ટ્રીન ટ્રીનઃ મોબાઈલના મારા વચ્ચે હજી પણ દેશમાં 17 હજાર ટેલિફોન બૂથ છે
નવી દિલ્હીઃ બુધવારે સંસદના શિયાળુ સત્રમાં સરકારે પબ્લિક ટેલિફોન બૂથ (PCO) અંગે માહિતી આપી હતી. આ સમયે, સરકારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં દેશભરમાં 44,922 જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે. હાલમાં, દેશભરમાં લગભગ 17 હજાર ટેલિફોન બૂથ કાર્યરત છે.
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી પી ચંદ્રશેખરે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. મોબાઈલ ફોન ટેકનોલોજીની વ્યાપકતા વધવાથી જાહેર ટેલિફોન બૂથની સંખ્યામાં ઘટાડો થયો. આ માટે ટેલિ ડેન્સિટી અને મોબાઇલ એફોર્ડેબિલિટીમાં વધારો કારણભૂત છે, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું.
એવો અંદાજ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ 44,922 જાહેર ટેલિફોન બૂથ બંધ કરવામાં આવ્યા છે. ઉપરાંત, 30 જૂન, 2024 સુધી દેશભરના ગ્રામીણ વિસ્તારોમાં 1,519 જાહેર ટેલિફોન બૂથ અને શહેરી વિસ્તારોમાં 15,439 જાહેર ટેલિફોન બૂથ હતા, એમ પી ચંદ્રશેખરે જણાવ્યું હતું.
Also Read – ઈસરોની વધુ એક યશકલગી: યુરોપિયન સ્પેસ એજન્સીનું પ્રોબા-3 મિશન સફળતાપૂર્વક લોન્ચ
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાર્વજનિક ટેલિફોન બૂથ છે. મહારાષ્ટ્રમાં શહેરી વિસ્તારોમાં 4,314 જાહેર ટેલિફોન બૂથ છે અને ગ્રામીણ વિસ્તારોમાં 42 છે. આ પછી તમિલનાડુમાં શહેરી વિસ્તારોમાં 2,809 જાહેર ટેલિફોન બૂથ અને ગ્રામીણ વિસ્તારોમાં 305 છે. ઘણા રાજ્યોમાં એક પણ જાહેર ટેલિફોન બૂથ કાર્યરત નથી.
એક સમય હતો જ્યારે લોકો પાસે મોબાઇલ ફોન નહોતા અને લેન્ડલાઇન ફોનની સંખ્યા પણ ઘણી મર્યાદિત હતી. એવા સમયે લોકો સાથે સંપર્ક સાધવા માટે ટેલિફોન બૂથ બહુ જ જરૂરી હતા. મોબાઇલની ઉત્ક્રાંતિ સાથે પબ્લિક ટેલિફોન બૂથનો મૃત્યુઘંટ વાગી ગયો અને તે ધીમે ધીમે લુપ્ત થવા માંડ્યા. મોબાઇલ પર નભતી આજની પેઢીને તો લેન્ડ લાઇન ફોનની પળોજણ, એસટીડી કોલ, વગેરે વિશે તો કદાચ ખબર જ નહીં હોય.