રેલવેમાં નોકરીની લાલચે 74.40 લાખ રૂપિયાની છેતરપિંડી: નવ સામે ગુનો
રેલવેના અધિકારીઓની સંડોવણીની શક્યતાની પોલીસ દ્વારા તપાસ
થાણે: રેલવેમાં નોકરીની લાલચે નોકરી ઇચ્છુકો પાસેથી 74.40 લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવામાં આવી હતી. આ પ્રકરણે પોલીસે એક જ પરિવારના ચાર સભ્ય સહિત નવ સામે ગુનો નોંધ્યો હતો, જ્યારે રેલવેના અધિકારીઓની સંડોવણીની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે.
એમએફસી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્ર્વર સાબળેએ એક આરોપી કલ્યાણનો રહેવાસી અનંત બલ્લાળ હોવાનું જણાવ્યું હતું. બલ્લાળે ફરિયાદીને રેલવેમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી.
ફરિયાદ અનુસાર બલ્લાળ, તેની પત્ની અને બે સંતાને જાન્યુઆરીથી મે દરમિયાન ફરિયાદી પાસેથી નાણાં લીધાં હતાં, પરંતુ ફરિયાદીને નોકરી અપાવી નહોતી. બલ્લાળે ફરિયાદીને અમુક લોકો સાથે મળાવ્યો હતો. એ લોકો રેલવેના અધિકારી હોવાનો દાવો બલ્લાળે કર્યો હતો. રેલવેના અધિકારીઓ નોકરી મેળવવા માટેની પ્રક્રિયા ઝડપી કરવામાં મદદ કરશે, એવો દાવો પણ બલ્લાળે કર્યો હતો.
આ પણ વાંચો : થાણેમાં 10 દેશી બોમ્બ સાથે રાયગડના રહેવાસીની ધરપકડ
આરોપીએ ફરિયાદીને બનાવટી એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને બોગસ ઈ-મેઈલ્સ પણ બતાવ્યા હતા. રાયગડના રોહા તેમ જ વિવિધ સ્થળે રહેતા નોકરી ઇચ્છુકો અને ફરિયાદી પાસેથી આરોપીએ 74.40 લાખ રૂપિયા પડાવ્યા હોવાનું પોલીસનું માનવું છે.
આ કેસમાં એક જ પરિવારના ચાર સભ્ય સિવાય બાકીના પાંચ આરોપીમાં રેલવેના અધિકારી અને એક મેડિકલ ઑફિસર સંડોવાયેલો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી. જોકે આરોપીએ ફરિયાદી સાથે મુલાકાત કરાવી હતી તે ખરેખર રેલવેના અધિકારી હતા કે બોગસ અધિકારી તેની તપાસ કરવામાં આવી રહી છે, એવું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)