એવરગ્રીન સ્ટાર, એકટર-ડિરેક્ટર દેવઆનંદના મૃત્યુનાં ૨-૩ વર્ષ પહેલાં એક રાત્રે હું અશોક ત્યાગી નામના ડિરેક્ટર સાથે હતો. ત્યાગીજીએ દેવઆનંદને લઇને ‘જવેલથીફ’ જેવી અદ્ભુત ફિલ્મની સિક્વલ ‘રિટર્ન ઓફ જવેલથીફ’ જેવી ફિલ્મ બનાવવાની હિંમત કરેલી. મેં મિત્ર અશોક ત્યાગીને કહયું, ‘મારી એક માત્ર અદમ્ય ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા છે કે એકવાર દેવસાહેબની ફિલ્મમાં કમસેકમ ૧ ગીત લખવા મળે!’
ત્યાગીજીએ તરત જ દેવઆનંદને ફોન પર મારા વિશે વાત કરી. દેવસાહેબે પણ તરત જ મને ફોન પર આગવી સ્ટાઈલમાં સમજાવ્યું :
યંગમેન મારી આગામી ફિલ્મમાં હું કવિ ‘નીરજ’ને ફરીથી રી-લોંચ કરવા માગું છે. આજની જનરેશન ‘નીરજ’ની કવિતા-ગીતોનો પરિચય કરાવવો બહુ જરૂરી છે ને એ કામ માત્ર આ ‘દેવ’ જ કરી શકે. એ પછીની ફિલ્મમાં તને ચોક્કસ ચાન્સ આપીશ આ ‘દેવ’નું પ્રોમિસ છે!’
એવા ‘ગોપાલદાસ સક્સેના’ ઊર્ફ કવિ-ગીતકાર ‘નીરજ’ને લોકો ‘ફૂલોં કે રંગ સે’ ‘રંગીલા રે, તેરે રંગ મેં’, ‘દિલ આજ શાયર હૈ, ગમ એક નગ્મા’, ‘જીવનકી બગીયા મહેકેગી’, ‘ઓ મેરી શર્મિલી’, કે ‘ચૂડી નહીં યે મેરા દિલ હૈ..’ કે પછી ‘એ ભાઈ યે સર્કસ હૈ’ જેવાં અનેક સુપરહિટ ફિલ્મ- ગીતોને કારણે ઓળખે છે, પણ સાથો સાથ નીરજ તો હિંદી કવિ સંમેલનોનાયે મોટા સ્ટાર હતા.
પહેલીવાર નીરજજીને હું ૧૯૯૬માં મહેશ ભટ્ટની ફિલ્મ ‘ફરેબ’ની મ્યુઝિક સીટિંગ દરમિયાન મળેલો. ત્યારે મેં એક ફેન તરીકે એમનો ઓટોગ્રાફ લીધો અને એમણે એક તાજી રચના મને સંભળાવેલી:
‘ખૂશ્બુ-સી આ રહી હૈ જૈસે જાફરાન (કેસર)કી, ખિડકી ખુલ ગઇ હોગી ઉસકે મકાનકી!’
આવા ૧૯૨૫માં જન્મેલા નીરજજી, ફિલ્મોની બજારુ દુનિયામાં ‘જાફરાની ખૂશ્બુ’ ફેલાવીને ૯૩ વરસે ૨૦૧૮ સુધી મહેકતા રહ્યા.
નીરજ કારમી ગરીબીમાં સડક પર મજૂરી, ટાઈપિંગનું કામ કે કારકૂની કરીને સાથે સાથે ભણતા પણ રહ્યા. મજાની વાત એ છે કે એમણે હિંદીમાં એમ.એ કર્યું ત્યારે અભ્યાસક્રમ માં એમની પોતાની જ કવિતાઓ ભણવી પડેલી! પછી યુ.પી.માં પ્રોફેસર બનેલા કવિ નીરજ, અમિતાભ બચ્ચનના પિતા અને હિંદીના મહાન કવિ હરીવંશરાય બચ્ચનના બહુ ચાહક હતા માટે બચ્ચનજીની જેમ જ કવિ સંમેલનો ગજાવતા. પછી નીરજે એક પછી એક લોકપ્રિય કાવ્યસંગ્રહો આપ્યાં ને ફિલ્મો સુધી પહોંચી ગયા.
૧૯૬૪માં ‘નઇ ઉમરકી નઇ ફસલ’ નામની ફ્લોપ ફિલ્મમાં નીરજનું લોકપ્રિય ગીત ‘કારવાં ગુઝર ગયા, ગુબાર દેખતે રહે’ હિટ થયું પછી તો દેવઆનંદે એમને પોતાના હાથે એક પોસ્ટકાર્ડ લખીને મુંબઇ બોલાવ્યા અને પછી ‘દુનિયા’, ‘તેરે મેરે સપને’, ‘પ્રેમપૂજારી’, ‘ગેંબલર’, ‘છૂપા રૂસ્તમ’ જેવી અનેક ફિલ્મોમાં ગીતો લખાવ્યાં. એમાંયે ‘પ્રેમપૂજારી’નું ગીત ‘ફૂલો કે રંગ સે દિલકી કલમ સે’ હિંદી ફિલ્મોનાં ગીતોના ઈતિહાસમાં સૌથી લાંબું મુખડું છે એટલે કે ગીતની પ્રથમ પંક્તિ લગભગ ૨-૩ મિનિટ સુધી અવિરત ચાલે જ રાખે છે!
ન જાણે કેમ,બહુ શરૂઆતમાં સચિન દેવ બર્મનને નીરજ ખાસ પસંદ નહોતા પડ્યા પણ પાછળથી સચિનદા અને નીરજની જોડી એવી તે જામી કે પછી ‘શર્મીલી’ જેવી ફિલ્મમાં નીરજે ‘મેઘા છાય આધી રાત’ કે ‘આજ મદહોશ હુઆ જાય રે’ જેવા ગીતો લખીને બોલિવૂડનાં સંગીતને નવી જ તાજગી ને એક આગવી ઊંચાઈ આપી.‘અંગ અંગ બજે શહનાઈ, રોમ રોમ બહે સૂરધારા’ જેવા શુદ્ધ હિંદીમાં કવિતાની કક્ષામાં ફિલ્મી ગીતો આપ્યાં. જોતજોતામાં ગીતકાર નીરજ ૪-૫ વરસ માટે, હિંદી ફિલ્મોમાં શૈલેંદ્ર, સાહિર, મજરૂહ, આનંદ બક્ષી કરતાં પણ વધુ ‘સૌથી હાઇએસ્ટ પેડ’ ગીતકાર બની ગયેલા!
કવિ નીરજના અનેક ફિલ્મી ગીતો એમણે પહેલાં લખેલી કવિતાઓમાંથી જ બદલીને ફિલ્મોમાં વાપરવામાં આવેલા, જેમ કે, નીરજની ઓરિજિનલ રચના ‘ચાંદની મે ઘોલા જાય ફૂલોં કા શબાબ’ને બદલીને ‘શૌખિયોં મેં ઘોલા જાય’ કરવામાં આવેલું, જે સુપરહીટ થઈ ગયેલું.
એ જ રીતે ‘મેરા નામ જોકર’ ફિલ્મનું ગીત ‘એ ભાઈ ઝરા દેખ કે ચલો’ ગીત ખરેખર તો નીરજે દિલ્હીની ગંદી રાજનીતિ પર લખેલું કે ‘અય ભાઈ યે રાજપથ હૈ!’ ને ત્યારના દિલ્હીનાં રાજકારણ પર એમાં ખૂબ પ્રહારો કરેલા પછી રાજ કપુરે ‘રાજપથ’ શબ્દમાંથી ‘સર્કસ’ કરીને ફિલ્મમાં એ ગીત વાપરેલું.
તો એક બાજુ દેવ આનંદ- એસ.ડી. બર્મન અને બીજા બાજુ રાજકપૂર-શંકર-જયકિશન સાથે કામ કરીને નીરજ હિંદી ફિલ્મોમાં નંબર-૧ ગીતકાર બની ગયા, ઉપરાઉપરી ૩-૩ વરસ લગાતાર ‘ફિલ્મફેર’ અવૉર્ડ મળ્યો એટલે હરીફ ગીતકારોએ બોલિવૂડમાં એવી હવા ફેલાવી કે ‘નીરજ, જે ગીતો લખે છે એ તો હિટ થાય છે, પણ ફિલ્મો ચાલતી નથી નીરજ, ફિલ્મ માટે અપશુકનિયાળ છે.’
વળી ત્યારે ‘મેરા નામ જોકર’ અને ‘તેરે મેરે સપને’ જેવી અદ્ભુત ફિલ્મો ફ્લોપ પણ થયેલી એટલે નિર્માતાઓમાં આ વહેમ ફેલાવા માંડ્યો. પછી ધીમે ધીમે નીરજને કામ મળતું બંધ થયું અને અધૂરામાં પૂરું, શંકર-જયકિશનમાંના શંકરજી અને એસ.ડી.બર્મન પણ ગુજરી ગયાં એટલે બોલિવૂડથી કંટાળીને ફરીથી નીરજે અલીગઢની કોલેજમાં હિંદી પ્રોફેસર બનવું પડ્યું.
કાશ, નીરજ હજુ ૨-૩ વરસ બોલિવૂડમાં ટકી ગયા હો તો બધા ગીતકારોની છુટ્ટી કરી નાખત!
આવા ગીતકાર-કવિ નીરજ વિના દાયકાઓ સુધી હિંદી મુશાયરાની જાન ને શાન હતા. કવિસંમેલનના અંતમાં નીરજને જ રાખવામાં આવતા, જેથી શ્રોતાઓ અંત સુધી બેસી રહે ને પછી ઘેઘૂૂર અવાજમાં એક ટયૂનમાં નીરજ રચના સંભળાવતા ત્યારે લોકો ઝૂમી ઉઠતા. નીરજ પાછળ છોકરીઓના ઝૂંડના ઝૂંડ એમની પાછળ ચાલતા. નીરજે પોતે કબૂલેલું, ‘જો સ્ત્રી-ચાહકોએ મારૂં ધ્યાન ના ભટકાવ્યું હોત તો મેં ઘણુ વધારે સારૂં કામ કર્યું હોત ! ’
એકવાર ફરુખાબાદના મુશાયરામાં સોહનલાલ દ્વિવેદી કવિના પઠનનો વારો, નીરજ પછી આવ્યો. ગાંધીવાદી સોહનલાલે ‘નીરજ’ના રોમેંટિક ગીતોની ટીકા કરતા કહયું: ‘હવે હિંદીમાં આવાં ચાલુ ગીતો લખાશે?’ શ્રોતાઓએ તરત સોહનલાલજીનો હુરિયો બોલાવ્યો, ‘નીરજ’-‘નીરજ’ની બૂમો પાડી..ફરીથી નીરજને મંચ પર બોલાવવા પડયા..
વરસો બાદ એ જ ફરૂખાબાદના કોઇ કવિ સંમેલનમાં નીરજે નવા કવિઓને પ્રોત્સાહન આપવા ઈનામો આપવાની ઘોષણા કરી.
એ સરકારી સમારંભ હતો એટલે સામે નેતાઓ હતા નીરજને એમ કે સરકાર પણ થોડા પૈસા આપશે, પણ પ્રોગામના અંતમાં જોયું ત્યારે ખબર પડી કે એમના પોતાના જ પુરસ્કારમાંથી એ પૈસા અપાયેલા! (ત્યારેથી ‘નીરજ’ પુરસ્કાર અગાઉથી ગણીને લઈ લેતા)
દેવ આનંદની ફિલ્મ પ્રેમપૂજારીમાં નીરજે ગીત લખેલું: પ્રેમકે પૂજારી, હમ તો રસ કે ભિખારી એવા ગીતકાર કવિ, ભીખારી નહીં શાયરીનાં શહેનશાહ હતા. પદ્મશ્રી, પદ્મભૂષણથી નવાજાયેલા નીરજ, બહુ ખુદ્દાર હતા ને સરકારો વિરૂદ્ધ ખૂલીને જીવનનાં અંત સુધી ચાબખાં મારતા. સત્તા હોય કે સ્ટાર, નેતા હોય કે અભિનેતા કોઇની સામે કદી ઝૂક્યા નહીં. એટલે જ નીરજે સ્ટાર ડાયરેક્ટર વિજય અનંદની ફિલ્મ તેરે મેરે સપનેમાં તેજાબી ગીત લખેલું :
દેશ કો ખા ગઇ નેતાગીરી,
ખેત કો ખા ગયા સૂખા (દુકાળ),
કૌએ ખાયે દૂધ મલાઈ
હંસ મરે હાય ભૂખા.ઝમાને ધત્ તેરે કી. !