વીક એન્ડસ્પેશિયલ ફિચર્સ

ભાત ભાત કે લોગ: દીકરીનું બર્થ સર્ટિફિકેટ ન મળ્યું પછી…

  • જ્વલંત નાયક

ડિપ્રેશન તમને એક પ્રકારનો `કમ્ફર્ટ ઝોન’ આપે છે. ડિપ્રેશનનો માર્ગ ડાઉનવર્ડ સ્પાઈરલ-નીચે જતા સર્પાકાર જેવો છે. એક વખત તમે નીચે સરી પડો પછી સરકતા જ રહો! સબકોન્શિયસ માઈન્ડ-અર્ધજાગ્રત મન આ પતનને એટલું સહજતાથી સ્વીકારી લે છે કે ક્યાંક કશેક બ્રેક મારવાનો પ્રયત્ન થાય તો તમારી ખુદની જ પ્રકૃતિ એનો સજ્જડ વિરોધ કરે. આવા સંજોગોમાં ડિપ્રેશનમાં તણાઈ રહેલી વ્યક્તિને બહાર કાઢવાનું કામ બહુ દુષ્કર છે. ડિપ્રેશન માટે કોઈક દુ:ખ જવાબદાર હોય, જેની સાથે કોઈ ટ્રોમા (ઊંડો આઘાત) પણ જોડાયેલો હોય તો શું થાય?

એક યુટ્યુબ ચેનલ પર ડૉ. જોઆન કેશિટોર ((Joanne Cacciatore) નામક એક્સપર્ટ લેડી વેન ડાયાગ્રામ' વડે આખી વાત સમજાવવાની કોશિશ કરે છે. આવેન ડાયાગ્રામ’ એટલે જુદા જુદા સર્કલમાં માહિતીઓ મૂકીને દર્શાવવા માટે વપરાતી પદ્ધતિ, જે આપણે બધા પ્રાથમિક શાળાના ગણિતમાં ભણી ચૂક્યા છીએ.

ડૉ. જોઆન એકબીજાને છેદતાં બે વર્તુળનો વેન ડાયાગ્રામ દર્શાવતાં કહે છે કે આમાંથી એક સર્કલ દુ:ખ (grief)નું છે, જ્યારે બીજું સર્કલ માનસિક આઘાત (trauma)નું છે અને આ ડાયાગ્રામમાં કેટલોક વિસ્તાર એવો છે, જ્યાં દુ:ખ અને માનસિક આઘાતનાં સર્કલ્સ એકબીજા સાથે ઓવરલેપ થઈને – થોડા ઢંકાઈ જઈને માનસિક આઘાત સાથેનું દુ:ખ (`ટ્રોમેટિક ગ્રીફ’) ધરાવતો વિસ્તાર સર્જે છે. આ વિસ્તારમાં ફસાયેલી વ્યક્તિ માટે સંજોગો બહુ કપરા હોવાના.


Also read: મસ્તરામની મસ્તી : આ ઠંડી ઓપિનિયન પોલ જેવી છે…


ડૉ. જોઆન વાત આગળ ધપાવતાં પોતાની બે મહિલા ક્લાયન્ટ્નાં ઉદાહરણ આપે છે. બંને સ્ત્રી પોતપોતાની વહાલી દાદીઓનાં મૃત્યુ બાદ ગમગીન દૌરમાંથી પસાર થઈ રહી છે. એકની દાદી અવસ્થાએ પહોંચીને કુદરતી મૃત્યુ પામી છે, પણ બીજી સ્ત્રીની દાદી તો સાવ સાજી-નરવી હતી. ઘરમાં ઘૂસેલા ચોરે દાદીની હત્યા કરી નાખી હતી…. હવે આ કિસ્સામાં દાદીને ગુમાવવાનાં દુ:ખ સાથે સ્વજનની અણધારી હત્યાનો ટ્રોમા પણ ભળે છે, જેથી આ મહિલાની ગમગીની દૂર થવામાં લાંબો સમય – કદાચ વર્ષો લાગશે…

ફાઈન, પણ આ ડૉ. જોઆન છે કોણ? એ ખુદ એક ગ્રીફ એક્સપર્ટ એટલે કે દુ:ખ વિશેષજ્ઞ છે. નવાઈ લાગે કે આવા પણ વિશેષજ્ઞો હોય? આ જોઆનની કથા જાણવા જેવી છે.

1994માં જોઆન ચોથી વખત માતા બનવાની હતી. એરિઝોનામાં ગર્ભપરીક્ષણનો બાધ નથી એટલે જોઆનને ખબર હતી કે એના પેટે દીકરી અવતરવાની છે. નોર્થ અમેરિકન પ્રજામાં `શાયેન’ (Cheyenne) નામ જાણીતું છે. જોઆને પણ પોતાની દીકરી માટે આ જ નામ વિચારી રાખેલું. એ પોતાની આવનાર દીકરી બાબતે બહુ ઈમોશનલ-ભાવનાત્મક હતી. બધું બરાબર હતું. 27મી જુલાઈ, 1994ના રોજ જોઆનને લેબર પેન ઊપડે છે.

દીકરીના જન્મને થોડી જ વાર બાકી છે, ત્યાં કંઈક એવી શારીરિક ગરબડ ઊભી થાય છે. કોઈ સારવાર કામ નથી લાગતી ને જોઆનની દીકરી જન્મે એ પહેલાં જ-માતાના પેટમાં જ-મૃત્યુ પામે છે. `શાયેન’ નવ-નવ મહિના સુધી જે પેટમાં રહી ને એમાં જ મૃત્યુ પામી! જોઆન માટે આ આઘાત વસમો હતો, શાયેનના ભ્રૃણને એક નાનકડી પિંક કલરની પેટીમાં મૂકીને દફનાવવામાં આવ્યું.

આ પેટી બંધ કરતી વખતે કદાચ જોઆને પોતાની જાતને પણ એકલતાના કાળમીંઢ ઓરડામાં ધકેલી દીધી. ત્યાર પછી અઠવાડિયાઓ અને મહિનાઓ વીતતા રહ્યા, પણ જોઆનની હાલત એક જીવતી લાશ જેવી જ રહી. કોઈક વાર એ મોટેથી રડી પડતી અને પછી કલાકો સુધી ધ્રુસકે ધ્રુસકે રડ્યા કરતી. એ સિવાય બાકીનો સમય સાવ સૂનમૂન થઈને બેસી રહેતી.
પહેલેથી જે ત્રણ સંતાનની એ માતા હતી એય જાણે ભુલાઈ ગયાં. પોતાની પથારીમાંથી કામ વગર બહાર પગ મૂકવાનું બંધ કર્યું. ખોરાક-પાણીય નહિવત્‌‍ જેવા જ. આ બધાનું પરિણામ એવું આવ્યું કે જોઆને થોડા જ સમયમાં 40 કિલો વજન ગુમાવ્યું! શરીર સૂકાઈને સાંઠીકડા જેવું થઈ ગયું, પણ પછી શું? જોઆન ડિપ્રેશનના ડાઉનવર્ડ સ્પાઈરલમાં ફૂલ સ્પીડે ધસમસી રહી હતી.

બહાર નીકળવાની એની ઇચ્છા જ જાણે મરી પરવારી, પણ ત્યાં એક ચમત્કાર થયો. જોઆનને એક દિવસ વિચાર આવ્યો કે કમસેકમ દીકરીનું બર્થ સર્ટિફિકેટ તો મેળવવું જ જોઈએ. દીકરી જન્મ લેતાં પૂર્વે જ મૃત્યુ પામી એટલે એની બીજી એક્કેય યાદગીરી આમેય નહોતી. એક બર્થ સર્ટિફિકેટ જો મળી જાય તો એ એક યાદગીરી રહે.

હવે વિચારો, જો સરકારી તંત્ર તરફથી બર્થ સર્ટિફિકેટ મળી જાત, તો શું થાત? કદાચ જોઆન આખો દિવસ એ કાગળ હાથમાં લઈને બેસી રહેત અને રડી રડીને છેલ્લે…. પણ ના, એવું ન થયું. સરકારી તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારી દીકરી જન્મી જ નહોતી, એ તો એક ભ્રૃણ સ્વરૂપે જ હતી એટલે એનું બર્થ સર્ટિફિકેટ આપી શકાય નહિ…. હા, ડેથ સર્ટિફિકેટ જરૂર મળે!

આ સાંભળીને જોઆનને જબરદસ્ત ધક્કો લાગ્યો. પેલા દર્દ, પીડાથી ભરપૂર સ્પાઈરલમાંથી બહાર આવવા માટે જે જોરદાર ધક્કાની જરૂર હતી, એ ધક્કો અહીં વાગ્યો. લગભગ દોઢ-બે વર્ષ કારમા ડિપ્રેશનમાં વિતાવ્યા બાદ જોઆનને ગોલ મળી ગયો: પોતાનાં બાળકો ગુમાવનાર કમનસીબ લોકોને ઈમોશનલ સપોર્ટ આપવાનો ગોલ. આ માટે 1996માં એણે ‘ખઈંજજ’ નામથી એક એનજીઓ શરૂ કર્યું.

આ માધ્યમથી એણે સરકારને રજૂઆત કરવા માંડી કે મૃત બાળકોનાં માતા-પિતાને એકમાત્ર બર્થ સર્ટિફિકેટ તો આપો. સરકારે એની વાત કાને ધરી અને સપ્ટેમ્બર, 2001થી સરકારે મૃત બાળકોને બર્થ સર્ટિફિકેટ આપવાનું શરૂ કર્યું.
અને આ પ્રકારે સૌથી પહેલું બર્થ સર્ટિફિકેટ મેળવનાર બાળકીનું નામ પણ `શાયેન’ જ હતું, જે નામ ક્યારેક જોઆને પોતાની દીકરી માટે વિચારેલું.. કેવો યોગાનુયોગ!

જોઆન આટલેથી જ ન અટકી. એણે પોતે ટ્રોમેટિક ગ્રીફને એક વિષય તરીકે પસંદ કરીને 2007માં પીએચ.ડી. કર્યું. લોકોની પીડા દૂર કરવાના એકમાત્ર ધ્યેયને વરેલી જોઆનને બીજા લોકોની મદદ મળતી ગઈ. 2016માં એણે એરિઝોના ખાતે 12 એકર જમીનમાં બકરી, ઘોડા, કૂતરાં જેવા પ્રાણીઓ માટે સંરક્ષણ કેન્દ્ર બનાવ્યું. આ કેન્દ્રમાં પશુઓ સંગાથે રહીને અનેક લોકો પોતાના અંગત જીવનના ટ્રોમા ઉકેલવામાં સફળ થયા હોવાનું કહે છે.

પોતાના અનુભવો ઉપરથી ડૉ. જોઆને એક બેસ્ટ સેલિંગ પુસ્તક લખ્યું, Bearing the Unbearable: Love, Loss, and the Heartbreaking Path of Grief’. 2021માં ઓપ્રાહ વિન્ફ્રે અને ડ્યુક ઑફ સસેક્સ, પ્રિન્સ હેરીએ સાથે મળીને મેન્ટલ હેલ્થ અંગેની એક ડોક્યુમેન્ટરી સિરીઝ હોસ્ટ કરી, ‘The Me You Can’t See આ સિરીઝમાં પણ ડૉ. જોઆને પોતાનું યોગદાન આપ્યું છે. એક સમયે મેન્ટલ-ઈમોશનલ ટ્રોમાને કારણે મરવાના વાંકે જીવતી ડૉ. જોઆન છેલ્લા બે દાયકા દરમિયાન પૃથ્વીના છ ખંડ ફરી ચૂકી છે અને અનેક દુખિયારાને દિશા ચીંધી ચૂકી છે.

ક્યારેક અમુક ઘટનાઓ ખરા અર્થમાં જીવનનો પ્રવાહ પલટી નાખે છે. જીવલેણ ઈમોશનલ ટ્રોમામાંથી પસાર થઈ રહેલી જોઆનને પણ જો યોગ્ય સમયે ધક્કો ન લાગ્યો હોત તો એ કદાચ ક્યારની મરી પરવારી હોત.


Also read: શરદ જોશી સ્પીકિંગ : કૉમ્પ્રોમાઇઝની કળા: લગ્નથી લડાઈઓ સુધી…


આજે જોઆન પણ ખુશ છે અને એના લીધે બીજા અનેક લોકો પણ ડિપ્રેશન ખંખેરીને બહાર આવી શક્યા છે.
કયારેક કોઈ કુશળ કવિના શબ્દો આખી વાતનો મર્મ વ્યકત કરી દેતા હોય છે. ફિલ્મ ગીતકાર – કવિ આનંદ બક્ષીના શબ્દો છે: `તુમ બેસહારા હો તો કિસીકા સહારા બનો, તુમ કો અપને આપ હી સહારા મિલ જાયેગા!’ (ફિલ્મ અનુરોધ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button