શિંદે જૂથે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ અંગે સ્પષ્ટતા કરી…
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે (૫ ડિસેમ્બર) શપથ ગ્રહણ સમારોહ પછી મીડિયા સાથે વાતચીત કરી. આ અવસરે તેમણે ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહીણ યોજના’ને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ફડણવીસે કહ્યું હતું કે, અમે લાડકી બહેન યોજના ચાલુ રાખવાના છીએ. તેમજ અમે પાત્ર મહિલાઓને દર મહિને ૨,૧૦૦ રૂપિયા આપીશું. અમે બજેટમાં તેના પર વિચાર કરીશું. સ્ક્રુટિની એટલે કે વેરિફિકેશનની વાત કરતા તેમણે કહ્યું કે, જો કોઈએ ધારાધોરણની બહાર યોજનાનો લાભ લીધો હોય અથવા કોઈ ફરિયાદ હશે તો અમે તેના પર ધ્યાન આપીશું. કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેતકરી સન્માન યોજના શરૂ કર્યાના થોડા સમય પછી, ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક શ્રીમંત ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળ્યો છે. તેવી જ રીતે લાડકી બહીણ યોજનામાં જે બહેનો માપદંડની બહાર હશે તો તેની પુન:વિચારણા કરવામાં આવશે.”
આ પણ વાંચો : અમને શપથ વિધિમાં બોલાવ્યા હોત તો…. નાના પટોલેનો…
હવે ફડણવીસે વેરિફિકેશનનો ઉલ્લેખ કર્યા બાદ ચર્ચાઈ રહ્યું છે કે આ યોજનાનો લાભ લેનારી મહિલાઓની અરજીઓની ફેરચકાસણી કર્યા બાદ ઘણી મહિલાઓની અરજીઓ ફગાવી દેવામાં આવશે. હવે શિવસેના (શિંદે)એ આ અંગે સ્પષ્ટતા કરી છે. શિવસેનાના પ્રવક્તા અને વિધાનસભ્ય સંજય શિરસાટે જણાવ્યું હતું કે, “દેવેન્દ્ર ફડણવીસે કહ્યું તેમ, લાડકી બહેન યોજના હેઠળ અરજીઓની ચકાસણીનો અર્થ એ નથી કે પાત્ર મહિલાઓને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવશે. તેમણે એટલું જ કહ્યું છે કે ખોટા દસ્તાવેજો આપીને કોઈએ આ યોજનાનો લાભ લીધો હશે તો તેમને બાકાત રાખવાનો આ વેરિફિકેશન પાછળનો હેતુ છે. જેમની અરજીઓ માન્ય છે, જેમના દસ્તાવેજો માન્ય છે તેમને આ યોજના હેઠળ લાભ મળશે.”