Gujarat ફરી વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતના(Gujarat)અનેક શહેરોમાં છેલ્લા બે દિવસમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસના રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. અમદાવાદમાં શુક્રવારે મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું છે.
નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન
જો શુક્રવારના તાપમાનની વાત કરીએ તો ગુજરાતમાં 11.6 ડિગ્રીથી લઈને 23.4 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન નોંધાયું હતું. જેમાં સૌથી ઓછું નલિયામાં 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેરાવળમાં 23.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં એક ડિગ્રી તાપમાન ઘટ્યું
અમદાવાદમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઉચકાયો હતો. જોકે શુક્રવારે દિવસ દરમિયાન તાપમાન એક ડિગ્રી જેટલું ઘટ્યું હતું. અમદાવાદ શહેરમાં 17.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જે ગુરુવારે 19 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન સૌથી ઉંચું તાપમાન 30.8 ડિગ્રી રહ્યું હતું.
ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે
ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઠંડી વધવા લાગી છે ત્યારે આગામી દિવસોમાં હજી પણ ઠંડી વધશે. હવામાન વિભાગ પ્રમાણે ઠંડી માટે ડિસેમ્બર મહિના ગણી શકાય. આ સમયમાં ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થતી હોય છે જેની અસર ગુજરાત ઉપર દેખાશે. એટલે આ મહિનામાં ગુજરાતમાં ઠંડી રેકોર્ડ તોડી શકે છે.
નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 ડિસેમ્બર, 2024થી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર અને ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કરશે. જેના કારણે પશ્ચિમ હિમાલયમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
આ પણ વાંચો…લો ગાર્ડન-ભદ્રમાં દબાણ સામે તવાઈના સંકેત; ટાઉન પ્લાનિંગ કમિટીમાં આપવામાં આવી સૂચના
શ્રીનગરમાં પારો માઈનસ 4.1 નોંધાયો
સમગ્ર કાશ્મીર ખીણમાં હાડ કંપાવી દેનારી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. ગુરુવારે રાત્રે કાશ્મીરના તમામ વિસ્તારોમાં તાપમાન સતત નીચું જોવા મળ્યું હતું. શ્રીનગરમાં માઈનસ 4.1 ડિગ્રી સાથે વર્તમાન શિયાળાની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. દક્ષિણ કાશ્મીરના શોપિયામાં માઈનસ 6.6 ડિગ્રી તાપમાન સાથે પહેલગામ અને ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ હતું.