ઍડિલેઇડમાં પહેલો દિવસ ઑસ્ટ્રેલિયાનો, ભારતના 180 બાદ કાંગારૂઓના 86/1
ઍડિલેઇડઃ અહીં પિન્ક બૉલ ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)નો પ્રથમ દિવસ સંપૂર્ણપણે ઑસ્ટ્રેલિયાના નામે હતો. પહેલાં તો યજમાન ટીમે ભારતને 180 રનમાં આઉટ કરી દીધું અને ત્યાર બાદ એક વિકેટે 86 રન બનાવી લીધા હતા. પ્રારંભિક દિવસની રમતને અંતે કાંગારૂઓ વળતી લડત બાદ ભારતથી માત્ર 94 રન પાછળ હતા. મિચલ સ્ટાર્ક (14.1-2-48-6) પહેલા દિવસનો સુપરસ્ટાર હતો.
ઓપનર ઉસમાન ખ્વાજા (13 રન) સસ્તામાં આઉટ થઈ ગયો ત્યાર બાદ સાથી-ઓપનર નૅથન મૅક્સ્વીની 38 રને અને માર્નસ લાબુશેન 20 રને નૉટઆઉટ હતો. ઑસ્ટ્રેલિયાની એકમાત્ર વિકેટ જસપ્રીત બુમરાહે લીધી હતી. એ તેની વર્ષ 2024ની 50મી વિકેટ હતી અને આ વર્ષમાં વિકેટોની હાફ સેન્ચુરી પર પહોંચનારો તે પહેલો જ બોલર છે.
ભારતે આ મૅચમાં વૉશિંગ્ટન સુંદરના સ્થાને અનુભવી ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને ઇલેવનમાં સમાવ્યો છે અને તેને ફક્ત એક ઓવર બોલિંગ મળી હતી જે મેઇડન રહી હતી. મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને પણ વિકેટ નહોતી મળી.
આ પણ વાંચો :વિરાટને વધુ એક સેન્ચુરી ઍડિલેઇડમાં બનાવશે અવ્વલ, જાણો કેવી રીતે…
એ પહેલાં, ભારતીય ટીમ 45મી ઓવરમાં 180 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. પર્થની જેમ અહીં પણ પ્રથમ દાવમાં ભારતની બૅટિંગ લાઇન-અપ ફસડાઈ પડી. જેમ પર્થમાં પ્રથમ દાવમાં ભારતીય ટીમના 150 રનમાં નીતિશ કુમાર રેડ્ડીના 41 રન હાઇએસ્ટ હતા એનું અહીં ઍડિલેઇડમાં પુનરાવર્તન થયું હતું. આજે ભારતના 180 રનમાં તેના 42 રન હાઇએસ્ટ હતા જે તેણે 54 બૉલમાં ત્રણ સિક્સર અને ત્રણ ફોરની મદદથી બનાવ્યા હતા. મિચલ સ્ટાર્કના બૉલમાં તે બિગ-હિટના પ્રયાસમાં મિડ-ઑફ પર ટ્રેવિસ હેડને આસાન કૅચ આપી બેઠો હતો. જોકે નીતિશના 42 રન થકી જ ટીમ ઇન્ડિયા 150-પ્લસનું ટોટલ નોંધાવી શકી હતી. 180 રનના ટોટલ પર 10મી વિકેટ રેડ્ડીની પડી હતી.
પર્થ-ટેસ્ટના બીજા દાવના હીરો યશસ્વી જયસ્વાલે આ ટેસ્ટના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવીને કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓને આંચકો આપ્યો હતો. પર્થની ટેસ્ટ પચીસમી નવેમ્બરે પૂરી થઈ હતી અને ત્યાર પછી લગભગ દસેક દિવસ સુધી પ્રૅક્ટિસ કર્યા બાદ અને ટીમ સાથે યોજનામાં સહભાગી થયા બાદ યશસ્વીએ છેવટે મૅચના પહેલા જ બૉલ પર વિકેટ ગુમાવી દેતાં તેની બધી મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જોકે પર્થની મૅચને જ ધ્યાનમાં રાખીએ તો તે ઍડિલેઇડમાં બીજા દાવમાં કમબૅક કરશે તો નવાઈ નહીં લાગે. પર્થમાં તે પ્રથમ દાવમાં ઝીરોમાં આઉટ થયો હતો અને બીજા દાવમાં તેણે મૅચ-વિનિંગ 161 રન બનાવ્યા હતા.
કે. એલ. રાહુલે (37 રન, 64 બૉલ, છ ફોર) ફરી એકવાર અનોખી બૅટિંગ ટેક્નિકનું પ્રદર્શન કર્યું હતું અને યશસ્વીની વિદાય પછી એક છેડો સાચવી રાખ્યો હતો. સ્કૉટ બૉલેન્ડના પહેલા જ બૉલમાં તેનો કૅચ પકડાયો હતો. જોકે એ નો-બૉલ હોવાથી રાહુલે એ જીવતદાનનો થોડો ફાયદો ઉઠાવ્યો હતો. શુભમન ગિલ (31 રન, 51 બૉલ, પાંચ ફોર) સાથે તેણે 69 રનની ભાગીદારી કરી હતી.
વિરાટ કોહલી ફક્ત સાત રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો, જ્યારે પાંચમા ક્રમે રમેલા વિકેટકીપર રિષભ પંતે (21 રન, 35 બૉલ, બે ફોર) થોડી લડત આપી હતી. ઓપનિંગને બદલે છઠ્ઠા નંબર પર રમેલા કૅપ્ટન રોહિત શર્માએ 23 બૉલમાં ફક્ત ત્રણ રન બનાવ્યા અને સ્કૉટ બૉલેન્ડના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો.
42 રન બનાવનાર નીતિશ રેડ્ડી સાથે આર. અશ્વિને (બાવીસ રન, બાવીસ બૉલ, ત્રણ ફોર) સાતમી વિકેટ માટે 32 રનની બહુમૂલ્ય ભાગીદારી કરી હતી. હર્ષિત રાણા અને બુમરાહ ઝીરોમાં આઉટ થયા હતા.
સ્ટાર્કની છ વિકેટના તરખાટ ઉપરાંત કૅપ્ટન પૅટ કમિન્સ અને બૉલેન્ડનું પણ ભારતીય ટીમને અંકુશમાં રાખવામાં યોગદાન હતું. બન્નેએ બે-બે વિકેટ લીધી હતી. નૅથન લાયન (1-0-6-0)ને એક જ ઓવર અને મિચલ માર્શ (4-0-26-0)ને ચાર જ ઓવર બોલિંગ મળી હતી.