દલિત પિતાના બાળકોની આનામતનો કેસ આ કારણે ગયો સુપ્રીમ કોર્ટમાં: જાણો કોર્ટનો મહત્વનો ચુકાદો
નવી દિલ્હી: છુટાછેડા છેડા બાદ દલિત પુરુષ અને બિન-દલિત મહિલાના સંતાનોને અનુસુચિત જાતીનું પ્રમાણપત્ર મળી શકે? માતાના છુટાછેડા બાદ બિન-દલિત ઘરમાં ઉછેરતા બાળકોને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને રોજગારના માટે અનુસૂચિત જાતિના ગણી શકાય? આ પ્રશ્નનો ધરાવતા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિન-દલિત મહિલા અને દલિત પુરુષ વચ્ચેના લગ્નને રદ્દ કરતા છૂટાછેડા મંજુર કર્યા હતાં. કોર્ટે પિતાને તેમના સગીર બાળકો માટે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવવાનો આદેશ આપ્યો હતો, બાળકો તેમની બિન-દલિત માતા સાથે છેલ્લા છ વર્ષથી રહેતા હતા.
બંધારણની આ કલમ મુજબ આપાયો ચુકાદો:
કોર્ટે આ ચુકાદો ભારતીય બંધારણની કલમ 142 હેઠળ આપ્યો હતો. આ જોગવાઈ મુજબ સુપ્રીમ કોર્ટને કેટલાક વિશેષાધિકારો મળે છે. આ કલમ મુજબ સુપ્રીમ કોર્ટ એવા કેસોમાં પોતાનો ચુકાદો આપી શકે છે જે માટે હજુ સુધી કોઈ કાયદો બન્યો નથી. જો કે ચુકાદાથી બંધારણનું ઉલ્લંઘન ન થવું જોઈએ. આ કલમ કોર્ટને વિવેકાધીન સત્તા પ્રદાન કરે છે, જેનો અર્થ છે કે કોર્ટ તેના વિવેક મુજબ કોઈપણ કેસમાં નિર્ણય લઈ શકે છે. આ કલમ મહત્વપૂર્ણ છે, કેમ કે આ કલમ ન્યાયના સિદ્ધાંતનું રક્ષણ કરે છે. ઘણા કિસ્સાઓમાં, સુપ્રીમ કોર્ટે સામાજિક પરિવર્તન લાવવા માટે આ કલમનો ઉપયોગ કર્યો છે. આ કલમ કાયદાને સુધારવામાં પણ મદદ કરે છે.
Also Read – ઇસ્લામ, ખ્રિસ્તી ધર્મના આમંત્રણ બાદ પણ બાબાસાહેબે કેમ માત્ર બૌદ્ધ ધર્મ જ અપનાવ્યો ?
શું છે આ મામલો?
સુપ્રીમ કોર્ટે જુહી પોરિયા અને પ્રદીપ પોરિયાને છૂટાછેડા આપ્યા હતાં. છૂટાછેડા બાદ પ્રશ્ન એ હતો કે બિન-દલિત મહિલા લગ્ન દ્વારા અનુસૂચિત જાતિ સમુદાયનું સભ્યપદ મેળવી શકતી નથી, તેમ છતાં લગ્ન બાદ જન્મેલા બાળકોને અનુસુચિત જાતીનું પ્રમાણ પત્ર મળે કે નહીં? સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે બાળકોને અનુસુચિત જાતીના બાળકો માનવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભુઈયાની બેંચે આ કેસમાં ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અનેક ચુકાદાઓમાં આ સિદ્ધાંતને પુનરાવર્તિત કર્યો છે, કોર્ટે 2018 માં એક ચુકાદો આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, “એમાં કોઈ વિવાદ ન હોઈ શકે કે જાતિ જન્મથી નક્કી થાય છે અને અનુસૂચિત જાતિ (સમુદાય)ના વ્યક્તિ સાથે લગ્ન કરવાથી વ્યક્તિની જાતી બદલાતી નથી. પતિ અનુસૂચિત જાતિ સમુદાયનો હોવાને કારણે મહિલાને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપી શકાતું નથી.”
હાલના કિસ્સામાં, દંપતીનો એક 11 વર્ષનો પુત્ર અને એક છ વર્ષની પુત્રી છેલ્લા છ વર્ષથી રાયપુરમાં તેના મોસાળના બિન-દલિત પરિવાર સાથે રહે છે. સુપ્રીમ કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા પછી, અને કહ્યું કે બાળકોનો ઉછેર બિન-દલિત ઘરમાં થશે અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને નોકરીના હેતુ માટે તેમને અનુસૂચિત જાતિના સભ્ય ગણવામાં આવશે.
પિતાને આપ્યો આદેશ:
જસ્ટિસ કાંતની આગેવાની હેઠળની બેંચે પતિને સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવા અને છ મહિનામાં બંને બાળકો માટે અનુસુચિત જાતીના પ્રમાણપત્રો મેળવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે પિતા પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તેમના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે, જેમાં પ્રવેશ અને ટ્યુશન ફી તેમજ બોર્ડિંગ અને રહેવાના ખર્ચનો સમાવેશ થાય છે.
પુરુષે મહિલાને 42 લાખ રૂપિયા આપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય પતિ રાયપુરમાં પોતાની જમીનનો એક પ્લોટ પણ મહિલાને આપશે. બેન્ચે છૂટા પડેલા દંપતી વચ્ચેના કરારમાં રસપ્રદ જોગવાઈ પણ ઉમેરી છે, જેના હેઠળ પતિએ આવતા વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં તેની પત્નીના વ્યક્તિગત ઉપયોગ માટે ટુ-વ્હીલર ખરીદવું પડશે.
કોર્ટે માતાને આવો નિર્દેશ આપ્યો:
બેન્ચે એકબીજા સામે દાખલ કરાયેલી ક્રોસ એફઆઈઆર અને કેસને પણ રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે મહિલાને સમયાંતરે બાળકોને તેમના પિતા સાથે પરિચય કરાવવા, રજાઓ પર લઈ જવા અને તેમની વચ્ચે સારા સંબંધો જાળવવાનો નિર્દેશ આપ્યો હતો.