આમચી મુંબઈ

ઉપનગરમાં ૬૯૮ રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ શરૂ

જોકે, મુંબઈનું શહેરના માર્ગોનું કામ રખડી પડ્યું, આગામી ચોમાસા પહેલા પૂરું નહીં થાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તાઓ પર ખાડા પડે તે નહીં માટે તમામ રસ્તાઓને બે તબક્કામાં સિમેન્ટ-કૉંક્રીટના બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પહેલાં તબક્કામાં કુલ ૬૯૮ રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટીકરણનું કામ પૂરું કરવામાં આવવાનું છે. આ તમામ રસ્તા પશ્ર્ચિમ અને પૂર્વ ઉપનગરના છે. કુલ રસ્તામાંથી ૧૮૭ રસ્તાના કામ પૂરા થયા છે, જેમાં પશ્ર્ચિમ ઉપનગરના ૧૫૫ રસ્તા તો બાકીના રસ્તા પૂર્વ ઉપનગરમાં આવેલા છે. પહેલા તબક્કામાં શહેરના રસ્તાના કામનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

આ કામ બીજા તબક્કામાં કરવામાં આવવાના હોવાથી તાજેતરમાં તેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. તેથી આગામી ચોમાસા પહેલા આ કામ પૂરા થવાના નથી અને ત્યારબાદ ફરી ચોમાસું ચાલુ થવાને કારણે કામ ફરી અટવાઈ જશે.

મુંબઈમાં ૨,૦૫૦ કિલોમીટરના રસ્તા હોઈ તેમાંથી ૫૦ ટકાથી વધુ રસ્તાના કૉંક્રીટાઈઝેશનનું કામ પૂરું થઈ ગયું છે. બાકીના રસ્તાના કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યા છે. પહેલા તબક્કામાં શહેરના ૬૮.૨૫ કિલોમીટર લંબાઈના રસ્તાના કામ કોર્ટ પ્રક્રિયાને કારણે અટવાઈ ગયા હતા. ત્યારબાદ નવેસરથી કાઢવામાં આવેલા ટેન્ડરને કારણે કામ અટવાઈ ગયું હતું, તેને કારણે આ રસ્તાના કામ બીજા તબક્કાના કામમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પહેલા તબક્કામાં કુલ ૩૨૪ કિલોમીટર લંબાઈના ૬૯૮ રસ્તા છે, જેમાં ફક્ત પશ્ર્ચિમ-પૂર્વ ઉપનગરના રસ્તાના કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં ૩૭૭ કિલોમીટર લંબાઈના ૧,૪૨૦ રસ્તાના કૉંક્રીટાઈઝેશનના કામ કરવામાં આવવાના છે, જેમાં માત્ર મુંબઈ શહેરમાં ૧૩૩ કિલોમીટર લંબાઈના ૫૦૩ રસ્તાનો સમાવેશ થાય છે.

Also Read – યુનિવર્સિટીઓમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાન્સેલર દ્વારા અટકાવાઇ

પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ પહેલા તબક્કાના ૬૯૮ રસ્તાના કૉંક્રીટીકરણનું કામ આગામી ચોમાસા પહેલા પૂરું કરવામાં આવશે. તો ૨૧૩ રસ્તાનું કૉંક્રીટીકરણનું કામ પ્રગતિ પર છે. બાકીના કામ પણ બહુ જલદી હાથ ધરવામાં આવશે. પશ્ર્ચિમ ઉપનગરમાં સૌથી વધુ ૧૫૫ રસ્તા કૉંક્રીટીકરણ તો પૂર્વ ઉપનગરમાં ૩૨ રસ્તાના કામ પૂરા કરવામાં આવ્યા છે.

બીજા તબક્કામાં ૩૭૭ કિલોમીટર લંબાઈના ૧,૪૨૦ રસ્તા છે, જેમાં મુંબઈ શહેરના ૫૦૩ રસ્તા, પૂર્વ ઉપનગરના ૨૬૧ અને પશ્ર્ચિમ ઉપનગરના ૬૫૬ રસ્તાનો સમાવેશ થાય છે. કુલ રસ્તામાંથી ૪૩૩ રસ્તાના કામના પ્રગતિ પર છે. આ કામ મોડેથી ચાલુ કરવામાં આવ્યા હોવાથી આગામી ચોમાસા પહેલા પૂરા થવાની શક્યતા નહીંવત છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button