કેવા હતા રૂપેરી પરદાના એ સદા યાદગાર `ત્રિદેવ’?
ક્લોઝ અપ – ભરત ઘેલાણી
આ 3-4 4 ડિસેમ્બરના દિવસે 13 વર્ષ પહેલાં દેવ આનંદે આખરી વિદાય લીધી હતી… આ 13 ડિસેમ્બરથી રાજ કપૂરની જન્મ શતાબ્દી ફિલ્મરસિકો ઊજવવાની શરૂ કરશે ત્યારે દેવ આનંદની સાથે રાજ કપૂર અને દિલીપ કુમારને પણ યાદ કરી લઈએ..હિન્દી ફિલ્મજગતની આ અદ્ભુત ત્રિપુટી વચ્ચે અંગત સંબંધ કેવા હતા? કેટલીક ઓછી જાણીતી વાતની ઝલક—-
આમ તો પત્રકારની રોજિંદી જિંદગીમાં અનેક ઘટના બનતી રહે છે. કેટલીક ભૂલાય જાય તો અમુક અનેક વર્ષ સુધી યાદ રહે.
મારા માટે આવી બે ઘટના છે 3-4 ડિસેમ્બરની. એ બન્ને બની હતી અલગ અલગ વર્ષે એક હતી ભોપાળ ગેસ દુર્ઘટના અને બીજી સદાબહાર અદાકાર દેવ આનંદની વિદાય. થોડા વર્ષ અગાઉ 3-4 ડિસેમ્બરની એક રાતે ભોપાળમાં કત્લેખ્વાહિશ ગેસ વછૂટયો અને હજારો લાશ ઢાળી ગયો. એ દુર્ઘટનાનો કંપાવનારો આંખે દેખ્યો બે-હાલ મેં બીજા દિવસે જ ભોપાળ જઈને મેળવ્યો હતો.
ડિસેમ્બરનો એ દિવસ કયારેય નહીં ભૂલાય. એ જ રીતે, આવી જ રીતે 13 વર્ષ પહેલાં 3-4 ડિસેમ્બરની રાતે મારા સૌથી ચહિતા સદાબહાર અદાકાર દેવ આનંદે આ અવનિ પરથી કાયમી વિદાય લીધી હતી
આમ 3-4 ડિસેમ્બરની તારીખ- તવારીખ કાયમને માટે યાદ રહી ગઈ છે.. આમ તો એ આદમી નામે દેવ આનંદને વય-આયુ-ઉંમર સાથે કશું લાગેવળગે નહીં એવા એ ચિરયુવાન ને એમનો સ્મિતસભર ચહેરો સતત આંખ સામે તરવરે. માની ન શકીએ કે ગયા 26 સપ્ટેમ્બરે દેવ શતાયુના થયા-100 વર્ષ ને હવે 101 ! હિન્દી ફિલ્મજગતમાં એમનું પ્રદાન અનન્ય રહ્યું છે. એમના વિશે -એમની ફિલ્મો વિશે અને આજેય સતત લખાતું-બોલાતું આવ્યું જ છે.
Also read: અરાઉન્ડ ધ વર્લ્ડ : એડિનબરા ફ્રિન્જ – દુનિયાના સૌથી મોટા કોમેડી ફેસ્ટિવલમાં…
આવા દેવસાબ સાથે ઘણી વાર મળવાનું થયું છે. જો કોઈ વાર એમની જૂની ફિલ્મો વિશે પૂછીએ તો એમની સદાબહાર ચીલઝડપી સ્ટાઈલમાં અચૂક કહે `ઑહ, ક’મોન, દોસ્ત… પાસ્ટ ઈઝ પાસ્ટ… થિન્ક અહેડ… થિન્ક ફ્યુચર…!’
(આવી જ એક મુલાકાત પછી એક વાર તો મોડી રાતે જૂહુની હોટેલ `સન એન્ડ સન’થી પોતાની ફિયાટમાં એ ખુદ ડ્રાઈવ કરીને અમને છેક ઘાટકોપરના ઘેર મૂકી ગયા હતા..! આવી અંગત યાદ ફરી કયારેક..! )
આજે આપણે દેવસા’બને યાદ કરીએ છીએ ત્યારે એમની સાથે એમના જેવા સમર્થ એવા અન્ય બે સમકાલીન અદાકારને પણ યાદ કરવા જોઈએ રાજ -દિલીપ -દેવ.. તમે એને ત્રિમૂર્તિ કહી શકો- તમે એને ત્રિદેવ કહી શકો.. આપણા સિને-જગતની આ ત્રિપુટી જાણે નામ -કામનું એવું અમરત્વ લખાવીને આવી છે, જેને જગત આખું આગામી વર્ષો સુધી ભૂલી નહીં શકે.
દેવ- દિલીપ- રાજ લગભગ એક જ અરસામાં રૂપેરી પરદે આવ્યા. એ ત્રણેય જો એકમેકથી 10-15 વર્ષના અંતરે ફિલ્મજગતમાં આવ્યા હોત તો એ પ્રત્યેકની એક ગાથા અલગ હોત- એક યુગ અલગ હોત, પણ એવું ન થયું. વિધાતા એ ત્રણેયને એક જ સમયગાળામાં સમાંતરે સાથે લઈ આવી.
જોકે, નિયતિએ એ ત્રણેયના લલાટે એકબીજાથી ભિન્ન-વિભિન્ન ભૂમિકા આગોતરી લખી આપી હતી. આ ત્રણેય અદાકાર પોતપોતાની આવડત-ક્ષમતાથી અલગ અલગ કેડી કંડારીને લોકપ્રિયતાનાં શિખરને આબ્યાં હતા. ત્રણેયનો પ્રચંડ ચાહક વર્ગ હતો.
રાજ-દેવ-દિલીપની અદાકારીના મિજાજ -માહોલ અલાયદા હતા. રાજ એક ભોળા-ભલા- સીધાસાદા ગામઠી આદમીના કિરદારમાં અવ્વલ રહ્યા તો દેવ એક દિલફેંક અલગારી અને આધુનિક યુવાનના પાત્રમાં બરાબર બંધ બેસતા. ખાસ કરીને, ગર્દન ત્રાંસી ઝૂકાવીને સામે ફંગોળેલાં સ્મિત પર ભલભલી યૌવના ફિદા થઈ જતી. દેવ એમનો `પ્રિન્સ ચાર્મિંગ’ હતો તો યુસુફ ભાઈજન તો કોઈના હૃદયના ખુણે થયેલાં છુપાં જખ્મને વાચા આપનારા ટે્રજેડી કિગ-કણાંતના કોહિનૂર હતા!
એ ત્રણેયમાં દિલીપ સૌથી મોટા.
1922માં એમનો જન્મ. એમના પછી દેવનો જન્મ 1923ના તો રાજનું પૃથ્વી પર આગમન થયું 1924ના, પણ એ ત્રણેયમાંથી સૌથી પહેલી વિદાય લીધી રાજ ક્પૂરે 1988માં માત્ર 63 વર્ષની વયે. એ પછી 23 વર્ષના અંતરે દેવે દુનિયાને અલવિદા કર્યું ડિસેમ્બેર-2011ના 88 વર્ષની ઉંમરે.
એ પછી આ ત્રિપુટીમાં એકલા-અટૂલા રહી ગયેલા દિલીપે બરાબર 10 વર્ષ પછી 7 જુલાઈ-2021ના જગને અલવિદા કહ્યું એ સાથે આપણા સિનેજગતના એ ત્રિદેવ' યુગનો ખરા અર્થમાં
ધ ઍન્ડ’ આવી ગયો.
આજે આપણે સોશિયલ નેટવર્કિગ મીડિયાના ટ્વિટર ( હવે ડ ) – ઈન્સ્ટાગ્રામ -ફેસબુકના ડિજિટલ યુગમાં જીવીએ છીએ ત્યારે આપણને આજે જાણવાની એ સહેજે જિજ્ઞાસા જાગે કે એ જમાનામાં ફિલ્મજગતનાં પ્રસાર-પ્રચારનાં માધ્યમ ખાસ હતાં નહીં એટલે 40-50ના દાયકાના સિને-સિતારાઓનું ફિલ્મી ઉપરાંત અંગત જીવન કેવું હશે- એકમેક સાથેના સબંધ કેવા હશે-એકબીજા વિશે ખાનગીમાં શું માનતા હશે-શું કહેતા હશે..? ખાસ કરીને આપણને રાજ-દિલીપ-દેવની વિખ્યાત ત્રિપુટી વિશે આવી જાણવાની ઉત્કંઠા જાગે.
વેલ, ફિલ્મજગતના આપણા ઈતિહાસકારો- જાણભેદુઓ એક અવાજે સ્વીકારે છે કે કદાચ કોઈ મેગેઝિનમાં પ્રગટ થયેલાં એક- બે અપવાદ સિવાય દેવ-દિલીપ-રાજ વચ્ચે કોઈ ઘર્ષણ થયું હોય એવું કયારેય બહાર આવ્યું નથી.
એ ત્રણ વિશે ભાગ્યે જ કોઈ ગોસિપ થતી. એ ખુદ ત્રણેય એકબીજાનાં લગ્નજીવન કે લગ્નબહારના સબંધ વિશે પણ જાહેર કે ખાનગીમાં ક્યારય ટકોર કે ટીકા ન કરતા.
એ ત્રણેયનો વ્યવસાય જ એવો ગ્લેમરમય લપસણો હતો કે એમનાં અંગત જીવનમાં એક કરતાં વધુ સ્ત્રી પ્રવેશે એ સહજ હતું.
દિલીપ ( કામિની કૌશલ – મધુબાલા)-રાજ ( નરગીસ- વૈજંયતીમાલા)-દેવ ( સુરૈયા-ઝિન્નત અમાન ) સાથે પણ એ જ થયું. આ સબંધોને લીધે અફવા માર્કેટ ગરમ રહેતું – ગાજતું પણ હતું. આમ છતાં, જાણે વણ -લખ્યો કરાર હોય તેમ એ ત્રણેયે એકમેક માટે ક્યારેય કશી ટકોર- ટીકા કરી નથી..!
( એક અપવાદરૂપે દેવસા’બે એમની આત્મકથામાં ઝિન્નત-રાજકપૂર વિશે એક ટકોર જરૂર કરેલી).
આ બધા વચ્ચે એક વાર જાહેરમાં દિલીપકુમારે કહ્યું પણ હતું: રાજ-દેવ અને હું એકબીજાના ક્યારેય પ્રતિસ્પર્ધી રહ્યા નથી અને રહેશું પણ નહીં..અમે તો એકબીજાના સમકાલીન છીએ. અમે એક બીજાનાં કામની કદર કરીએ છીએ..! આમ ત્રણ ત્રણ જબરદસ્ત કલાકાર નજર સામે હાજર હોય ત્યારે સહેજે છે કે એમને પોતાની ફિલ્મમાં સાથે ચમકાવવાની લાલચ કોઈ પણ નિર્માતા-દિગ્દર્શકને થાય.
નિર્માતા-દિગ્દર્શક મહેબૂબ ખાને આવી હિંમત કરીને દિલીપ-રાજ-નરગીસને અંદાઝ' ફિલ્મમાં સાથે લઈ આવ્યા. પ્રેમ ત્રિકોણની આ ફિલ્મ 1949ની સુપર હિટ ફિલ્મ પુરવાર થઈ. આવો જ પ્રયોગ દક્ષિણના દિગ્દર્શક એસ.એસ.વાસને પણ કર્યો. દિલીપ -દેવ- બિના રોય અભિનિત 1955ની ફિલ્મ
ઈન્સાનિયત. એમાં વધારાનું આકર્ષણ હતો અમેરિકાથી આયાત કરેલો એક ચિમ્પાન્ઝી. ફિલ્મ બોકસ ઑફિસ પર સારી એવી સફળ નીવડી.
એ બન્ને ફિલ્મને મળેલી સફળતા પછી ઘણાં નિર્માતાએ દિલીપ – દેવ -રાજને સાથે લાવીને ફિલ્મ બનાવવા બહુ પ્રયાસ કર્યા. એમાં ત્રિપુટીની સંમતિ પણ હતી, પણ કોઈ પણ કારણસર એ ક્યારેય શક્ય ન બન્યું.
આજે વખત જતાં ફિલ્મ ઉદ્યોગ વધુ ને વધુ શો- બિઝનેસ બની રહ્યો છે. કોણ કોનાથી વધુ સમીપ છે ને કોની સાથે પોતાને જરાય સબંધ નથી એ દર્શાવવા આજે સોશિયલ મીડિયાનાં શસ્ત્ર વધુ વપરાય છે.
પહેલાં એવું ન હતું. ખાસ કરીને, ત્રિપુટીના જમાનામાં. એ ત્રણેય એકમેક સાથે-એકમેકના પરિવાર સાથે કેવા ઘનિષ્ટ સંબંધ હતા એ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા પણ નહોતા. ભાગ્યે જ એમની એ વાતો બહાર આવતી ને આજે પણ જે વાંચવાં-સાંભળવાં મળે છે એ એમની અધિકૃત જીવનકથા કે આત્મકથા દ્વારા જ જાણવા મળી છે.
લંડનમાં સાજાસમા દેવ આનંદે અચાનક વિદાય લીધી પછી એ ત્રિપુટીના એક માત્ર રહી ગયેલા દિલીપ કુમારે જે હૃદયસ્પર્શી શબ્દોમાં અંજલિ આપી એના કેટલાક અંશ ખરેખર વાચવા-જાણવા જેવા છે. મિત્ર દેવ અને એની સાથે રાજ વિશે દિલીપ લખે છે
ફિલ્મો મેળવવા એકથી બીજા સ્ટુડિયોમાં અમે ચક્કર કાપતા એ દિવસોમાં દેવ અને હું ઘણી વાર લોકલ ટે્રનમાં સાથે થઈ જતા ત્યારે પોતપોતાના સંઘર્ષની વાત કરતા અને એકબીજાને આશા ને આશ્વાસન પણ આપતા. રાજ અને મારો પરિવાર તો અમારા પેશાવરના દિવસોથી પાડોસી એટલે મારે રાજ સાથે જૂની મિત્રતા. એમાં દેવ ભળ્યો. પછી તો અમને ત્રણેયની પોતપોતાની રીતે સફળતા મળતી રહી-વધુ ને વધુ વ્યસ્ત થતા ગયા, પણ મિત્રતા વધુ ગાઢ રહી.
એકબીજાના પરિવારના અવસરે ખાસ હાજરી આપતા. દેવની બહેન અને દીકરી દેવિનાના લગ્ન મેં અને રાજના પરિવારે માણ્યાં એમ મારી અને સાયરાની શાદી. એ બન્ને પરિવારસહ હાજર રહ્યા. અમે કેટલીક વાર ત્રણેય એક્લા પણ મળતા ત્યારે અમારી ફિલ્મો વિશે ચર્ચા કરતા. નિખાલસપણે ટીકા- ટકોર કરતા, પણ એ વાતો ક્યારેય જાહેરમાં ન આવે એવી તકેદારી પણ રાખતા.
અમારામાં રાજ જેવો મોજીલો-રંગીલો આદમી એકેય નહીં. એ મારી અને દેવની એવી અદ્ભુત મિમિક્રી કરે કે તમે હસીને બેવડ વળી જાવ. બીજી તરફ, સોહામણા દેવના રેશમી સ્મિત પર બીજા હજારોની જેમ હું પણ ફિદા. હું તો ત્યાં સુધી કહીશ કે આખા ફિલ્મ ઉદ્યોગમાં દેવ જેવું મારકણું સ્મિત કોઈ પાસે નહોતું ! હું એમ પણ માનું છું કે દેવ પાસે સારી સ્ક્રિપ્ટ હોય તો એણે કમાલની ફિલ્મો પણ સર્જી દેખાડી છે, જેમકે કાલા પાની' -
હમ દોનો’ અને `ગાઈડ’ ..!
દેવ ટાઉનમાં હોય તો મારા બર્થ-ડે પર અચૂક હાજર થાય.. હું અને રાજ એને દેવ'ના નામે જ બોલાવતા, પણ દેવ મને પેશાવરી લઢણમાં હંમેશાં
લાલા’ કહીને જ બોલાવે. દર જન્મદિવસે એ મને ભેટી પડીને અચૂક કહે: લાલા, તુ સાલા સો સાલ જિયેગા..!' મારા 89મા જન્મદિવસ પહેલાં લંડનમાં દેવના અચાનક અવસાનના સમાચાર મને મળ્યાં. હું અવાક થઈ ગયો: પહેલા રાજ ગયો પછી દેવ..હવે મને
લાલા’, તું સો સાલ જિયેગા!ની બર્થ-ડે વીશ કોણ કરશે ?!
Also read:લોકોને બદીઓથી બચાવવા થઈ અવનવી ‘મોજમજા’ની શોધ !
દિલીપકુમારની વાત અહીં પૂરી થઈ. હવે એ પણ જાણી લો કે 1લી ડિસેમ્બરે લંડન પહોંચીને દેવ આનંદે એની ઍપોઈન્ટન્ટ ડાયરીમાં એક નોંધ લખી હતી એ શું હતી?
13 વર્ષ પહેલાં 3-4 ડિસેમ્બરના લંડનમાં દેવ આનંદનું અવસાન થયું ત્યારે દેવની ડાયરીમાં આ સૌથી છેલ્લી નોંધ હતી :`11 ડિસેમ્બર લાલાનો બર્થ-ડે છે. એને વીશ કરવા રૂબરૂ જવાનું છે..’ !