ડૉ. આંબેડકરના અનુયાયીઓ માટે ન્હાવા-રહેવા-સૂવાની કરાયેલી વ્યવસ્થા…
આરઓનું શુદ્ધ પાણી પણ તેમને મહાપરિનિર્વાણ દિને પાલિકાએ પૂરું પાડ્યું
મુંબઈ: ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ દિન એટલે કે મહાપરિનિર્વાણ દિન નિમિત્તે શુક્રવારે દાદરના ચૈત્યભૂમિ ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આંબેડકરના અનુયાયીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે મુંબઈ પાલિકા તરફથી ન્હાવા, રહેવા-સૂવા, ખાવા-પીવા એમ દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : ગૃહ વિભાગ માટે શિંદે અને ફડણવીસ વચ્ચે તિરાડ પડી શકે! ફડણવીસે આપ્યા મોટા સંકેત
દર વર્ષે છઠ્ઠી ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિન નિમિત્તે દાદારના શિવાજી પાર્ક ખાતેના ચૈત્યભૂમિમાં હજારો લોકો ડૉ. આંબડકરને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતા હોય છે.
‘લોકોની ભીડને ધ્યાનમાં રાખીને મુંબઈ પાલિકા તરફથી ઘણી વ્યવસ્થા કરવામાં આવી હતી અને લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ બેસાડવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મહિલાઓ માટે ગુલાબી રંગનાં શૌચાલયો, બાળકોને સ્તનપાન કરાવવા માટે ‘હિરકણી કક્ષ’, મોબાઇલ ચાર્જિગ માટેનાં પોઇન્ટ વગેરે વ્યવસ્થા કરવામાં આવી હતી’, એમ પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું.
છ આરઓ પ્લાન્ટ, ૫૩૦ નળ સાથે ૭૦ વૉટર ટેન્કર ગોઠવવામાં આવ્યાં હતાં. લાઇનમાં ઊભા રહેલા લોકોમાં પાણીની બોટલો અને બિસ્કિટોના પેકેટ વહેંચવામાં આવ્યા હતા. શિવાજી પાર્ક ખાતે એક લાખ ચો. ફૂટની જગ્યા પર હંગામી ધોરણે શેલ્ટર ઊભા કરવામાં આવ્યા હતા જેમાં વૉટર-પ્રૂફ તંબૂઓ, ન્હાવાની વ્યવસ્થા, મોબાઇલ ચાર્જિંગના પોઇન્ટ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ પણ વાંચો : ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ચૈત્યભૂમિ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો
ચૈત્યભૂમિ સિવાય પાલિકા દ્વારા અન્ય મુખ્ય વિસ્તારોમાં પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી જેમાં દાદર રેલવે સ્ટેશન, દાદર પૂર્વની હિન્દુ કોલોનીનું રાજગૃહ, વડાલાની ડૉ. બાબાસાહેબ આંબેડકર કોલેજ, કુર્લાના લોકમાન્ય ટિળક ટર્મિનસ વગેરેનો સમાવેશ થાય છે. સુરક્ષાર્થે ચૈત્યભૂમિ અને શિવાજી પાર્કમાં સીસીટીવી કેમેરા, મોબાઇલ કેમેરા, મેટલ ડિટેક્ટર, બેગ સ્કેનર ગોઠવવામાં આવ્યા હતા. આ સિવાય એમ્બ્યુલન્સ, ફાયર એન્જિનની પણ વ્યવસ્થા હતી. સફાઇ કામ માટે ૨૨૦ કર્મચારીને પણ તહેનાત કરાયા હતા.