પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર નિયમો તોડ્યા તો ખેર નથી AI આધારિત નવી સિસ્ટમ વાહન પર નજર રાખશે
મુંબઈ: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. આ માર્ગ એક્સપ્રેસ વે હોવાથી વાહનો બેફામ દોડાવવામાં આવી રહ્યા છે. એવું જોવામાં આવ્યું છે કે અનેક વાહન માલિકો એક્સપ્રેસ વેના નિયમોનું પાલન કરતા નથી, જેને કારણે મોટા અકસ્માતો સર્જાયા છે અને અનેક લોકોના મોત થયા છે. આ સમસ્યાનો સામનો કરવા હવે ITMS સિસ્ટમ હેઠળ હાઇવેની બંને બાજુ 52 સ્થળોએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત કેમેરા લગાવવામાં આવ્યા છે, જેનાથી હવે રડાર ટેક્નોલોજીની મદદથી વાહનોની સ્પીડ માપી શકાય છે. ઝડપ મર્યાદા કરતાં વધુ ઝડપે વાહન ચલાવતા વાહનોને ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે.
Also read: મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર આજે બ્લોક
પિંપરી-ચિંચવડ પ્રાદેશિક પરિવહન અધિકારી કચેરી વતી હવે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ITMS સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. મુંબઈ પુણે હાઈવે પર ઘાટ વિસ્તારમાં હળવા મોટર વાહન (કાર) માટે સ્પીડ લિમિટ 60 કિમી પ્રતિ કલાક છે. અન્ય તમામ વાહનોની સ્પીડ લિમિટ 40 કિમી પ્રતિ કલાક છે. ઘાટ વિસ્તાર સિવાય અન્ય સ્થળોએ હળવા મોટર વાહનો (કાર) માટેની સ્પીડ મર્યાદા 100 કિમી પ્રતિ કલાક છે અને અન્ય તમામ વાહનોની ગતિ મર્યાદા 80 કિમી પ્રતિ કલાક છે.
સીટબેલ્ટ ન પહેરવો, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, લેન શિસ્તનું પાલન ન કરવું વગેરે જેવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોને સિસ્ટમ હેઠળ લગાવવામાં આવેલા કેમેરા દ્વારા ઈ-ચલણ આપવામાં આવે છે અને આવા વાહન માલિકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, એવી માહિતી નાયબ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી રાહુલ જાધવે આપી હતી.
Also read: પુણે-મુંબઈનું અંતર 6 કિમી ઘટશે, મિસિંગ લિંક પ્રોજેક્ટ જુલાઈ 2024 સુધીમાં પૂર્ણ થશે
મુંબઈ પુણે હાઈવે પર અનેક અકસ્માતો થયા છે. આમાંના મોટા ભાગના અકસ્માત ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાના કારણે થયા છે. સરકારનું માનવું છે કે જો વાહનમાલિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો અકસ્માતો નિવારી શકાય છે. આથી સરકારે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બેફામ વાહન હંકારતા માલિકોને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. જે વાહન માલિક નિયમોનું પાલન નહીં કરે તેને ઈ-ચલણ મોકલવામાં આવશે.