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, કનૈયાભાઈના ઘરમાં સર્ચ ઓપરેશન કરી, બધા દરદાગીના એકઠાં કરી ડાઈનીંગ ટેબલ પર રાખવામાં આવ્યાં હતા. ત્યારબાદ આરોપીઓ કનૈયાને લઈ લીલાશાનગરમાં રહેતા મોટાભાઈ અનિલના ઘરે સર્ચ કરવા ગયાં હતાં. તે સમયે કનૈયાના ઘરમાં હાજર અમિત મહેતાની પત્ની નિશાએ સિફતપૂર્વક ઘરેણાં ચોરી લીધાં હતાં. આરોપીઓએ તમામ રોકડ રકમ અને ઘરેણાંની ચોરી કે લૂંટ કેમ ના કરી તે, ખરેખર તેમની યોજના હતી કે નહિ તે મુદ્દે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હોવાનું ચૌધરીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : લો ગાર્ડન-ભદ્રમાં દબાણ સામે તવાઈના સંકેત; ટાઉન પ્લાનિંગ કમિટીમાં આપવામાં આવી સૂચના
શું છે સમગ્ર બનાવ?
ગુજરાતમાં અધિકારીઓથી લઈને ટોલનાકા સુધી નકલીની બોલબાલા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)ની નકલી ટીમ પકડાઈ હોવાની કિસ્સો કચ્છના ગાંધીધામથી પ્રકાશમાં આવ્યો હતો. જેમાં ઇડીની નકલી ટીમ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં ઉધરાવતી હતી. આ કેસમાં પૂર્વ કચ્છ પોલીસે અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે. જેમાં આ ટીમના લોકો અમદાવાદ, ભુજ સહિત રાજ્યના અનેક શહેરોમાં ઇડીના નકલી અધિકારી બનીને વેપારીઓ પાસેની નાણાં ઉધરાવતા હતા.