માંજરેકરે સાત રનમાં વિકેટ ગુમાવનાર વિરાટની ખામી બતાવતાં કહ્યું કે `જ્યાં સુધી તે…’
ઍડિલેઇડઃ પર્થમાં ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતને 295 રનના તોતિંગ માર્જિનથી શાનદાર વિજય અપાવવામાં કુલ આઠ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ તેમ જ બીજા દાવમાં 161 રન બનાવનાર ઓપનર યશસ્વી જયસ્વાલ ઉપરાંત અણનમ 100 રન બનાવનાર વિરાટ કોહલીનું પણ યોગદાન હતું અને બીજી ટેસ્ટના સ્થળ ઍડિલેઇડમાં કોહલીની 63.62ની બૅટિંગ-ઍવરેજ પણ અસાધારણ છે, પરંતુ શુક્રવારે આ ટેસ્ટના પહેલા દિવસે ફક્ત આઠમા બૉલ પર સાત રનના પોતાના સ્કોર પર કોહલીએ વિકેટ ગુમાવી એટલે પાછો ચર્ચામાં આવી ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટ-વિશ્વલેષક સંજય માંજરેકરે કોહલીની કેટલીક ખામીઓની વાત એક ટવીટમાં જણાવી છે.
માંજરેકરે એક્સ' પર લખ્યું છે કે
કોહલીની બૅટિંગ-સરેરાશ થોડા વર્ષ પહેલાં 50.00થી ઘણી વધુ હતી, પણ હવે 48.13 સુધી ઉતરી ગઈ એનું એક કારણ એ છે કે ઑફ સ્ટમ્પની બહારનો બૉલ રમવામાં તેની નબળાઈ થોડા સમયથી સતત જોવા મળી રહી છે. વધુ મહત્ત્વની વાત એ છે કે એવા બૉલનો કંઈક અલગ રીતે સામનો કરવાનો અભિગમ તે અપનાવતો જ નથી.’
આ જક્કી વલણને લીધે કોહલી સસ્તામાં વિકેટ ગુમાવી રહ્યો છે એવું માંજરેકરે કહેવું હતું.
આ પણ વાંચો : IND vs AUS: વિરાટ કોહલી ડોન બ્રેડમેનનો 76 વર્ષ જૂનો આ રેકોર્ડ તોડી શકે છે…
લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કના ઑફ સ્ટમ્પની બહારનો લેન્ગ્થ બૉલ ઘણો ઉછળ્યો હતો અને કોહલી એમાં કેવો શૉટ મારવો એ વિશે મૂંઝાઈ ગયો હતો. બહારની તરફ જતો બૉલ ઑફ સાઇડમાં અંદાજે પાંચમા-છઠ્ઠા સ્ટમ્પ પર પડ્યો હતો, બાઉન્સ થયો હતો અને એમાં શૉટ મારવો કે નહીં એની ગડમથલમાં તે બીજી સ્લિપમાં સ્ટીવ સ્મિથને કૅચ આપી બેઠો હતો.
થોડા વર્ષો પહેલાં કોહલીની બૅટિંગ-ઍવરેજ સતતપણે 50.00થી ઉપર રહેતી હતી, પણ 2022ની સાલમાં (પાંચ વર્ષમાં) પહેલી વાર તેની ઍવરેજ 50.00થી ઉતરી ગઈ હતી અને 48.00ની આસપાસ રહે છે.
ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ પહેલાં ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી ત્રણ ટેસ્ટમાં કોહલી કુલ ફક્ત 93 રન બનાવી શક્યો હતો અને એ સિરીઝમાં તેની બૅટિંગ-સરેરાશ ફક્ત 15.50 હતી.