નવી દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ભારતના ઉચ્ચ શિક્ષણમાં મોટા કરવા જઈ રહી છે, UGCએ નવી ગાઈડલાઈન્સનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ડ્રાફ્ટમાં ‘ગ્રેજ્યુએટ ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી રેગ્યુલેશન, 2024’ હેઠળ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. આ ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ મુજબ વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત કોલેજમાં એડમીશનની તક મળશે અને ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામની સુવિધા પણ મળશે.
કમિશને આ ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ પર લોકોના સૂચનો મંગાવ્યા છે, 23 ડિસેમ્બર 2024 સુધી સૂચનો સ્વીકારવામાં આવશે.
વિદ્યાર્થીઓને સરળતા રહેશે:
યુજીસીના અધ્યક્ષ, પ્રોફેસર જગદીશ કુમારે જણાવ્યું હતું કે આ નવી ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ ઉચ્ચ શિક્ષણમાં શિસ્તની જડતા ઘટાડવા, વિદ્યાર્થીઓને વધુ સુગમતા આપવા અને વિવિધ વિષયોમાં અભ્યાસ માટેની તકો પૂરી પાડવાનો પ્રયાસ છે. આ ડ્રાફ્ટ ગાઈડલાઈન્સનો ઉદ્દેશ્ય ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં સુગમતા લાવવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ તેમની પસંદગીની દિશામાં અભ્યાસ કરી શકે.
વર્ષમાં બે વાર પ્રવેશની તક:
આ ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ મુજબ સૌથી મોટો ફેરફાર પ્રવેશને લગતો છે, હવે વિદ્યાથીઓને વર્ષમાં બે વખત પ્રવેશની તક મળશે. હવે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ (HEIs) વિદ્યાર્થીઓને જુલાઈ/ઓગસ્ટ અને જાન્યુઆરી/ફેબ્રુઆરીમાં પ્રવેશ આપી શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને એક જ સમયે બે યુજી અથવા પીજી પ્રોગ્રામ્સમાં ભણવાની સ્વતંત્રતા પણ આપવામાં આવશે.
અન્ય વિષયમાં પ્રવેશ:
બીજો મોટો ફેરફાર એ છે કે વિદ્યાર્થીઓ તેમના અગાઉના શિક્ષણ અથવા વિષયને ધ્યાનમાં લીધા વિના અન્ય કોઈપણ UG અથવા PG પ્રોગ્રામમાં પ્રવેશ લઈ શકે છે, પરંતુ આ માટે સંબંધિત પ્રવેશ પરીક્ષામાં સફળ થવું જરૂરી છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ક્ષેત્રે આવતા અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ક્રેડિટના નિયમો સરળ:
નવા નિયમો મુજબ વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ જરૂરિયાતો પણ સરળ કરવામાં આવી છે. યુજી ડિગ્રી માટે, વિદ્યાર્થીઓએ તેમના મુખ્ય વિષયમાં ઓછામાં ઓછી 50 ટકા ક્રેડિટ મેળવવાની રહેશે. બાકીની ક્રેડિટ સ્કિલ ડેવલોપમેન્ટ, એપ્રેન્ટિસશીપ અથવા મલ્ટિડિસિપ્લિનરી અભ્યાસ દ્વારા પૂર્ણ કરી શકાય છે.
આ ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ મુજબ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓની હાજરી માટે તેમની પોતાની નીતિઓ બનાવી શકશે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સુસંગત હશે. આનાથી વિદ્યાર્થીઓને વધુ સુગમતા અને એડજસ્ટ થવાની તક મળશે
UG/PG પ્રોગ્રામનો સમયગાળો:
ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ અનુસાર, અંડરગ્રેજ્યુએટ ડિગ્રીનો સમયગાળો ત્રણ કે ચાર વર્ષનો રહેશે અને પોસ્ટગ્રેજ્યુએટ ડિગ્રી સામાન્ય રીતે એક કે બે વર્ષની હશે. જો કે, ગ્રેજ્યુએટની ડિગ્રીનો સમયગાળો વધુ કે ઓછો હોઈ શકે છે. જ્યારે યુજીના વિદ્યાર્થીઓ નિર્ધારિત સમય પહેલા અથવા પછી તેમની ડિગ્રી પૂર્ણ કરી શકે છે.
આ સંદર્ભમાં વધુ માહિતી માટે, ઉમેદવારો UGCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.