મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી મધુકર પિચડનું નિધન
મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી મધુકર પિચડ (84)નું શુક્રવારે નાસિકની હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને પિચડના ભૂતપૂર્વ સહયોગી છગન ભુજબળે જણાવ્યું હતું કે એક મહિના પહેલા ‘બ્રેઈન સ્ટ્રોક’નો હુમલો આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઇન્ફેક્શન થયું હતું અને પાંચ-છ દિવસ પહેલા તેમને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યા હતા.
તેમની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો પિચડ, આદિવાસી સમુદાયના અગ્રણી નેતા હતા. તેઓ 1980 થી 2009 સુધી અહિલ્યાનગર જિલ્લાની અકોલે બેઠકના વિધાન સભ્ય હતા અને 1995 સુધી કોંગ્રેસની ઘણી સરકારોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. જ્યારે શિવસેના-ભારતીય જનતા પાર્ટી (BJP) ગઠબંધન રાજ્યમાં સત્તામાં આવ્યું ત્યારે પિચડ રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પણ હતા.
આ પણ વાંચો…આવકવેરા વિભાગે જપ્ત કરેલી સંપત્તિ મુક્ત થતા અજિત પવારને મોટી રાહત,
પિચડ 1999માં કોંગ્રેસ પાર્ટી છોડીને શરદ પવાર દ્વારા રચિત એનસીપીમાં જોડાયા હતા. તેમણે વિલાસરાવ દેશમુખની આગેવાની હેઠળની સરકારમાં આદિજાતિ વિકાસ મંત્રી તરીકે પણ સેવા આપી હતી. પિચડ અને તેમના પુત્ર વૈભવ પિચડ 2019માં ભાજપમાં જોડાયા હતા.
તેમના નિધન પર NCP-SPના વડા શરદ પવારે શોક વ્યક્ત કર્યો હતો અને તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.